દંપતી વચ્ચેની નજીકતામાં દૂરી?:કોરોનાનો ભય અને ચિંતાને લીધે અંગત પળોમાં ફેરફાર થતા વાત ડિવોર્સ સુધી પહોંચ્યાનો સૌ.યુનિ.ના સર્વેમાં ઘટસ્ફોટ

રાજકોટએક વર્ષ પહેલા
  • 3600 લોકોના કાઉન્સેલિંગમાં 270 જેટલા દંપતીના આ સમસ્યા અંગે ફોન આવ્યા
  • ફિઝિકલ રિલેશન એ બેસિક નીડ છે તો એના વગર વધારે વખત રહી જ ન શકાય

આપણે સૌ જાણીએ છીએ કે દંપતી વચ્ચેનો પ્રેમ ટકાવવા અને સંબંધોને મજબૂત બનાવવા જાતીયતા અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ કોરોનાની જેમ નિષેધક અસર બધે થઈ તેમ દંપતીની જાતિયતાની બાબતો પર પણ થઈ. બીજી લહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા આશરે 3600 લોકોનું જે કાઉન્સેલિંગ થયું તેમાં લગભગ 270 જેટલા એટલે કે 7.50% જેટલા દંપતીના જે ફોન આવ્યા, જે વાતચીત થઈ તે અનુસાર તેમની વાતો સાંભળી તેના તારણ સ્વરૂપે ભટ્ટ કર્તવીએ ડો.ધારા આર. દોશીના માર્ગદર્શન નીચે વિશ્લેષણ કર્યું અને તેના પરથી કહી શકીએ કે દંપતીની જાતીયતા પર પણ કોરોનાની અસર થઈ છે અને તેને કારણે ચકમક અને ડિવોર્સ સુધી વાત પહોંચી છે.

લોકડાઉનમાં દંપતીને એકબીજા સાથે જોડાવાની તક મળી હતી
પ્રથમ લોકડાઉન વખતે દંપતી માટે સાથે રહેવાનો ઉત્તમ સમય હતો. જે દંપતી ઘરની બહાર પોતાનાં કામમાં વ્યસ્ત હતા, તેમના માટે રાહતનો સમય હતો. એકબીજાની શારીરિક જરૂરિયાત પૂરતીનો. ઘરે હોવાથી, તેઓને એકબીજા સાથે આરામથી બેસવાનો અને એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો. પ્રથમ લોકડાઉન વખતે જે દંપતી સાથે વાત થઈ હતી તે મુજબ શરૂઆતમાં, લોકડાઉન અને આ સમયને કારણે લોકોને એકબીજા સાથે જોડાવાની તક મળી.

બીજી લહેરમાં દંપતી વચ્ચે જાતીય ઇચ્છા ઓછી થઈ
પરંતુ જેમ જેમ આ મહામારી વધતી ગઈ તેમ તેમ તેના દુષ્પ્રભાવો પણ દેખાવા માંડ્યાં, ખાસ કરીને દંપતીના શારીરિક સંબંધોમાં પણ તેની અસર થઈ. આ વખતે જે દંપતીના ફોન આવ્યા તેમના મતે તેમની જાતીય ઈચ્છા ઓછી થઈ હોય એવું એ લોકોએ અનુભવ્યું અને જેને કારણે ઘણી વખત ડિવોર્સ સુધી પણ વાત પહોંચી ગઈ. બીજી લહેરમાં સંબધ શારીરિક છે પરંતુ માનસિકતાની બહુ મોટી અસર થતી જોવા મળે છે. આ કેસ જે આવ્યા તેનું વિશ્લેષણ અને દંપતી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે બીમારી અને લોકડાઉનથી ઘણા લોકોમાં ભય અને અનિશ્ચિતતા ઉભી થઈ.

બીજી લહેરમાં લોકોએ સ્વાસ્થ્યને લગતી અને પૈસાની ચિંતા અનુભવી
ઘણા લોકોએ તેમના સ્વાસ્થ્યને લગતી ચિંતા અનુભવી, પૈસા વિશેની ચિંતા હતી અને સાથે જીવનમાં ઘણા અન્ય ફેરફારો થઈ રહ્યાં હતા. સતત એક ભય મનમાં રહેતો કે અચાનક જો કંઈ થયું તો બધું મેનેજ કંઈ રીતે કરીશું? નજીક જવામાં પણ બીક લાગતી. હતાશાએ તેમને ઘેરી લીધા હતા. આ વસ્તુઓને કારણે થતી પરેશાનીઓ સાથે જીવનસાથી સાથે વધુ સમય વિતાવવો, તે પણ બંધ રૂમમાં, તેનાથી સંબંધોને ખરાબ અસર થઈ અને સેક્સમાં ઘટાડો થયો.

એકબીજા સાથેનો સતત સાથ
વિચારીને પણ એવું લાગે કે શું સતત સાથ એ દૂરીમાં ફેરવાય? જવાબ છે હા..લોકડાઉન અને કોવિડ પહેલા એકબીજા સાથે સતત સાથ નહોતો, પતિ અને પત્ની કામમાં વ્યસ્ત રહેતા. ઘરની બહાર રહેતા. રાહ પતિના ઘરે વળવાની હતી અને એકબીજાના સહવાસની હતી. પણ સતત ભેગા રહેવાથી એક આકર્ષણ ઓછું થઈ શકે જેથી સંબંધોમાં ઉણપ આવતી જોવા મળી.

અજ્ઞાત ચિંતાઓ
આ સમયે દરેક વ્યક્તિ નાની મોટી ચિંતામાંથી પસાર થઈ રહી છે. ત્યારે તેની અસર જાતીય જીવનમાં પણ પડી. ચિંતાને કારણે મન સતત એ જ દિશામાં વિચારતું હોવાથી જાતીય જીવનમાં રસ ઓછો થયો જોવા મળે.

સ્ત્રી પર સતત કામનું દબાણ
આ સમયે જો સૌથી વધુ કોઈનું શોષણ થયું હોય તો તે સ્ત્રીનું થયું છે. ઘરકામ, નોકરી કરતી સ્ત્રીઓને બધું સંભાળવું, બાળકોની ચિંતા સાથે ઘરમાં સતત નવી નવી ડિમાન્ડ, આર્થિક ચિંતા વગેરે લીધે સ્ત્રીઓની જાતિય ઈચ્છા પર ખૂબ નિષેધક અસર થઈ. એ લાગણી અને પ્રેમ ઈચ્છે છે પરંતુ કામના ભારણ નીચે બધું જ દબાઈ જાય છે.

કોરોનાનો ભય
એ દંપતી જેમાં કોઈ એક પણ કોવિડ ડ્યુટી કરે છે કે કોવિડના કોઈ કામમાં હોય છે તેના મનમાં પણ એક ભય જોવા મળ્યો કે ક્યાંક તેને જો ઇન્ફેક્શન થશે તો તેના પાર્ટનરને પણ અસર થશે માટે એ પોતાના પાર્ટનરથી દૂરી બનાવી રાખે છે.

એકાંતનો અભાવ
બધા જ લોકો સતત ઘરમાં હોય દંપતીને એકાંત મળતું નથી હોતું. જ્યારે તેઓને એકાંત જોતું હોય ત્યારે ઘરના સભ્યો ત્યાં હાજર હોય છે માટે કુટુંબની જવાબદારી અને ફરજના ભાગ રૂપે તેઓ પોતાની ઈચ્છાઓ વ્યક્ત થવા દેતા નથી.

પોસ્ટ કોવિડ અસર
જાતીય જીવનમાં પોસ્ટ કોવિડની ખૂબ જ અસર જોવા મળી છે. દંપતીમાંથી કોઈ એકને પણ કોરોના થયો હોય તો તેનું જાતીય જીવન વ્યવસ્થિત થવામાં ખૂબ સમય લાગે છે. એક વિચાર તેને અંદર અંદર પરેશાન કરી રહ્યો હોય છે.

હોર્મોન્સમાં પરિવર્તન
પુરુષ અને સ્ત્રીના જે જાતીય હોર્મોન્સ છે તેમાં પણ નિષેધક વિચારોની નિષેધક અસર પડે છે. પુરુષોના ટેસ્ટસ્ટેરોન અને સ્ત્રીઓના એસ્ટ્રોજન પર તણાવની ખૂબ નિષેધક અસર જોવા મળી છે.

વ્યસન
કોરોનાકાળ પછી પુરુષોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે જેની અસરથી જાતીય ઉત્તેજના ઓછી થઈ હોય તેવું જાણવા મળ્યું છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે કે વ્યસન કરવાથી લોહીમાં રહેલ ટેસ્ટોસ્ટરોન હાર્મોન જે પુરુષની કામવાસનાને ઉત્તેજિત કરે છે તેનું પ્રમાણ ઘણું ઓછું થઇ જાય છે. જેથી શારીરિક સબંધ પર તેની ખોટી અસર પડી હોય તેવું જોવા મળ્યું છે.

અમુક દંપતિ સાથે થયેલી વાત
દંપતી 1: મારા પતિ દવાની કંપનીમાં કામ કરે છે એટલે એમને ફરજીયાત નોકરી પર જવું પડે, મારે દોઢ વર્ષનું બાળક છે એટલે મારા પતિ છેલ્લા એક વર્ષથી મારી કે મારા બાળકની નજીક નથી આવ્યા. કારણ કે એમને ડર છે કે મને જો કોરોના હોય તો મારી પત્ની કે બાળકને તેની અસર થાય તો.

દંપતી 2: હું અને મારા પતિ બંને નોકરી કરીએ છીએ, અત્યારે કોરોનના કેસ વધારે હોવાથી બંનેને ઘરેથી કામ કરવાનું છે. આખો દિવસ ઘરે રહેવાનું હોવાથી ચીડિયો સ્વભાવ થઈ ગયો છે, ઘરે નણંદ અને સાસુ સાથે પહેલા ક્યારેય સતત એટલો સમય નથી રહી એટલે મારો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે, મારા પતિને એ વિશે કહુ તો એ મારી સાઈડ ના લે અને બંન્નેને ઝગડા થાય. તેના લીધે સેક્સ લાઇફ પર અસર થોડા સમયથી પડે છે.

દંપતી 3: ફિઝિકલ રિલેશન એ બેસિક નીડ છે તો એના વગર વધારે વખત રહી જ ન શકાય, એટલે સાવ તો દૂર રહી જ ન શકાય છતાં પેલા કરતા ઓછું થઈ ગયું છે પ્રમાણ, ટૂર પર જવાનું થાય તો પછી થોડા દિવસ ધ્યાન રાખવું પડે.

દંપતી 4: મારા પતિને કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી હોય છે. સતત તેઓ કામના ભારણ નીચે રહે છે. એ ભારણની અસર સીધા અમારા સંબધો પર થાય છે. એ મારા પર કે મારા બાળક પર ધ્યાન નથી દઈ શકતા ત્યાં સુધી કે અમારા બંન્નેના જાતીય સંબધ જેવું કંઈ જ બચ્યું નથી. કા મરી જાવ કા આપઘાત કરું એ જ બચ્યું છે.

બસ એકમેકને સાથ આપીએ
જાતીયતા એ શરીર કરતા મનની વધુ નજીક છે. આ સમયે દંપતીએ બધું ભૂલી બસ એકબીજાં સાથે સાથ સહકાર આપી વર્તવું જોઈએ. કોઈ એકને પણ કોવિડની અસર થઈ હોય તો તેને માનસિક એકલાપણું ન લાગવા દ્યો. સતત તમને એની જરૂર છે એવો અહેસાસ કરાવડાવો. બધી કાળજી લઈને એકમેકની જરૂરિયાતનો ખ્યાલ રાખો. ભયને મનમાંથી દૂર રાખો. તમારા પાર્ટનરને માનસિક સ્વસ્થ રહેવામાં મદદ કરો અને એકબીજાને સધિયારો આપતા રહો.

અન્ય સમાચારો પણ છે...