રાજકોટ:ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સ્થાપન સાથે ગણેશોત્સવ મનાવવા અપીલ:કથીરીયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગૌશાળાઓને સ્વાવલંબી બનાવવાનો અનુરોધ
  • ગાયમાં એવી શક્તિ છે કે જે ગમે તેવા રોગ મટાડી શકે છે, કોરોનાની દવાનું સંશોધન ચાલુ છે

આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને ધ્યાનમાં રાખી દેશી ગાયોના ગોબરમાંથી ગણેશજીની અલગ-અલગ મૂર્તિઓ બનાવી અભિયાનમાં જોડાવા આગ્રહ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં કોરોનાના સંક્રમણ કાળમાં સૌ પોતપોતાના ઘરમાં ગોબર અને ગૌમયમાંથી બનાવેલા ગણપતિજીનું સ્થાપન કરી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે અને વિસર્જન કરવામાં આવે ત્યારે ઘરના જ વૃક્ષ-છોડ માટે ખાતર તરીકે ઉપયોગ કરે. જેથી પર્યાવરણની રક્ષા પણ થશે. આ સાથે જ જણાવ્યું હતું કે ગાયમા એવી શક્તિ છે કે જે ગમે તે રોગ મટાડી શકે. જેથી કોરોનાની દવાનું દેશમાં 6 જગ્યા પર સંશોધન ચાલુ છે. 

PMએ મન કી બાતમાં ઈકો ફ્રેન્ડલી ગણેશીની પ્રતિમાનું સ્થાપન કરવા આહવાન કર્યું
પીએમ મોદીએ મન કી બાતમાં આગામી ગણેશોત્સવ અને અન્ય પર્વોની શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવરણ રક્ષા માટે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ગણેશોત્સવ દરમિયાન સ્થાપન કરવા જનતાને આહવાન કર્યુ હતું. પ્રધાનમંત્રીના આ આહવાનને સ્વીકારી રાષ્ટ્રીય કામધેનુ આયોગે આ વર્ષે ગૌમય-ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાના સ્થાપન, પૂજન માટે અભિયાનરૂપે લોકો સમક્ષ અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત અભિયાનને ધ્યાનમાં રાખી આ વર્ષે સમગ્ર દેશની ગૌશાળાઓ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના ગોબરમાંથી ગણેશજીની અલગ અલગ સાઈઝની મૂર્તિઓ બનાવવા આગળ આવવા અને આ અભિયાનમાં જોડાવા આગ્રહ કર્યો છે. 

વિસર્જીત પ્રતિમાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે
રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે પીએમ મોદીથી શરૂઆત કરી રાજકીય, સામાજીક અગ્રણીઓ, ધર્મ-સંપ્રદાયના વડાઓ અને પ્રતિષ્ઠિત સેલીબ્રીટીઓને આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે. ગૌમય-ગોબરની ગણેશજીની પ્રતિમાના ઉપયોગથી પર્યાવરણની રક્ષા થશે. POPથી થતુ પ્રદૂષણ અટકશે. ઘરમાં ગોબર રાખવાથી નુકસાનકારક કિરણો અટકાવી શરીરનું રક્ષણ થશે અને ઘરમાં પવિત્રતા રહેશે.આ સાથે જ કહ્યું હતું કે વિસર્જીત પ્રતિમાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે. પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે અને યુવા મહિલાઓને રોજગારી મળશે.