સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે બીયુટી (બોર્ડ ઓફ યુનિવર્સિટી ટિચિંગ)ની મિટિંગ મળી હતી જેમાં પીજીના નવા કોર્સ સહિતના જુદા-જુદા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સૌથી મહત્વની બાબત એ રહી હતી કે એમ.એ ગાંધીયન ફિલોસોફીનો કોર્સ જે હાલ માત્ર આર્ટસના જ વિદ્યાર્થી ભણી શકે છે તે હવે આગામી નવા સત્રથી કોઈપણ વિદ્યાશાખાના વિદ્યાર્થી એડમિશન લઈને ભણી શકશે તેવો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આઈઆઈટીઈમાં બી.એડ કરતા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ એમ.એડ યુનિવર્સિટીના ભવનમાં કરવા માંગતા હોય તેને ડોમિસાઈલ સર્ટિફિકેટ રજૂ કર્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ વિદ્યાર્થી ગણી પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે.
આ ઉપરાંત પીએચડીમાં વર્ષમાં બે વખત પ્રવેશ આપવાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત કાયદા ભવનમાં ચાલતા બે અભ્યાસક્રમ પીજી ડિપ્લોમા ઇન લીગલ પ્રોસેસ આઉટસોર્સિંગ અને પીજી ડિપ્લોમા ઇન ફોરેન્સિક સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા 15% કરતા પણ ઓછી હોવાથી ક્રમશઃ બંધ કરવા નિર્ણય લેવાયો હતો. બીયુટીમાં લેવાયેલા નિર્ણયો હવે સિન્ડિકેટમાં મંજૂરી માટે મુકાશે અને ત્યારબાદ સિન્ડિકેટ સભ્યો આખરી નિર્ણય લેશે.
ફાયનાન્સ; હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા લગાવાશે
યુનિવર્સિટીમાં બુધવારે ફાયનાન્સ કમિટીની પણ મિટિંગ મળી હતી જેમાં જુદા-જુદા ભવનોમાં સીસીટીવી કેમેરા લગાવવા, હોસ્ટેલમાં કેમેરા લગાવવા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. બાયોસાયન્સ ભવનમાં ઈન્ટરનેટ, સીસીટીવી કેમેરા અને ટેલિફોનનું વાયરિંગ માટે 1.88 લાખનો પ્રસ્તાવ મુકાયો છે. જુદી-જુદી હોસ્ટેલમાં સીસીટીવી મુકવા માટે અંદાજિત 8.17 લાખનો ખર્ચ અંદાજ્યો છે. લીઝ લાઈન માટે 21 લાખનો ખર્ચ અંદાજ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ ભવનમાં પણ સીસીટીવી કેમેરા નાખવા ઉપરાંત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રીનું ભોજન સહિત કુલ 1.98 લાખનો ખર્ચ મંજૂર કરવા પ્રસ્તાવ મુકાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.