જળાશયો પર મેઘમહેર:રાજકોટમાં વધુ અડધો ઇંચ, આજી-1માં 7, ન્યારીમાં 8, ભાદરમાં 32 દિવસ ચાલે તેટલું પીવાનું પાણી ઠલવાયું!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં સિઝનનો 10.76 ઇંચ વરસાદ,નદી-જળાશયોમાં પાણીની વૃદ્ધિથી હરખની હેલી
  • સૌરાષ્ટ્રના 141 ડેમમાં 24 કલાકમાં વધુ 101.25 MCFT પાણીનો જથ્થો ઉમેરાયો, 65થી વધુ જળાશયો ઉપર સચરાચર મેઘમહેર

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપર મેઘો મહેરબાન થયો છે ત્યારે સૌરાષ્ટ્રના 141 મુખ્ય ડેમમાં છેલ્લા 24 કલાકમાં વધુ 101.25 MCFT (મિલિયન ક્યુબિક ફીટ) પાણી ઠલવાતા જળસ્રોતો સમૃદ્ધ બન્યા છે. રાજકોટમાં શુક્રવારે સાંજ સુધીમાં વધુ અડધો ઇંચ વરસાદ પડતા સિઝનનો વરસાદ 10.76 ઇંચ નોંધાયો છે.

ખાસ કરીને રાજકોટ પંથકમાં વસતા લાખો લોકોને પીવાના પાણી માટે જેના પર આધાર રાખવો પડે છે તેવા આજી-1માં સાત દિવસ ચાલે તેટલું 20 એમસીએફટી, ન્યારી-1માં 8 દિવસ ચાલે તેટલું 30 એમસીએફટી અને ભાદર-1માં 32 દિવસ ચાલે તેટલું 108 એમસીએફટી જેટલું નવું પાણી અત્યાર સુધીમાં આવી ગયું છે, દરમિયાન હવામાન ખાતા મુજબ હજુ પણ લો પ્રેશર સહિતની વેધર ઇફેક્ટને કારણે વરસાદનું જોર યથાવત્ રહે તેવી આગાહીઓ વચ્ચે મેઘમહેરનું પ્રમાણ વધે તેવા સંકેતો દેખાઇ રહ્યા હોઇ, જળસ્રોતોનું સ્તર વધુ ઊંચી સપાટીએ જોવા મળશે.

રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી ત્રૂટક ત્રૂટક અવસ્થામાં વરસાદ પડવાનું જારી છે. શુક્રવારે સેન્ટ્રલ ઝોનમાં 13 મીમી, ઇસ્ટ ઝોનમાં 9 મીમી અને વેસ્ટ ઝોનમાં 17 મીમી વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં સિઝનનો 10.76 ઇંચ વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયમાં શુક્રવારે 784.17 એમસીએફટી પાણીનું સ્તર નોંધાયું હતું. જે 24 કલાક પહેલા ગુરુવારે 682.92 એમસીએફટીએ જોવા મળી રહ્યું હતું.

જળાશયોનું જળસ્તર 24 કલાકમાં જ 101.25 એમસીએફટી વધ્યું છે. સિંચાઇ વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના 23 ડેમ પર વરસાદ નોંધાયો છે અને 15 ડેમમાં નવાં નીર આવ્યા છે. મોરબી જિલ્લામાં 9 જળાશય પર વરસાદ પડ્યો છે અને 6માં નવાં નીર નોંધાયા છે. જામનગર જિલ્લાના 19 જળસ્રોતો પર વરસાદ સાથે 14માં નવાં પાણીની આવક નોંધાઇ છે. જ્યારે દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી જિલ્લાના જળસ્રોતોમાં પણ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ અને નવાં નીરની આવક નોંધાઇ છે.

પીવાના પાણીનું સંકટ ટળ્યું!

ડેમસિઝનનું નવું આવેલું પાણીકેટલું ચાલશે
આજી-120 MCFT7 દિવસ
ન્યારી-130 MCFT8 દિવસ
ભાદર-1108 MCFT32 દિવસ

​​​​​​​મે મહિનામાં 80 ફૂટ ઊંડા ગયેલા તળ ઓગસ્ટમાં 50-45 ફૂટે આવી જશે!

મે મહિનામાં સૌરાષ્ટ્રના પાણીના તળ સરેરાશ 80 ફૂટ સુધી ઊંડા પહોંચી ગયા હતા. હાલમાં સચરાચર થઇ રહેલા વરસાદને પગલે સૌરાષ્ટ્રના જળના તળ ઉંચા આવવાની શરૂઆત થઇ ગઇ છે. હાલ જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતા ઓગસ્ટ મહિનામાં કૂવા સહિતના જળસ્રોતના તળ 50 અથવા 45 ફૂટ સુધી ઉંચા આવી જશે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. ત્યાર બાદ ઓક્ટોબર સુધી ધીમે ધીમે પાણીના તળ વધુ ઉંચા આવશે. પાણીના તળ ઉંચા આવતા ખાસ કરીને ધરતીપુત્રોને ખેતીવાડી ક્ષેત્રે ખૂબ જ ફાયદો થશે. તળપદી ભાષામાં કહીએ તો, સૌરાષ્ટ્રની રચના કાળમીંઢ પથ્થર ઉપર માટલા જેવી ગણાય છે, એટલે જમીનના જળ-તળ સમૃદ્ધ બન્યા બાદ વધારાનું પાણી સમુદ્રમાં વહી જતું હોય છે. > બી.એમ.ગરવા, ભૂસ્તરીય અધિકારી

‘સ્પ્રિંક્લર રેઇન રામમોલ પર કાચા સોના જેવો સાબિત થઇ રહ્યો છે’
છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારમાં વરસી રહેલો વરસાદ એકંદરે ખેતી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. ખેડૂતો અત્યારે ખાસ કરીને કપાસ, મગફળી, શાકભાજી, કઠોળ, સોયાબીન, ઘાસચારો સહિતની જે ચીજોનું વાવેતર કરતા હોય તેને ખેતીની ભાષામાં ખેડૂતોની દૃષ્ટિએ રામમોલ ગણવામાં આવે છે. હાલ ત્રૂટક ત્રૂટક અવસ્થામાં જે રીતે સ્પ્રિંકલર રેઇન જેવો વરસાદ વરસી રહ્યો છે તે ખેતીવાડી માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. > ખેતીવાડી અધિકારી, એ.એલ.સોજીત્રા

અન્ય સમાચારો પણ છે...