રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી હતી.આ બેઠકમાં સૌથી મહત્ત્વની દરખાસ્ત તરીકે TDR એટલે કે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ તરીકેની હતી. જે મંજુર થઈ છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે,કપાત સામે FSI લઈ તેટલી જમીનના હક્ક હવે અન્ય સ્થળે વાપરી શકાશે.
હવે ચોથા વિકલ્પમાં તેમને TDR અપાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ એવી મિલકતો કે જે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કપાતમાં લેવાય છે તેના મિલકતધારકોને કપાત થયેલી જગ્યાના બદલામાં તેટલી જગ્યા બીજા વિસ્તારમાં, કપાત જગ્યાનું નાણામાં વળતર તેમજ એફએસઆઈમાં તેટલી છૂટ એમ 3 વિકલ્પ અપાય છે પણ હવે ચોથા વિકલ્પમાં તેમને ટીડીઆર અપાશે. સરળ ભાષામાં સમજીએ તો કોઇની મિલકત કપાતમાં જાય અને તે વળતર તરીકે ટીડીઆર પસંદ કરે તો જેટલી મિલકત કપાત થઈ હોય તેને જંત્રીના ભાવ સાથે ગણીને તેટલી કિંમતના હક્ક અપાશે અને તેની મનપાના ચોપડે નોંધ થશે.
83 થળા ફાળવણી પણ ટૂંક સમયમાં કરવામાં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત મનપાએ મોટામવા પાસે આવેલી મોકાની 1000 ચોરસ મીટર જગ્યા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનને કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે 61 કરોડ રૂપિયાના ભાવે 99 વર્ષના લીઝ પર આપવાની દરખાસ્તને પણ મંજુર કરી છે. રામનાથપરા ફલાવર માર્કેટ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 2 મહિના પહેલા ખુલ્લી મુકેલ બજારના 83 થળા ફાળવણી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
રૂ.15.03 કરોડના ખર્ચને મંજૂરી આપી
નોંધનીય છે કે, આજની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.15.03 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. જેમાં વોર્ડ નં.02માં બજરંગવાડી મેઈન રોડ પર રૂ.92,24,000ના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. શિવાજી પાર્ક, અમરજીત નગર તથા લાગુ વિસ્તારમાં રસ્તાના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાનું કામ રૂ.34,33,750/-ના ખર્ચે તેમજ પ્રગતિ સોસાયટી તથા વિમાનગર તથા લાગુ વિસ્તારમાં રસ્તાના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાનું કામ રૂ.25,05,000/-ના ખર્ચે કરવામાં આવશે.
આ વિસ્તારોમાં એકાંતરા પાણી આપવામાં આવે છે
શહેરના વોર્ડનં. 1, 3, 9, 11, 12 તથા 18ના ઇશ્વરીયા પાર્ક, ઉમીયાઘાટ, મનહરપૂર, પૃથ્વીરાજ નગર, ઓમ રેસીડેન્સી, પેરામાઉન્ટ આરકેડ, પુનિત નગર તથા હરિકૃપા તેમજ શિવમ નગર સહિતના પાઇપલાઇનની સુવિધા વિહોણા 434 વિસ્તારોમાં ટ્રેકટર અને ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવમાં આવે છે. આ ઉપરોક્ત વિસ્તારોમાં વર્ષ દરમ્યાન 96 હજાર ફેરાઓ મારફત પાણી આપવા માટે 6.50 કરોડનો ખર્ચ થાય છે. આ વિસ્તારોમાં એકાંતરા પાણી આપવામાં આવે છે.
હયાત ડ્રેનેજ લાઇન રૂા.49.20 લાખના ખર્ચે અપગ્રેડ થશે
આ ઉપરાંત આજની સ્ટેન્ડિંગમાં વોર્ડ નં ૩માં રેલનગર-સાધુવાસવાણી કુંજ રોડ ઉપર સોલિડ વેસ્ટની 3(ક)ની રૂા.80.45 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવા, વોર્ડ નં 5માં રત્નદિપ સોસાયટી કેયુર પાર્કમાં હયાત ડ્રેનેજ લાઇન રૂા.49.20 લાખના ખર્ચે અપગ્રેડ કરવા, વોર્ડ ન.1, 8, 9 અને 10માં પ્રાઇવેટાઇઝન્સથી ભુગર્ભ ગટરની ફરીયાદનો 47.78 લાખના ખર્ચે નિકાલ કરવાનુ કામ તથા શહેરમાં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવામાં આવે તેવા કિસ્સામાં કપાત મિલ્કત ધારકોને વૈકલ્પિક વળતર આપવા સહિતની વિવિધ વિકાસ કામોની ૨૯ દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.