ત્રીજી લહેરની વાતો વચ્ચે રાહતના સમાચાર:કોરોનાગ્રસ્ત પરિવારમાંથી 40 ટકા બાળકોમાં એન્ટિબોડી બન્યા, સમરસમાં ICU બનાવાશે ,વધુ 1000 બેડની તૈયારી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમરસમાં ઓક્સિજન ટેંક ફિટ કરાઈ - Divya Bhaskar
સમરસમાં ઓક્સિજન ટેંક ફિટ કરાઈ
  • ઓબેસિટીવાળા બાળકો પર વધુ જોખમ
  • રાજકોટમાં 17000થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ થઈ જશે

કોરોનાની ત્રીજી લહેર આગામી સપ્ટેમ્બર માસમાં આવી રહી હોવાની ચર્ચા વચ્ચે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ તેની તૈયારી શરૂ કરી છે. રવિવારની રજાના દિવસે નોડલ ઓફિસરે રાજકોટ મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો સાથે બેઠક કરી હતી. જેમાં બેડ વધારવા, ઓક્સિજન, આઇસીયુની સુવિધા ઊભી કરવા અંગે ચર્ચા થઇ હતી. ત્રીજી લહેર બાળકો પર વધુ જોખમ ઊભું કરશે. જેમાં 40 ટકા બાળકોમાં એન્ટિબોડી છે તેમાં રાહત થશે પરંતુ જે બાળકોમાં ઓબેસિટી છે તેના પર જોખમ વધુ છે.

રાજકોટ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. પ્રફુલ્લ કામાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ત્રીજી લહેર આવે તો કેવા પ્રકારની તૈયારી કરવી તે અંગે બેઠક યોજાઇ હતી. રાજકોટના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં જુદા જુદા મુદ્દાઓની ચર્ચા થઇ હતી. આગામી સપ્ટેમ્બર માસમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી સંભાવના છે, સમરસ હોસ્ટેલમાં હાલ 1000 બેડની વ્યવસ્થા છે બાકીના 400 નવા બેડ તૈયાર થઈ ગયા છે અને 600 માટે તૈયારી શરૂ કરી છે.

કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ અસર બાળકો પર પડશે. જેમાં બાળકોમાં બે ગ્રૂપ ( 6થી 12 વર્ષ અને 12થી 18 વર્ષ) છે. 12થી 18 વર્ષના બાળકોમાં ઓબેસિટી વધુ જોવા મળે છે તેથી આ ગ્રૂપના બાળકો પર ત્રીજી લહેર જોખમ ઊભું કરી શકે છે. વડીલો અને માતા-પિતા પોઝિટિવ આવ્યા હોવાથી 40 ટકા જેટલા બાળકોમાં એન્ટિબોડી ડેવલપ થયા છે. તેથી આવા બાળકો પર જોખમ ઓછું રહેશે.

કોરોનાની ત્રીજી લહેર સામે લડત આપવા માટે સમરસ હોસ્ટેલમાં 50 બેડનું આઇ.સી.યુ., વેન્ટિલેટર સાથેનું આઈસીયુ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુવિધા વધારવા તથા કેન્સર કોવિડમાં 25 બેડ આઇસીયુ-વેન્ટિલેટરવાળા છે તે 50 બેડનું કરી નાખવા અંગે નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત દવાનો સ્ટોક કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા પણ થઇ હતી.

કોરોનાની ત્રીજી લહેરમાં સિવિલ હોસ્પિટલમાં લાઇનો ઘટાડવા માટે સમરસ અને કેન્સર હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કરાયું છે અને ત્યાં સીધા જ દર્દીઓને દાખલ કરી શકાય તે પ્રકારે સ્ટાફ સહિતની સુવિધા ઊભી કરાશે. ત્રીજી લહેરમાં ઓનલાઇન મલ્ટિ રજિસ્ટર નંબરની સુવિધા ઉમેરાશે. જેથી દર્દીને સીધા સમરસ કે કેન્સરમાં લઇ જવાય તો તેના કેસ પેપર્સની ફાઇલ ત્યાં જ તૈયાર થઇ જશે. જેથી સિવિલ અને ચૌધરીના મેદાનમાં લાઇનો ઓછી થશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર અંગે તાલીમ આપવા માટે પણ તંત્રએ તૈયારી શરૂ કરી છે. સોમવારથી તમામ જે નવા નર્સિંગ સ્ટાફ છે તેના માટે તાલીમો શરૂ થઇ જશે અને ત્રણેય સ્થળે ડોક્ટર્સ -નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ પણ યોગ્ય રીતે ફાળવી દેવાશે.

સમરસ હોસ્ટેલમાં ઓપીડી પણ શરૂ કરવામાં આવશે. આથી દર્દીઓને સિવિલ હોસ્પિટલનો ધક્કો નહીં રહે. સીધા જ સમરસ હોસ્ટેલમાં દાખલ થઈ શકાશે. ટૂ઼ંક સમયમાં જ ઓક્સિજનવાળા 2000 બેડ તૈયાર થઈ જશે. આ ઉપરાંત 20 હજાર લિટરની ઓક્સિજનની ટાંકી પણ તૈયાર કરી દેવાઈ છે. રાજકોટમાં સરકારી અને ખાનગીમાં 17000થી વધુ બેડ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા શરૂ કરાઈ છે. બીજી લહેરમાં તંત્ર ઉંઘતું ઝડપાયું હતું અને લોકો પરેશાન થયા હતા. આથી ત્રીજી લહેર આવે તો કોઈ ચૂક ન રહે તે માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

મોટી હોસ્પિટલ્સને પોતાના ઓક્સિજન પ્લાન્ટની સૂચના
કોરોનાની બીજી લહેરમાં અનેક દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી હતી અને ઓક્સિજનના અભાવે મોત પણ થયા હતા. તેથી હવે જિલ્લા વહીવટી તંત્ર કોરોનાની ત્રીજી લહેરમાં કોઇ જોખમ લેવા માગતી નથી. જેના પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી તમામ મોટી ખાનગી હોસ્પિટલ્સને પોતાના ઓક્સિજન પ્લાન્ટ વસાવી લેવા સૂચના આપી છે. જેના પગલે મોટી હોસ્પિટલે પણ તૈયારી શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...