ઘર કંકાસ:પ્રેમલગ્નથી નારાજ સાસરિયાની ચડામણીથી પતિ બેફામ રીતે મારે છે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ.ટેક. ભણેલી પરિણીતાની ફરિયાદ, સાસુ-સસરાના ત્રાસનો શિકાર બની

ઉચ્ચ અભ્યાસ કરનાર યુવક-યુવતીઓ પોતાના અભ્યાસને સમકક્ષ હોય તેવા સાથે લગ્ન કરવા ઇચ્છતા હોવાને કારણે પરિવારની સમંતિ કે મંજૂરી વગર ઘણા યુવક-યુવતીઓ પ્રેમલગ્ન કરતા હોય છે. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ સામાન્ય બાબતે થતા ઝઘડાઓ બાદ મામલો લગ્નવિચ્છેદ સુધી પહોંચી જાય છે. આવા અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે એમ.ટેક.ના અભ્યાસ સમયે સાથે ભણતા યુવકના પ્રેમમાં પડેલી યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્નથી નારાજ યુવકના માતા-પિતાએ પુત્રને ચડામણી કરી પુત્રવધૂને માર મરાવડાવી ત્રાસ અપાતો હોવાનો બનાવ પ્રકાશમાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

છેલ્લા એક વર્ષથી બે વર્ષની પુત્રી સાથે પિયરમાં રહેતી પ્રિયંકા નામની પરિણીતાએ માર્કેટિંગ યાર્ડ પાસે શક્તિ સોસાયટી-1માં રહેતા પતિ તિલક, સસરા પ્રવીણભાઇ છગનભાઇ રામાણી અને સાસુ રીટાબેન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તે એમ.ટેક.નો અભ્યાસ કરતી હતી. તે સમયે સાથે અભ્યાસ કરતા તિલક સાથેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. માતા-પિતાની એકની એક પુત્રી હોવાને કારણે તેમને નિભાવવાની પોતાની જિમ્મેદારી હોવાની વાત તિલકને કરી હતી. તિલક સહમત થયા બાદ બંને પરિવારની મંજૂરીથી તા.26-2-2019ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા.

અભ્યાસની સાથે બંને ગાંધીનગરમાં ખાનગી પેઢીમાં સાથે જ નોકરી કરતા હોય લગ્નના થોડા દિવસ સાસરે રોકાયા બાદ બંને ગાંધીનગર ગયા હતા. ત્યારે સાસુ-સસરા પતિ તિલકને ફોન કરી યેનકેન પ્રકારે ચડામણી કરતા હોય પતિ પોતાને માર મારતા હતા. ત્યાર બાદ કોરોનાને કારણે ઘરેથી જ કામ કરવાનું હોય બંને રાજકોટ આવ્યા હતા. જયાં સાસુ-સસરા સાથે 11 મહિના રહ્યાં તે સમયે નારાજ સાસુ-સસરા મેણાં મારતા હતા. પોતાના માતા-પિતાને પણ ગાળો ભાંડતા હતા.

સાસુ-સસરાની ચડામણીથી પતિ પોતાને માર મારી કાઢી મુકતા અને પાછી ઘરે લઇ જતા હતા. દીકરીનો જન્મ થતા સાસુ-સસરા અને પતિનો અણગમો વધી ગયો હતો. સસરા પણ ભીનુ સંકેલી નાખો અહિંથી જ પુરું કરો લગ્નનો સમય વધારે થયો નથી તેમ કહી કાઢી મુકવા મેણાં મારતા હતા. પોતાનો પગાર પણ પતિ દેણુ થયાનું કહી લઇ લેતા હતા. આમ પતિનો પ્રેમ પરાયો થઇ જતા અંતે તેમના ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...