તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયોગ:રાજકોટ પોલીસ અને મનપાની ટીમ હવે કાયદાનો દંડો છોડી કોરોના સુપરસ્પ્રેડર શોધવા નીકળ્યા, ફેરિયાઓને સમજાવી આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન અપાવે છે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ અને મનપાની ટીમ ફેરિયાઓને રસીકરણ માટે સમજાવે છે. - Divya Bhaskar
પોલીસ અને મનપાની ટીમ ફેરિયાઓને રસીકરણ માટે સમજાવે છે.
  • શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી આવા સુપરસ્પ્રેડર શોધી રહ્યાં છે

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અત્યાર સુધી કાયદાનો દંડો ઉગામી દંડ વસૂલી લોકોને નિયમનું પાલન કરાવતી પોલીસ હવે કોરોનાના સુપરસ્પ્રેડર શાકભાજી અને લારી ગલ્લાવાળાને સમજાવીને વેક્સિન અપાવવા નીકળ્યા છે. આજે પોલીસ અને મનપાની ટીમ શહેરના રૈયા રોડ પર શાકમાર્કેટમાં પહોંચી હતી અને વેક્સિન અંગે સમજ આપી રસીકરણ કેન્દ્ર સુધી પહોંચાડી રસી મૂકાવી હતી. પોલીસ અને મહાનગરપાલિકાની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ આજથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી આવા સુપરસ્પ્રેડરને શોધી રસીકરણ કેન્દ્ર સુધી પહોંચાડી રહી છે. શહેરમાં આવા 5થી 6 હજાર સુપરસ્પ્રેડર હોવાનું સામે આવ્યું છે.

હજુ આપણે નિયમોનું ચૂસ્ત પાલન કરીએઃ પોલીસ કમિશનર
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરનો અંત નજીક છે, સાથેસાથે નિષ્ણાતો ત્રીજી લહેર આવવાની દહેશત વર્તાવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરથી બચવા માટે લોકોએ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સમયાંતરે સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સહિતની તકેદારી રાખવી પડશે, ત્રીજી લહેર આવે તો પણ તેની અસર ઓછી થાય તે માટે લોકોએ વેક્સિન લેવી જ પડશે.

રસીકરણ કેન્દ્ર દૂર હોય તો પોલીસવાનમાં લઇ જવામાં આવે છે.
રસીકરણ કેન્દ્ર દૂર હોય તો પોલીસવાનમાં લઇ જવામાં આવે છે.

વેક્સિન કેન્દ્ર દૂર હોય તેમને પોલીસવાનમાં રસીકરણ કેન્દ્ર સુધી લઇ જવાય છે
શાકભાજી અને લારી ગલ્લાવાળાઓ પાસે લોકો મોટી સંખ્યામાં આવે છે અને આવા ધંધાર્થીઓ સુપરસ્પ્રેડર બને છે. સુપરસ્પ્રેડરનું વેક્સિનેશન થવું ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાને લઇને આજથી પોલીસ અને મનપાની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી શાકભાજી અને લારી ગલ્લાવાળાઓને મળીને તેમણે રસી નહિ લીધી હોય તો તેમને રસીનું મહત્વ સમજાવશે અને વેક્સિનેશન માટે તૈયાર કરશે અને વેક્સિન કેન્દ્ર તેનાથી દૂર હશે તો પોલીસવાનમાં આવી વ્યક્તિને રસીકરણ કેન્દ્ર સુધી લઇ જઇ એ વ્યક્તિને રસી અપાવશે.

તાવ આવે તો એક દિવસ ધંધો બંધ રહે તેવા ડરથી 40% ફેરિયાએ રસી ન લીધી
મનપાની આરોગ્ય શાખા અને પોલીસની સંયુક્ત ટીમ રોડ પર લારી ગલ્લા અને ફેરિયાઓને વેક્સિન લેવા માટે સમજાવી રહ્યા છે. તબીબો અને આરોગ્ય સ્ટાફ લારીએ જઈને વેક્સિન લીધી કે નહિ તે પૂછી રહ્યા છે જેમાં ચિત્ર વિચિત્ર જવાબો મળી રહ્યા છે. નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ સ્થળ પર ગયા હતા અને તેમણે જાણવા મળ્યું કે, 40 ટકાએ હજુ સુધી રસી લીધી ન હતી. આ પાછળ અંધશ્રદ્ધા કે માન્યતા નથી પણ તાવ આવે તો એક દિવસનો ધંધો ગુમાવવાનો ડર છે. ઘણી વખત તો ફેરિયાઓ રસી લીધી છે તેવું ખોટું બોલે પણ અમે વેક્સિન સર્ટિફિકેટ કે પછી ક્યા વેક્સિન લીધી તે પૂછીએ તો જુઠ્ઠાણું પકડાઈ જાય છે.’ તબીબે એક ફેરિયાને પૂછ્યું હતું કે, તમે રસી લીધી તો તેમણે જવાબ આપ્યો હતો કે ‘હા અમે ટીપાં પી લીધા’ ! ત્યારે તબીબે કહ્યું કે ભાઈ આ ટીપાં પોલિયોમાં લેવાના હોય કોરોનાની રસીમાં ઈન્જેક્શન આવે!

‘બેન મારું માનો હું ડોક્ટર જ છું’
વેક્સિન લેવા માટે ફેરિયાઓ અવનવા બહાના કાઢવા લાગે ત્યારે સ્ટાફ પોતાનું જ ઉદાહરણ આપી કહે છે કે તેમણે રસી લીધી છે. આ રીતે જ શાકભાજી વેચતા એક મહિલાને નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે કહ્યું, ‘બેન મારું માનો હું ડોક્ટર જ છું’.

ફ્રૂટના ધંધાર્થીને પોલીસે સમજણ આપી
મંગળવારે શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી શાકમાર્કેટ, ફૂટપાથ પર બેસી ધંધો કરતાં લોકોને વેકસીન લેવા સમજાવ્યા હતા. વેક્સિન માટે તે વ્યક્તિ તૈયાર થતાં જ તેને પોલીસવાનમાં રસીકરણ કેન્દ્ર સુધી લઇ જવામાં આવતા હતા. લારી પર પોલીસ દ્વારા ‘મેં વેક્સિન લઇ લીધી’ તેવા સ્ટિકર લગાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...