હાઈકમાન્ડ સામે ઇન્દ્રનીલ રાજ્યગુરુ નતમસ્તક:રાહુલ ગાંધીની સ્ટેજ પરથી માફી માંગી કહ્યું- 'મે ભટક ગયા થા, ઇસલિયે AAP મે ચલા ગયા થા'

રાજકોટ9 દિવસ પહેલા

રાજકોટમાં આજે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ શાસ્ત્રી મેદાન ખાતે જનસભા સંબોધી હતી. એ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીની સ્ટેજ પરથી માફી માંગી હતું અને કહ્યું હતું કે, 'મેં ભટક ગયા થા, ઇસલિયે AAP મે ચલા ગયા થા'

કોંગ્રેસ દ્વારા ઇન્દ્રનીલને ટિકિટ આપવામાં આવી
AAPમાં 200 દિવસથી વધુ સમય સુધી આંટો માર્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં વાપસી કરી હતી. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ માફી માગી હતી અને વધુમાં કહ્યું હતું કે, હું લોકોની વચ્ચે તમારી માફી માંગુ છું. વર્ષોથી મારી પેઢીઓ કોંગ્રેસ સાથે હતી. એ વચ્ચે હું આમ આદમી પાર્ટીમાં ચાલ્યો ગયો હતો. ત્યાં જઈને મને ખબર પડી કે એ લોકો ખોટા છે. એ લોકો ઈમાનદાર નથી ભ્રષ્ટાચારી છે, દેશ ભક્ત નહી દેશ વિરોધી છે. નોંધનીય છે કે, પક્ષપલટા બાદ કોંગ્રેસ દ્વારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને વિધાનસભા 68 બેઠક માટેની ટિકિટ આપવામાં આવી છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં વાપસી કરી હતી
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં વાપસી કરી હતી

હું 5 વર્ષ માટે ધારાસભ્ય રહી ચૂક્યો છું
ચૂંટણી પ્રચાર દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે, આ જ વિસ્તારમાં 5 વર્ષ પૂર્વે હું 5 વર્ષ માટે ધારાસભ્ય રહી ચૂક્યો છું. વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપે જીત મેળવી પણ 5 વર્ષમાં ભાજપના નેતાએ ભાજપની સરકારે કોઈ કામ કર્યું નથી માટે આ વર્ષે 2022ની ચૂંટણીમાં હું ફરી આ બેઠક પર આવ્યો છું જનતાના પ્રશ્નો લઇ વિધાનસભા સુધી પહોંચવાનો છું. મોંઘવારી, બેરોજગારી, રોડ, રસ્તા પાણીના પ્રશ્નો આજે પણ લોકોને સતાવી રહ્યા છે. પાણીની વાતો ભાજપ સરકાર કરે પણ સરકાર એક પણ નવો ડેમ 27 વર્ષમાં બનાવી શકી નથી. માત્ર વાયદાઓ જ કરે છે પણ નિભાવતી નથી તે લોકોની મુખ્ય સમસ્યા છે. આ સાથે જ એક મોકો કોંગ્રેસને આપો તેવી અપીલ મતદારોને કરી હતી.

ભાજપની સરકારે કોઈ કામ કર્યું નથી: ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ભાજપની સરકારે કોઈ કામ કર્યું નથી: ઇન્દ્રનીલ રાજ્યગુરુ

કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ પાસે 162 કરોડની સંપત્તિ, વૈભવી કારનો શોખ
પૂર્વ ધારાસભ્ય અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર કરેલા સોગંદનામા મુજબ તેમણે ધોરણ 12 પાસ સુધી અભ્યાસ કર્યો છે, તેમના હાથ ઉપર રોકડા રૂ.5.79 લાખ અને તેના પત્ની દર્શનાબેન પાસે રૂ. 34 હજાર દર્શાવ્યા હતા. 2021-22માં ઇન્દ્રનીલે રૂ.41 લાખનું અને પત્ની દર્શનાબેને રૂ.50 લાખનું રિટર્ન ભર્યું હતું, જ્યારે 2018-19માં ઇન્દ્રનીલે 33 કરોડનું રિટર્ન ફાઇલ કર્યું હતું. પોતાના બેંક ખાતામાં ઇન્દ્રનીલે થાપણ રોકાણ તરીકે રૂ.43 કરોડ, બતાવ્યા હતા, ઇન્દ્રનીલ વૈભવી કારના શોખીન છે, તેમના નામે વોક્સવેગન, લેન્ડરોવર, બીએમડબ્લ્યુ સહિતની કંપનીની કાર અને બીએમડબ્લ્યુ સહિતની કંપનીના બાઇક સહિતના રૂ.2.42 કરોડના વાહનો છે, પત્ની પાસે રૂ.33 લાખના વાહનો અને એક ડઝન વૈભવી કાર છે, ઇન્દ્રનીલ પાસે રૂ.34 લાખનું સોનું અને તેમના પત્ની પાસે રૂ.2.89 લાખનું સોનું છે.

ઇન્દ્રનીલ સામે ગુનો દાખલ
ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે અનેક સ્થળે ખેતીની જમીન, મકાન, ફ્લેટ અને પ્લોટ છે. મુંજકાના વિવિધ સરવે નંબરો, સુરેન્દ્રનગર, હડમતિયા બેડી, કાળીપાટ, રૈયામાં ખેતીની જમીન, વાંકાનેર તાલુકા, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં જમીનના પ્લોટ, જાગનાથ, રૈયા રોડ, મુંજકા, રૈયાગામ અને ધારીમાં 48 કરોડથી વધુ કિંમતના મકાનો છે. કન્સ્ટ્રક્શન અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના પર રૂ.61 કરોડનું અને તેમના પત્ની દર્શાનબેન ઉપર રૂ.14 કરોડનું દેણું દર્શાવ્યું હતું. ઇન્દ્રનીલે જાહેર કરેલી મિલકતોમાં 92 કરોડની સ્થાવર, 87 કરોડની સ્વોપાર્જિત અને રૂ. 47 કરોડની વારસાગત મિલકતો દર્શાવી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ 2017માં વિધાનસભા 69 બેઠક પર તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમણે ફોર્મ ભરતી વખતે રૂ.141 કરોડની મિલકત દર્શાવી હતી આમ પાંચ વર્ષમાં 59 કરોડની મિલકતનો વધારો થયો હતો. ઇન્દ્રનીલ સામે વર્ષ 2017માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે.

કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા હતા
કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા હતા

AAPમાં ગયેલા કરોડપતિ ઈન્દ્રનીલ ફરી કોંગ્રેસમાં પરત
છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટ મહાપાલિકામાં 2000-2005 ટર્મમાં કોંગ્રેસની સત્તા આવી ત્યારે ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પદે અને ઈ.સ. 2007થી 2015 સુધી અને ઈ.સ.2017-18માં શહેર કોંગ્રેસના પ્રમુખ પદે અને 2012 વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટમાં માત્ર એક જ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તેમાં ઈન્દ્રનીલ રાજકોટ-(પૂર્વ) બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઈ.સ. 2017માં તેમણે રાજકોટ(પશ્ચિમ) બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જબ્બર ટક્કર આપી હતી પરંતુ પરાજય થયો હતો. ત્યાર બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.

ઈન્દ્રનીલે કોંગ્રેસમાં આવી AAP પર આક્ષેપોનો મારો ચલાવ્યો
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ દિલ્હી જઈને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે પોતાના ખાસ વશરામ સાગઠિયા સાથે અમદાવાદમાં AAPનો ખેસ ધારણ કર્યો હતો. શુક્રવારે કેજરીવાલે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કરતાં જ ઈન્દ્રનીલ નારાજ થયા હતાં અને તાત્કાલિક તેમણે કોંગ્રેસમાં જોડાણ કરી લીધું હતું.

AAPતો અવસરવાદી અને ભાજપની બી ટીમઃ ઈન્દ્રનીલ
AAPને અવસરવાદી અને ભાજપની બી ટીમ ગણાવતા ઈન્દ્રનીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ મીડિયાને જણાવ્યું કે, હું AAPમાં એટલે ગયો કે ભાજપ દેશ માટે ખરાબ પાર્ટી છે અને તેને ગુજરાતમાં હરાવવી જરૂરી છે તેથી મેં AAP જોઈન કરી પણ AAPની જે રીતની ફંક્શનિંગ જોઈ જેમ ભાજપ લોકોને મૂર્ખ બનાવે તેમ આમ આદમી પાર્ટી પણ લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...