રાજકોટમાં 6 દિવસ પહેલા રાજકોટના કરણપરાના એક બંગાળી વેપારીએ રૂા. 24.46 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંગાળી કારીગર દાગીના બનાવવા માટેનું સોનુ લઇ ભાગી ગયાનું જણાવાયું હતું. આ બનાવમાં તપાસ ચાલુ છે ત્યાં વધુ એક બંગાળી કારીગર વેપારી સાથે રૂા 20.88 લાખની ઠગાઇનો બનાવ સામે આવ્યો છે. આ કિસ્સામાં પણ દાગીના બનાવવા માટે બંગાળી વેપારીએ આપેલુ સોનુ લઇ બંગાળી કારીગર નાસી જતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
390 ગ્રામનું રૂ.20.88 લાખનું સોનુ લઈ ગયો
રાજકોટ એ-ડિવીઝન પોલીસે રામનાથપરા શેરી નં. 12 અરમાન એપાર્ટમેન્ટ ફલેટ નં. 402 માં રહેતાં મુળ પશ્ચિમ બંગાળ હુગલીના નાગસા ગામના નાજીરહુશેન રૂહુલઇસ્માઇલ શેખ (ઉ.વ.38)ની ફરિયાદ પરથી રામનાથપરા-12 માં અરમાન એપાર્ટમેન્ટમાં જ રહેતાં બંગાળના નદીયાના માલાંચા ગામના મુકબ્બર છાદેર મંડલ સામે આઇપીસી 406, 420 મુજબ રૂ. 20,88,450નું 390 ગ્રામ સોનુ છેતરપીંડીથી લઇ જવાનો ગુનો નોંધ્યો છે.
15 જૂનના રોજ સોનુ આપ્યું હતું
આ મુદ્દે નાજીરહુશેન શેખે FIRમાં જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે રહુ છું અને સોની બજાર રવિરત્ન કોમ્પલેક્ષમાં દુકાન નં. 205 માં મારા બનેવી શરીફુદ્દીન સનોરઅલી મૌલાના સાથે ભાગીદારીમાં સોની કામ કરુ છું. અમારી દૂકાનમાં અકે કારીગર તરીકે બંગાળના મુકબ્બર મંડલને એક વર્ષથી કામે રાખ્યો હતો. તે મારા બનેવી સાથે રહેતો હતો. મુકબ્બર એક વર્ષથી કામ કરતો હોઇ વિશ્વાસુ બની ગયો હતો. 15 જૂનના રોજ અમને સોનીબજારના વેપારીએ રૂ. 20,88,450નું 390 ગ્રામ સોનુ આપ્યું હતું અને બુટી બનાવવા ઓર્ડર આપ્યો હતો. જેથી મેં આ સોનુ કારીગર મુકબ્બર મંડલને આપ્યું હતું અને તેમાંથી સોનાની બુટી ઓર્ડર મુજબ બનાવી આપવા કહ્યું હતું.
75 જોડી બુટી તૈયાર થઇ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ પછી 17 જૂનના રોજ કારીગરને બુટીઓ બની કે કેમ? તે અંગે પુછતાં તેણે કહેલું કે 75 જોડી બુટી તૈયાર થઇ છે જે સાંજ સુધીમાં તમને આપી દઇશે. ત્યારબાદ સાંજે દૂકાને જઇ જોતાં કારીગર મુકબ્બર મંડલ જોવા મળ્યો નહોતો. તેમજ દૂકાનમાં 390 ગ્રામ સોનામાંથી બનાવેલી ૭૫ જોડી સોનાની બુટી પણ જોવા મળી નહોતી. તેનો ફોન પર સંપર્ક કરતાં થઇ શક્યો નહોતો અને ઘરે પણ તે મળ્યો નહોતો. શોધખોળ કરતાં તે કદાચ વતન તરફ ભાગી ગયાની શંકા ઉપજતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.