તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મોટામવા અને મોરબી રોડ પર નવા સબ ડિવિઝન મંજૂર કરાયા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવડીમાં 44, નાનામવામાં 39, માધાપરમાં 38 હજારથી વધુ વીજગ્રાહકો

પીજીવીસીએલના સબ ડિવિઝનમાં દિનપ્રતિદિન ગ્રાહકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ઘણા સબ ડિવિઝન એવા છે જ્યાં વીજ કનેક્શનની મર્યાદા 30 હજારની છે, પરંતુ તેમાં 45થી 50 હજાર વીજગ્રાહકો સાથે ઓવરલોડ કનેક્શન હોવાને કારણે વીજફોલ્ટ અવારનવાર થઇ રહ્યા છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે સરકારના ઊર્જા વિભાગે તાજેતરમાં જ પીજીવીસીએલને રાજકોટમાં મોટામવા અને મોરબી રોડ બે સબ ડિવિઝન સહિત સૌરષ્ટ્રમાં કુલ 10 નવા સબ ડિવિઝન મંજૂર કર્યા છે. નવા સબ ડિવિઝનમાં જૂના ડિવિઝનોના ઓવરલોડ ગ્રાહકોનું વિભાજન કરી દેવાશે જેથી લોકોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળી શકે.નાનામવા અને કાલાવડ રોડ આ બંને સબ ડિવિઝનના 28 હજાર જેટલા વીજગ્રાહકને મોટામવા ખાતે નવું બનનાર સબ ડિવિઝનમાં ડાઇવર્ટ કરાશે જેમાં કોસ્મોપ્લેક્સ, મોટામવા, કાલાવડ રોડ વિસ્તારની કેટલીક સોસાયટીના ગ્રાહકોને ડાઇવર્ટ કરાશે.

માધાપર અને આજી-2 સબ ડિવિઝનના 29 હજાર જેટલા વીજગ્રાહકોને નવું મોરબી રોડ સબ ડિવિઝન બનશે તેમાં સમાવેશ કરાશે.પીજીવીસીએલના ઓવરલોડ સબ ડિવિઝનના વિભાગ કરવાથી વીજ લોડ અને ફરિયાદોનું પ્રમાણ ઘટશે અને લોકોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો મળશે. રાજકોટનો વિસ્તાર અને વસતીનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે શહેરની પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના રાજકોટમાં 21 જેટલા સબ ડિવિઝન એટલે કે પેટા વિભાગીય કચેરીઓ છે. એક સબ ડિવિઝનમાં 30 હજાર જેટલા વીજગ્રાહકોનો સમાવેશ થાય છે, પરંતુ શહેરનો વ્યાપ વધવાને લીધે વીજગ્રાહકોની સંખ્યા વધી છે.

20થી વધુ સબ ડિવિઝનમાં મહિને 2 હજારથી વધુ નવા કનેક્શનની અરજીઓ આવે છે
શહેરના 20થી વધુ સબ ડિવિઝનમાં દર મહિને રહેણાક વીજ કનેક્શન માટેની 2000થી વધુ અરજીઓ આવે છે. રાજકોટની ચારેબાજુ નવા બાંધકામ અને રહેણાક વિસ્તારો વિકસી રહ્યા છે એ પ્રમાણે પીજીવીસીએલએ વીજ વિતરણ વ્યવસ્થા પણ કરવાની રહે છે. એક સબ ડિવિઝનમાં 30 હજાર ગ્રાહકની મર્યાદા સામે આજે સબ ડિવિઝન પણ ઓવરલોડ થયા છે, પરંતુ લાઈનસ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફની ભરતી છેલ્લા ઘણા સમયથી કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...