• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Applicants Will Not Be Admitted Under RTE After Completing Their Studies In Standard 1, An Official Announcement Will Be Made Soon

નિર્ણય:ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ RTE હેઠળ અરજી કરનારને પ્રવેશ નહીં મળે, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા હવે ટૂંક સમયમાં આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે ત્યારે તેમાં શૈક્ષણિક વર્ષ 2019-20માં ધો.1માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓના વાલીઓ સરકારની મફત શિક્ષણની યોજનાનો  લાભ લેવા માટે ફરી તેમના સંતાનોને શૈક્ષણિક વર્ષ 2020-21માં ફરી ધો.1માં એડમિશન અપાવવા આરટીઇ હેઠળ એપ્લાય ન કરે તે માટે વિદ્યાર્થીઓના ડાયસ અને આધારકાર્ડને લિંક કરવા નિર્ણય કરાયો છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરાશે તેમ જાણવા મળે છે. રાજકોટમાં ગત વર્ષે આવા 84 કેસ બહાર આવ્યા હતા. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ગત 27મીએ  આરટીઇ હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ કરવા અને પ્રાથમિક શિક્ષણના અન્ય પ્રશ્નો માટે તમામ જિલ્લાના ડીઇઓ અને ડીપીઇઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

કોરોનાને લીધે એડમિશન લેટ થશે
જેમાં ધો.1માં અભ્યાસ કરી ચૂક્યા હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓ સરકારની મફત શિક્ષણ યોજનાનો લાભ લેવા માટે તેમના સંતાનોની આરટીઇ હેઠળ ફરી ધો.1માં એડમિશન માટે અરજી કરતા હોય તેમને કઇ રીતે અટકાવી શકાય તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ચર્ચાના અંતે એવો નિર્ણય કરાયો હતો કે વિદ્યાર્થીના આધારકાર્ડને ડાયસ સાથે લિંક કરી દેવાથી ધો.1માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીની ફરી ધો.1 માટે અરજી થઇ શકશે નહીં. જેના પરિણામે જે ખરેખર આ યોજનાના લાભાર્થીઓ છે તે એડમિશનથી વંચિત રહેતા અટકશે તેવો મત વ્યક્ત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે આરટીઈ એડમિશનની કામગીરી મોડી શરૂ થશે. દર વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં ફોર્મ ભરવાની અને ત્યારબાદ એડમિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ આ વર્ષે આ કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ થઈ જવાની સંભાવના છે.

ગત વર્ષે રાજકોટમાં 84 વિદ્યાર્થીએ રિપીટ એડમિશન લીધું હતું
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની પ્રાથમિક તપાસમાં ગત વર્ષે 2019-20માં 84 વિદ્યાર્થીએ ધો.1માં રિપીટ એડમિશન લીધાનું બહાર આવ્યું છે. આ 84 વિદ્યાર્થી 2018-19માં ધો.1નો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હોવા છતાં તેમણે ધો.1માં ફરી આરટીઇ હેઠળ એડમિશન લઇ લીધું હતું. 

ફોર્મ સ્વીકાર કેન્દ્ર પણ બંધ કરાશે
કોરોના મહામારીના કારણે હવે સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત બન્યું છે ત્યારે આરટીઇ હેઠળ અરજી કરવાના ફોર્મ સ્વીકાર કેન્દ્ર પર વાલીઓનો ભારે જમેલો જામતો હોય ફોર્મ સ્વીકાર કેન્દ્ર બંધ કરવા અને જે વિદ્યાર્થીને એડમિશન અપાય તેની સ્કૂલ કક્ષાએ ડોક્યુમેન્ટની ચકાસણી કરવા વિચારણા કરાઇ છે અને ટૂંક સમયમાં આ બાબતે પણ નિર્ણય લેવાય જાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...