બંને ડોઝ બાદ કોરોના થાય!:રાજકોટમાં બે ડોઝ લીધા છતાં કોરોના થયો, IMAના પ્રમુખે કહ્યું- 2 ડોઝ લીધા એટલે કામ પૂરું ન માનવું, કેટલા પ્રમાણમાં એન્ટિબોડી બની એ મહત્ત્વનું

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટ IMAના પ્રમુખ પ્રફુલ કામાણીની ફાઇલ તસવીર.
  • ચેમ્બર ઓફ કોમર્સની માગ હતી કે માસ્કમાંથી મુક્તિ આપો, પણ હું કહું છું આ વાત યોગ્ય નથીઃ ડો.પ્રફુલ કામાણી
  • ગઈકાલે એક વૃદ્ધ અને વૃદ્ધાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો, પણ બંને ડોઝ લીધા હોવાથી બંનેની હાલ સ્થિતિ સ્થિર

રાજકોટ શહેરમાં 14 દિવસ બાદ એકસાથે બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આ બંને કેસ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં પર્ણકુટી સોસાયટી તેમજ ચંદ્રપાર્કના હોવાનું જાણવા મળ્યું છે. બે કેસમાંથી એક 67 વર્ષના વૃદ્ધ અને બીજા કેસમાં 66 વર્ષનાં વૃદ્ધા છે. આ બંનેએ વેક્સિન લઈ લીધી હોવાનું મનપાની આરોગ્ય શાખાએ જણાવ્યું છે, આ કારણે બંનેની હાલત પણ સ્થિર છે. એક તરફ નવરાત્રિ માથે છે અને રાજકોટમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. વેક્સિન પછી પણ કોરોના થાય અને શા માટે થાય એ અંગે દિવ્ય ભાસ્કરએ રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કામાણી સાથે વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 2 ડોઝ લીધા એટલે કામ પૂરું ન માનવું, કેટલા પ્રમાણમાં એન્ટિબોડી બની એ મહત્ત્વનું છે.

બંને ડોઝ લીધા બાદ પણ ફરજિયાત માસ્ક પહેરો
ડો. પ્રફુલ કામાણીએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે અલગ-અલગ લોકોને વેક્સિનેશન અલગ-અલગ અસર કરતી હોય છે. કોઈકને 80 ટકા હોય, કોઈને 90 ટકા અસર કરતી હોય છે, એટલે કે એન્ટિબોડી એટલા પ્રમાણમાં બની હોય, પરંતુ માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે અને નિયમો પાળવા પણ હજુ જરૂરી છે. એવું માનવું નહીં કે બે ડોઝ લીધા હોય તો કોરોના ન થાય. ચેમ્બર ઓફ કોમર્સ માસ્ક હટાવવાનું કહે છે, પરંતુ એ યોગ્ય વાત નથી.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

નવરાત્રિએ વિશેષ રીતે તકેદારીનાં પગલાં પણ લેવાશે
ગત મહિને પણ બે ડોઝ લીધા હતા એને કોરોના આવ્યો હતો હવે નોરતા શરૂ થવાના છે ત્યારે ફરી ચિંતાનો વિષય બની ગયો છે. નવરાત્રિના બે દિવસ પહેલા જ રાજકોટમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં 3 એક્ટિવ કેસ થયા છે. આ ત્રણ દર્દી સારવાર હેઠળ છે. મહાપાલિકાના સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરની અમિન માર્ગ પાસે આવેલી પર્ણકુટીર સોસાયટી અને 150 ફૂટ રિંગ રોડ પર બીગ બજાર પાસે આવેલા ચંદ્રપાર્કમાં નવા કેસ આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરી રહી છે. ઉપરાંત નવરાત્રિ આવી રહી છે ત્યારે વિશેષ રીતે તકેદારીના પગલાં પણ લેવાશે.

28 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું: નાયબ આરોગ્ય અધિકારી
નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ગઈકાલે બે વૃદ્ધોને કોરોના આવ્યો તેમાં એક મહિલા છે અને એક પુરૂષ છે. 60 વર્ષથી ઉપરના બંને લોકો છે અને બંને અત્યારે ઘરે ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે. આડોશી પાડોશી 28 લોકોનો કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કર્યું છે અને કોઈ લક્ષણો જણાતા નથી. જેને કોરોના આવ્યો છે બંનેની તબિયત એકદમ સ્થિર છે. રસી લીધી હોય એટલે ઓછાવત્તા પ્રમાણમાં પ્રોટેક્શન મળતું હોય છે પરંતુ આ બે વૃદ્ધ હોવા છતાં તેને ઘરે જ ટ્રિટમેન્ટ આપવામાં આવી કોઈ મેજર ઇસ્યૂ ન થયો એ બે ડોઝ લીધા હોય એટલે પણ આ બન્યું હોય નહીં તો વધુ તબિયત બગડે એવું બને.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

કોરોના કેસ આવ્યા તે ત્યાં શેરી ગરબીના આયોજન અંગે ચેકિંગ
નવરાત્રિને આડે માત્ર આજનો દિવસ બાકી છે ત્યારે તે પોઝિટિવ કેસની ઘરોની નજીકમાં શેરી ગરબીનું આયોજન થઈ રહ્યું છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવશે. પહેલા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાતા હતા જેમાં શેરીમાં એક કેસ આવે તો પણ આખી સોસાયટી કે શેરીને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી અવરજવર બંધ કરી દેવાતી હતી. ત્યારબાદ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો વિકલ્પ આવ્યો હતો. જેમાં આખા વિસ્તારને બંધ કરવાને બદલે થોડા જ ઘરો પૂરતા પ્રતિબંધ લગાવાય છે.

પહેલા આખો વિસ્તાર બંધ કરાતો પણ હવે 5 ઘરની ત્રિજ્યામાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાશે
આ મુજબ જે ઘરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હોય તેનાથી પાંચ ઘર સુધી ઝોન જાહેર થાય છે. જોકે ઘરની સંખ્યા, વસતીની ગીચતા તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ પર આધાર રાખે છે. જેમ કે જે વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી હોય અને પાડોશમાં કોઇની સાથે સંપર્કમાં ન આવ્યા હોય તો ત્યાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઘરની સંખ્યા 2થી 5 હોય છે. બીજી તરફ કોઈ એવા ઘર કે જ્યાં લોકોની અવર જવર વધુ રહેતી હોય, દુકાન હોય તેવા કિસ્સામાં આસપાસના મકાનની સંખ્યા 10થી 15 થઈ શકે છે. અત્યાર સુધી રાજકોટ શહેરમાં એક પણ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ન હતો પણ હવે બે કેસ આવતા બંને સ્થળને ઝોન જાહેર કરાશે. જો હવે કોઇ પણ નવા કેસ આવે અને તે ઘરની નજીકમાં જ કોઇ ચોક હોય અને તે ચોક માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવે તો ત્યાં શેરી ગરબી કે પછી અન્ય કોઇ પણ સામાજિક, રાજકીય કાર્યક્રમો થઈ શકશે નહિ.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

નવરાત્રિને લઇ હજુ એક દિવસ પહેલા મનપા કમિશનરે જાહેરાત કરી હતી
હજુ એક દિવસ પહેલા જ રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર અમિત અરોરાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં જ્યાં પણ કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને કન્ટેઈનટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં લોકોએ જીવન જરૂરિયાતના કામો માટે જ બહાર જવાની મંજૂરી હશે. તે સિવાય કોઈ જ બહાર નીકળી શકશે નહીં. આવા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં શેરી ગરબાને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારે જ્યા નવા કેસ નોંધાયા છે ત્યાં કન્ટેઈનટમેન્ટ ઝોનમાં જો કોઈ શેરી ગરબી યોજાનાર હશે તો તેની મંજૂરી રદ થઈ શકે છે.