બન્ટી (નામ બદલ્યું છે) સ્વભાવે ચંચળ ને ઘરમાં સહુનો લાડકો. આઠમામાં ભણતો ને રમતિયાળ એટલે સ્વાભાવિક આખો દિવસ તોફાનમાં જીવ રહે. પ્રથમ કસોટીમાં 4માં ફેલ થતાં પપ્પાએ બન્ટીનો એ રાતે ઊધડો લીધો. બસ... બન્ટીનું ફટક્યું ને પિક્ચરનો હીરો બનવા બાળપણમાં નસીબ અજમાવવા નીકળી પડે એ અદાથી નીકળી પડ્યો. 4-5 દિવસે ભટકતો... ભટકતો ક્યાંય નીકળી ગયો. પૈસા ખલાસ, ભૂખ લાગી, લોકોની બીક લાગે... ઘરે જવું કેમ... આ વિચારોમાં રાજકોટના કેટલાક સજ્જનોના હાથમાં આવ્યો. આ સજ્જનો એટલે સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ. એક મહિને મમ્મી-પપ્પાનો ભેટો થયો તો બન્ટી તેમને બાઝીને ખૂબ રડ્યો... ફરી આવું કદી નહીં કરે એમ કહ્યું ને સહુ હસીખુશીથી રવાના થયા.
બાળકોને સુરક્ષિત રાખવાને ફર્સ્ટ પ્રાયોરિટી
રાજકોટના સમાજ સુરક્ષા વિભાગમાં આવાં દૃશ્યો તો લગભગ રોજ જોવા મળે છે. આમ તો દરેક જિલ્લા કલેક્ટર કચેરી હેઠળ સમાજ સુરક્ષા વિભાગ કાર્યરત હોય છે, પરંતુ રાજકોટનો વિભાગ એક કામગીરી વિશેષ રસ લઈને કરે છે, જે છે ગુમ થયેલાને ફરી પરિવાર સાથે મેળવી આપવા. આ વિભાગનો સ્ટાફ નિરાધાર, અનાથ, ત્યજી દેવાયેલા અને ગુમ થયેલાં બાળકો જ નહીં, મોટેરાને પણ આશ્રય આપે છે. આવાં બાળકોનો વિશ્વાસ કેળવી તેમની વ્યથા સાંભળી પરિવાર સાથે પુનઃમિલન કરાવાય છે. આ વિભાગ 5 વર્ષમાં 500 બાળકને તેમના પરિવાર સાથે પાછા મોકલી ચૂક્યો છે.
10-12 વર્ષે પણ બાળક ફેમિલીને પાછું મળ્યું
ઘણીવાર બાળકો માતા-પિતાની છત્રછાયાથી વિખૂટાં પડી જાય છે. આવામાં ખોટા હાથોમાં જતાં રહે તો બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ આવાં બાળકોને સાચવે છે અને તેમના પરિવારને શોધી તેની સાથે પુનઃમિલન કરાવે છે. ઘણા એવા કિસ્સા છે કે જેમાં 10-12 વર્ષ પછી પણ બાળકનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હોય. આ બધામાં સંસ્થાની ખૂબ અગત્યની ભૂમિકા છે. રાજકોટ સમાજ સુરક્ષા વિભાગના અધિક્ષક પંકજ દૂધરેજિયા, ઉપરાંત અધિકારીઓ મેહુલ ગોસ્વામી અને મિત્સુ વ્યાસ આવાં બાળકોને ફેમિલી સાથે પરત મોકલવા દિવસ-રાત એક કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.