તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નું વિશ્લેષણ:માનસિક રોગીઓને કોઈ વળગાડ, ચુડેલ કે ડાકણનો પ્રવેશ થયો એવું માની ભૂવાઓ પાસે કે દોરા-ધાગા બંધાવવા લઈ જવાય છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • લોકોએ માનસિક બીમાર વ્યક્તિને હૂંફ, સ્નેહ, પ્રેમ, કાળજી, લાગણી આપવી ખૂબ જરૂરી

માનસિક બીમારી એક એવો શબ્દ જેને જાણે પાગલપન સાથે જ જોડી દેવામાં આવ્યો છે. પરંતુ દરેક માનસિક બીમારી પાગલપન હોતી નથી. આજે પણ લોકો માનસિક બીમારીનો સ્વીકાર કરતા ડરે છે, કોઈને કહેતા ડરે છે જેના મુખ્ય કારણ તેના વિશેનો ખોટો ભય, સમાજનો ભય અને માહિતીનો અભાવ છે. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી હેમંત પાંડાવદરાએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શન નીચે માનસિક રોગ વિશે ખોટા ભ્રમ અને તેની વાસ્તવિકતા લોકો સમક્ષ પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. જેથી જરૂરિયાતવાળી વ્યક્તિને યોગ્ય સમયે મદદ મળી રહે. માનસિક રોગ વિશેનો હકીકતનો આ પ્રયત્ન લોકોને જાગૃત કરવા માટેનો છે. આપણા દેશમાં માનસિક રોગીઓને કોઈ વળગાડ, ચુડેલ કે ડાકણનો પ્રવેશ થયો એવું માની ભૂવાઓ પાસે કે દોરા-ધાગા બંધાવવા લઈ જવાય છે.

પશ્ચિમ અને ભારતીય સમાજમાં માનસિક રોગ વિશેની વાતોનો તફાવત
પશ્ચિમ દેશોમાં લોકો સાયકોલોજીસ્ટ કે સાયકીયાટ્રિક પાસે જતા ભય અનુભવતા નથી. કારણ કે ત્યાં લોકો સમજે છે કે શારીરિક રોગની જેમ માનસિક રોગ પણ થઈ શકે. પરંતુ ભારતમાં સ્થિતિ વિપરીત છે. આજે પણ માનસિક રોગીઓને કોઈ વળગાડ, ચુડેલ કે ડાકણનો પ્રવેશ થયો એવું માની ભૂવાઓ પાસે કે દોરા ધાગા બંધાવવા લઈ જવામાં આવે છે. આજે પણ માનસિક રોગી સાથે ખરાબ વર્તન થાય છે અને તેને અલગ દ્રષ્ટિએ જોવામાં આવે છે. જેથી યોગ્ય સમયે યોગ્ય મદદ મળતી નથી.

સાધારણ અને અસાધારણ વર્તન વચ્ચે તફાવત
સામાન્ય રીતે વ્યક્તિ સામાન્ય વર્તન કરતી હોય છે. આવેગો નિયંત્રણમાં રાખતી હોય છે જે સાધારણ છે. પણ જ્યારે વ્યક્તિનું કોઈ વર્તન વારંવાર પુનરાવર્તિત થાય, સામાજિક નિયમોને અનુરૂપ વર્તન ન હોય, એવું વર્તન જે પોતાને અને અન્ય લોકોને નુકસાન કરે, વ્યક્તિ પોતાની જાતને કાર્ય કરવામાં અસક્ષમ સમજે તો આ બધા વર્તન અસાધારણ છે

ભ્રમ: માનસિક બીમાર એટલે વ્યક્તિ ગાંડી કે પાગલ થઈ ગઈ
વાસ્તવિકતા: મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રકારની માનસિક બીમારીઓનો ઉલ્લેખ છે. જે હળવાથી તીવ્ર પ્રકારની હોય છે. દરેક બીમાર વ્યક્તિ ગાંડી હોતી નથી. વિવિધ બીમારીઓ જેમ કે સ્કીઝોફેનિયા, ડિપ્રેશન, વિકૃત ચિંતારોગ, વ્યસન, બાળકોને લગતા માનસિક રોગ, ફોબિયા વગેરેનો સમાવેશ થાય છે. એટલે યાદ રાખવું કે દરેક માનસિક બીમારી પાગલપન નથી.

ભ્રમ: માનસિક રોગ સ્ત્રીઓને થાય પુરુષોને નહિ, કારણ કે તેઓ મજબૂત હોય છે
વાસ્તવિકતા: ના, માનસિક રોગ સ્ત્રીઓ અને પુરુષોને બધાને થઈ શકે. રોગ જાતિ જોઈને થતો નથી. જ્યાં લાગણીઓનું અને આવેગોનું વ્યવસ્થાપન ન થાય, હોર્મોન્સમાં અસંતુલન, કોઈ ઇજા, ન્યુરોટ્રાન્સમીટરમાં ગરબડ થતા કોઈને માનસિક બીમારી થઈ શકે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું.

ભ્રમ: માનસિક બીમાર વ્યક્તિને કોઈ ખરાબ ગ્રહ દશા બેઠી હોય કે કોઈ ગ્રહ નડતર હોય.
વાસ્તવિકતા: ગ્રહો અને માનસિક બીમારી એકબીજા સાથે જોડાયેલ છે એ ન માનવું. માનસિક બીમારી એ કોઈ વળગાડ નથી કે હવન કરાવવાથી દૂર થાય. મગજના ન્યુરોટ્રાન્સમીટરમાં કે હોર્મોન્સ પરિવર્તન કારણે, આવેગોનું વ્યવસ્થાપન ન થવાને કારણે પણ માનસિક બીમારી થતી હોય છે.

ભ્રમ: જેનું મન નબળું તે જ માનસિક બીમાર થાય.
વાસ્તવિકતા: માનસિક બીમાર કોઈ પણને થઈ શકે. હા મન નબળું તેને થોડી વધુ અસર થઈ શકે પણ મજબૂતમાં મજબૂત મનના માનવીને પણ થઈ શકે છે. ઘણી વખત પરિસ્થિતિ વિકટ સર્જાતા મજબૂત મનના માનવી પણ વતે ઓછે અંશે માનસિક બીમારીનો ભોગ બની શકે

ભ્રમ: માનસિક બિમારી એ અમીરોને ન થાય, ગરીબ અને વૃદ્ધોને જ થાય.
વાસ્તવિકતા: કોઈ પણ બીમારી ક્યારેય આર્થિક પાસું કે ઉંમર જોઈ આવતી નથી. એવું ક્યાંય નથી કે માનસિક બીમારી વૃદ્ધોને થાય યુવાનોને કે બાળકો ને નહિ. આ સમયે કદાચ યુવાનો ઘણી માનસિક સમસ્યાઓમાંથી પસાર થતા હોય છે. અમીરો પણ માનસિક બીમાર થવામાં બાકાત નથી.

ભ્રમ: માતા-પિતાને હોય તો જ બાળકોને માનસિક બીમારી થાય
વાસ્તિકતા: માનસિક રોગ વારસાગત જ હોય એવું જરૂરી નથી. હા શક્યતાઓ રહે છે પણ તે રોગની તીવ્રતા અને ચિકિત્સા પર આધારિત છે. એટલે 100 ટકા વારસાગત બીમારી જ છે એવું ન કહી શકાય

ભ્રમ: માનસિક રોગની કોઈ દવા કે ચિકિત્સા નથી.
વાસ્તવિકતા: ના, માનસિક રોગની ઘણી દવાઓ અને ચિકિત્સા છે જે વ્યક્તિને સ્વસ્થ કરી શકે છે.

ભ્રમ: માનસિક રોગના ડોક્ટરને મળવાથી કશો ફાયદો નથી થતો
વાસ્તવિકતા: દરેક વ્યક્તિ ની એક આગવી રીત અને સ્પેશિયાલિટી હોય છે. માનસિક રોગના ડોકટરોએ રોગ વિશેની ઘણી માહિતી અને તાલીમ લીધેલ હોય છે એટલે તેની પાસે જવામાં તકલીફ ન હોય

ભ્રમ: માનસિક રોગ દવા વિના ક્યારેય દૂર ન થાય અને પછી દવાની ટેવ જ પડી જાય​​​​​​​
વાસ્તવિકતા: ઘણી માનસિક બીમારી છે જે દવા વગર, થેરાપી અને કાઉન્સેલિંગ દ્વારા દૂર થઈ શકે એટલે દવા જ જરૂરી છે એ ભ્રમ દૂર કરવો ખૂબ જરૂરી. જ્યારે રોગની તીવ્રતા વધી જાય અને રોગ કાઉન્સેલિંગ કે થેરાપીથી દૂર ન થઈ શકે ત્યારે જ દવાની જરૂર પડે ને ધીરે ધીરે એ આદત પણ દૂર થઈ જાય છે

વિદેશ કરતા આપણા દેશમાં વિપરીત પરિસ્થિતિ.
વિદેશ કરતા આપણા દેશમાં વિપરીત પરિસ્થિતિ.

ભ્રમ: મારઝૂડ અને તોફાન કરે તો જ વ્યક્તિ માનસિક બીમાર હોય
વાસ્તવિકતા: ના દરેક વખતે માનસિક બીમાર વ્યક્તિ તોફાન જ કરે કે મારઝૂડ કરે જરૂર નથી. તે ક્યારેક એકદમ શાંત પણ હોય અને ક્યારેક આક્રમક બની જાય એટલે શાંત વ્યક્તિ બીમાર નથી એવું ન માનવું.

ભ્રમ: નાનપણમા મગજમાં વાગ્યું જ નથી તો વ્યક્તિ માનસિક બિમાર કેમ થાય?.
વાસ્તવિકતા: ઘણા લોકોને એવું હોય કે મગજમાં વાગ્યું હોય તો જ વ્યક્તિ માનસિક બીમાર થાય પણ એવું નથી. માતાના ગર્ભમાં કઈ વાગ્યું હોય, ડિલિવરી વખતે કઈ ઇજા થાય કે પછી જન્મ પછી કઈ અકસ્માત કે હોર્મોન્સ પરિવર્તન કારણે બીમારી થઈ શકે. એટલે કે બાળકના જન્મ પહેલાં, જન્મ સમયે કે જન્મ પછી ગમે ત્યા માનસિક બીમારીનું કારણ છુપાયેલ હોય શકે

ભ્રમ: માનસિક બીમાર એટલે બુદ્ધિની કમી
વાસ્તવિકતા: ના, માનસિક બીમાર એટલે બુદ્ધિની ખામી એવું ન કહી શકાય. ઘણી વખત પરિસ્થિતિ અને આવેગો પર વ્યક્તિ નિયંત્રણ ન રાખી શકે ત્યારે તે બીમાર બની જાય છે.

ભ્રમ: માનસિક બીમાર વ્યક્તિ સફળ ન થઈ શકે
વાસ્તવિકતા: એવું સહેજ પણ જરૂરી નથી કે માનસિક બીમાર વ્યક્તિ સફળ ન થઈ શકે. યોગ્ય ઉપચાર અને નિદાન દ્વારા એ વ્યક્તિ પણ સફળ થઈ શકે.

આમ માનસિક બીમારી અને માનસિક બીમાર વ્યક્તિ વિશેના ઘણા ભ્રમ સમાજે રાખ્યા છે જે દૂર કરવા જરૂરી છે. લોકોએ માનસિક બીમાર વ્યક્તિને હૂંફ, સ્નેહ, પ્રેમ,કાળજી, લાગણી આપવી ખૂબ જરૂરી છે જેથી તે સમાજમાં ફરી પુનર્વસન કરી શકે.

અન્ય સમાચારો પણ છે...