રાજકોટ શહેરમાં મનપાની કિંમતી મિલકતો ચોરી થવી કે નુકસાન થવા પર કોઇ પગલાં ન લેવાતા અસામાજિક તત્ત્વો બેફામ બની જાય છે આ કારણે સ્થિતિ વધુ બગડે છે તેવું જ વાલ્વ ચેમ્બરના ઢાંકણાઓ ચોરવાના બનાવમાં બન્યું છે અને એક મહિનામાં બીજો બનાવ બન્યો છે.
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી વિતરણ માટે વાલ્વ મૂકેલા છે અને તેના પર લોખંડનું ભારે ઢાંકણું મુકાય છે જેથી ભારે વાહન નીકળે તો નુકસાન ન થાય. આ લોખંડની કિંમત વધુ હોવાથી અસામાજિક તત્ત્વોએ તેની ચોરી શરૂ કરી છે. થોડા દિવસ પહેલા ભૂતખાના ચોકમાંથી ઢાંકણું ચોરાયું હતું અને તેના 15 દિવસ પહેલા પણ બનાવ બન્યો હતો.
વોર્ડ એન્જિનિયરને આ અંગે પૂછવામાં આવતા ફરિયાદ માટે કમિશનરને પૂછાશે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો અને હવે વાણિયાવાડીમાં 1/9ના કોર્નરમાંથી ઢાંકણું ચોરાઈ ગયું છે અને રાત્રીના સમયે સ્ટ્રીટલાઈટને કારણે અકસ્માત માંડ અટક્યો હતો. મનપા પાસે સીસીટીવી કેમેરાનું મોટું નેટવર્ક છે અને ફરિયાદ કરે તો પોલીસ તે આધારે ચોરને પકડી શકે છે પણ દાનત અધિકારીઓમાં નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.