• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Apoorva Muniswami Said, 'Patidars Stop Standing On Egg nonveg Lorries'; "Patidars Need To Be Socio politically Organized," Said Hardik.

પાટીદારોને ટકોર:અપૂર્વ મુનિસ્વામીએ કહ્યું, ‘પાટીદારો, ઇંડા-નોનવેજની લારીએ ઊભા રહેવાનું બંધ કરો’; હાર્દિક બોલ્યો, ‘સામાજિક-રાજકીય રીતે સંગઠિત થવાની જરૂર’

રાજકોટ20 દિવસ પહેલા
જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન અપૂર્વમુનિ સ્વામી, હાર્દિક પટેલ અને નરેશ પટેલ
  • જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ સમયે આપ્યાં નિવેદન

જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંદોલનમાં શહીદ થયેલા 14 વીરોના સ્મારકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ આગેવાનોએ સંબોધન કર્યું હતું. જેના કારણે માહોલ ગરમાયો હતો.

અપૂર્વ મુનિ સ્વામી
અપૂર્વ મુનિ સ્વામી

હાર્દિક પટેલે પાટીદાર સમાજ પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, ‘અમારા આંદોલનને ઘણા લોકો નિષ્ફળ ગણાવી રહ્યા હતા. મનમાં ફાંકો ન રાખવો કે પાટીદાર સમાજ એક છે. એક જ ગ્રાઉન્ડમાં એકત્ર થાય એ સંગઠન નથી. સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાની જરૂર છે.’ આ ઉપરાંત રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વ મુનિસ્વામીએ કહ્યુ હતું કે, પાટીદાર સમાજના લોકો ઇંડા અને નોનવેજની લારીએ ઊભા રહેવાનું બંધ કરો. સરદારનું માથું શરમથી ઝૂકી ન જાય તેનો ખ્યાલ રાખો. ખૂબ જ હિંમત કરી આ નિવેદન કરી રહ્યો છું.

ગીતા પટેલ, પાટીદાર નેતા
ગીતા પટેલ, પાટીદાર નેતા

અમે હક્કથી માગ કરીશું: ગીતા પટેલ
આ પ્રસંગે ઉપસ્થિત પાસ નેતા ગીતા પટેલે કહ્યું હતું કે, 2017માં પાટીદાર આંદોલન પછી કરવામાં આવેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે પણ અમારી માંગ આ જ હતી અને હવે તો અમારા મુખ્યમંત્રી છે. હવે તો અમે હક્કથી માંગણીઓ કરીશું. આજે પણ બેઠકમાં આજ મુદ્દાની માંગણીઓ કરીશું.

નરેશ પટેલ, ટ્રસ્ટી, ખોડિયાર મંદિર, કાગવડ
નરેશ પટેલ, ટ્રસ્ટી, ખોડિયાર મંદિર, કાગવડ

પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચોઃ નરેશ પટેલ
આ પ્રસંગે ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષોમાં યુવાનોએ પોતાની તાકાત શું છે તે બતાવી દીધી છે. યુવાનો શું કરી શકે તેનો પરિચય આપી દીધો છે. વર્ષોથી પાટીદાર સમાજમાં સંગઠનની ભૂખ હતી. યુવાનોની મહેનતથી મુખ્ય પાટીદાર સંસ્થાઓના પ્રયત્નોથી આજે પાટીદારો એક થયા છે. નરેશ પટેલે ફરી સરપંચથી સાંસદ સુધી તમામ પાટીદારો જ હોય તેવો રાગ આલાપ્યો છે. સરકારી નોકરીઓમાં પણ ઘણાં પાટીદાર દીકરા-દીકરીઓને સ્થાન મળ્યું છે, પરંતુ યોગ્ય સ્થાને તેમને ન બેસાડવામાં આવે તો સમાજના કામ યોગ્ય રીતે નથી થઈ શકતા.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. આ તમામ કેસ પાછો ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરી હતી અને ફરી કરીશું. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજમાં કોની સાથે છે તે સમય આવ્યો બતાવીશું.

ચૂંટણીમાં સમાજ તાકાત બચાવશેઃ વરુણ પટેલ
આ ઉપરાંત વરુણ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનકારીઓ આજે એક જ મંચ પર સમાજના હિતમાં એકત્ર થયા. આંદોલનકારીઓ સમાજ માટે લડી રહ્યા છે. અમે રાજકીય પક્ષો સાથે જોડાયેલા છીએ. આગામી સમયમાં 2022ની ચૂંટણીમાં પાટીદાર સમાજ પોતાની તાકાત બતાવશે.

દિનેશ બાંભણિયા, પાટીદાર નેતા
દિનેશ બાંભણિયા, પાટીદાર નેતા

અમારી માગ 6 વર્ષથી નથી સંતોષાઈઃ લાલજી પટેલ
SPG અધ્યક્ષ લાલજી પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમારી બે માંગણીઓ છે. શહીદ પરિવારોને નોકરી અને પાટીદારો પર કરેલા કેસ પાછા ખેંચવા. પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે અમે વડીલોને સાથે રાખીને રજૂઆત કરીશું. અમારી માંગણીઓ 6 વર્ષથી પૂરી કરવામાં આવી નથી. ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે. આટલા મોટા સમાજની માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, અમારી માંગણીઓ સરકાર પાસે કરેલી જ છે. સરકારની જે યોજનાઓ છે તે આજે અમે અમારા સમાજ સુધી પહોંચાડવા પ્રયાસ કરીશું.

અન્ય સમાચારો પણ છે...