ઝપાઝપીના LIVE દ્રશ્યો:રાજકોટમાં સોની પરિવારે આરોપીનું નિવેદન લેવા આવેલા PSI અને કોન્સ્ટેબલને રૂમમાં પુરી દીધા, મહિલા સહિત 10 શખ્સની ઢસડીને અટકાયત

રાજકોટ6 મહિનો પહેલા
મહિલા સહિત 10 શખ્સને ઢસડીને ઘરમાંથી બહાર કઢાયા.
  • સોની પરિવાર અને પોલીસ વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળતા વાતાવરણ તંગ બની ગયું હતું. 1.13 કરોડની ઠગાઈનો મામલો
  • પોલીસને વિનમ્રતાથી ઘરમાં બોલાવી પછી ડેલી બંધ કરી, બંધક બનાવી ધોલધપાટ કરી
  • મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો, સોની પરિવારને ઘરમાંથી ઢસળી, માર મારી લઈ ગયા
  • રજમાં રુકાવટ, હુમલા સહિતની કલમ હેઠળ 8 મહિલા સહિત 20 સામે ગુનો નોંધાયો
  • તમાશાની ત્રણ કલાક : રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા બારભાયા પરિવારે કાયદો હાથમાં લીધો, સામાપક્ષે પોલીસ પણ મર્યાદા ચૂકી

પ્રહલાદ પ્લોટમાં રહેતા બારભાયા પરિવારના ઘરે તપાસના કામે ગયેલી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ સાખરા અને કોન્સ્ટેબલને પરિવારના સભ્યોએ બે કલાક સુધી ગોંધી રાખી રાખ્યા હતા, બાદમાં પોલીસના ધાડા સ્થળ પર ઉતર્યા હતા, અને પરિવારની સાત મહિલા સહિત 20ની આડેધડ ધોલાઇ કરી હતી. પોલીસની ફરજમાં રુકાવટના આરોપ સાથે તમામ 20ને પોલીસમથકે લઇ જવાયા હતા. પોલીસે મોડી રાત્રે ફરજમાં રૂકાવટ અને મારામારી સહિતની કલમ હેઠળ 8 મહિલા સહિત 20 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.

પ્રહલાદ પ્લોટમાં રહેતા સોની વેપારી ધર્મેશ બારભાયા સામે મુનીરા નામની મહિલાએ 1.13 કરોડની છેતરપિંડીની ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી, અરજી થતાં જ ધર્મેશે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા, જોકે નિયમ મુજબ તે જવાબ માટે પોલીસ સમક્ષ હાજર થતો નહોતો, સોમવારે બપોરે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ સાખરા અને કોન્સ્ટેબલ મહેશ મંઢ ધર્મેશની શોધમાં તેના ઘરે પહોંચ્યા હતા, પોલીસ ઘરમાં જતાં જ બારભાયા પરિવારના સભ્યોએ મકાનની ડેલી બંધ કરી દીધી હતી અને ફોજદાર સહિત બંને પોલીસમેનને ફડાકા અને મારકૂટ શરૂ કર્યા હતા અને તેના બે મોબાઇલ પણ ઝૂંટવી લઇ સ્વિચઓફ કરી દીધા હતા.

બે કલાક સુધી ગોંધી રાખ્યા બાદ આ અંગેની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી અને એ.ડિવિઝન પીઆઇ જોષી સહિતનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને ગોંધી રખાયેલા પોલીસ કર્મીઓને મુક્ત કરાવી બારભાયા પરિવારના સભ્યોની ધોલાઇ શરૂ કરી હતી. પોલીસે તમામ મર્યાદા ઓળંગી મહિલાઓની મારકૂટ કરતા દેકારો મચી ગયો હતો અને 8 મહિલા સહિત 20ની ટીંગાટોળી કરી તમામને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા.

કલાકો સુધી પોલીસ સ્ટેશને ટોળાં એકઠા થયા હતા. પોલીસે પણ ઘણો વિચાર વિમર્શ કર્યો હતો બાદમાં મોડીરાત્રે 8 મહિલા સહિત 20 વ્યક્તિ સામે ગુનો નોંધી તમામની અટકાયત પણ કરી લીધી હતી.

હાલ કોઈ સામે ફરિયાદ કરી નથીઃDCP ઝોન-1
આ મામલે રાજકોટ DCP ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ જણાવ્યું કે, ચિટિંગની અરજીમાં પોલીસ નિવેદન લેવા પહોંચી હતી. જ્યાં PSI અને રાઇટરને મકાનમાં પુરી દીધા હતા. પોલીસને બંધક બનાવ્યાની જાણ થતાં એ ડિવિઝન સ્ટાફે ક્રાઇમ બ્રાન્ચ PSIને છોડાવ્યા હતા. પોલીસે 10થી વધુ લોકોને ડિટેઇન કર્યા હતા. પોલીસ તપાસ બાદ જરૂર લાગે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે. હાલ કોઇ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.​​​​​​​

પોલીસે સાથે સોની પરિવારે મારામારી કરી
આ ઘટનામાં પોલીસ સાથે સોની પરિવારે મારામારી કરી હતી. એક યુવાનને પોલીસ ઘરમાંથી ઢસડીને બહાર લાવી અટકાયત કરી હતી. સોની સમાજના ભાજપના મહિલા અગ્રણી સાથે પણ પોલીસે ઝપાઝપી કરી હતી. મહિલા સહિત 10 શખ્સની અટકાયત કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસ સોની પરિવારની અટકાયત કરી રહી ત્યારે ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ટીંગાટોળી સાથે અટકાયત
ટીંગાટોળી સાથે અટકાયત

મહિલા સહિત 10 શખ્સને પોલીસ સ્ટેશન લઇ જવાયા
મહિલા સહિત 10 શખ્સની પોલીસે અટકાયત કર્યા બાદ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પોલીસે આરોપી સહિત મહિલા અને પરિવારની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. આરોપી ધર્મેશ બારભાયાએ કરેલા છેતરપિંડીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ તેમનું નિવેદન નોંધવા ગઇ હતી. પરંતુ સાથ સહકાર આપવાને બદલે આરોપીના પરિવારે PSI અને કોન્સ્ટેબલને રૂમમાં પુરી દીધા હતા.

પોલીસ સાથે મારામારી.
પોલીસ સાથે મારામારી.

થોડા દિવસ પહેલા આરોપીને પકડવા ગયેલા PSI પર સોડા બોટલથી હુમલો થયો હતો
થોડા દિવસ પહેલા રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા પુનિતનગરમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના PSI વી.કે. ઝાલા અને તેની ટીમ કુખ્યાત શખસ કુકી ભરવાડને પકડવા માટે ગયા હતા, પરંતુ પોલીસ આવતાં જ કુકી ભરવાડ અને તેના મળતિયાઓએ સોડા બોટલના છૂટા ઘા કરી હુમલો કર્યો હતો. PSI વી.કે. ઝાલા લોહીલુહાણ થઇ ગયા હતા છતાં હિંમત હાર્યા વગર કુકી ભરવાડને ઝડપી લીધો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચતાં માથામાં ચાર ટાકા આવ્યા હતા.

મહિલા સાથે ઝપાઝપી.
મહિલા સાથે ઝપાઝપી.
એક-એકને ઘરમાંથી ઢસડીને બહાર કાઢી અટકાયત કરી.
એક-એકને ઘરમાંથી ઢસડીને બહાર કાઢી અટકાયત કરી.
વાતાવરણ તંગ બની ગયું હતું.
વાતાવરણ તંગ બની ગયું હતું.

પરિવારનો આક્ષેપ
પોલીસ એક મહિનાથી ટોર્ચર કરતી હતી. પંદર દિવસ પહેલા ત્રણ સભ્યોને ઉઠાવી જઈને માર માર્યો હતો. મુનિરાએ ખોટા આક્ષેપ કરતી અરજી કરી હતી. છતાં પીએસઆઈ સાખરા પરિવારને બોલાવતા હતા. સતત ટોર્ચરિંગ ચાલતું હતું. આજે ઘરે આવી મહિલા સહિતના સભ્યોને મારવા લાગ્યા હતા. બે કલાક પછી પોલીસે ધાડા અને ધોકા સાથે ઘરમાં ઘૂસી મહિલાઓની મર્યાદા રાખી નહોતી અને પકડીને માર્યા હતા. ઢસડીને લઈ ગયા હતા. > દેવ ઝવેરી

પોલીસનો દાવો
આગોતરા મેળવ્યા બાદ ધર્મેશ જવાબ માટે આવતો ન હોવાથી તેની ભાળ મેળવવા આજે તેના ઘરે ગયા હતા. ત્યાં બારભાયા પરિવારે ઘરમાં આવો પાણી પીવો તેમ કહી બેસાડ્યા, બાદમાં ડેલી બંધ કરી 15થી 17 લોકોએ અમને ઘેરી લીધા, મહિલાઓને આગળ કરી ધર્મેશ ગાળો બોલતો હતો. અમારી પાસેથી મોબાઈલ લઈ લીધા. બાદમાં ભાજપ આગેવાન પુનિતા સહિતના આવ્યા અને લોકોને ઉશ્કેર્યા. > પીએસઆઈ સાખરા

​​​​​​​વિલા ખરીદવા મુદ્દે માથાકૂટ થઇ અને મામલો પોલીસ સુધી પહોંચ્યો’તો
મુનીરા નામની મહિલાએ ગધીવાડમાં સોનાનો શો-રૂમ ધરાવતા ધર્મેશ બારભાયા સામે છેતરપિંડીની અરજી કરી હતી. મુનીરાએ આક્ષેપ કર્યો હતો કે, ધર્મેશને ત્યાં અવાર નવાર ખરીદી કરવા જતી હોય તેની સાથે સંબંધ હતા, મુનીરાને જામનગર રોડ પર રૂ.78 લાખની કિંમતનો વિલા ખરીદ કરવો હતો પરંતુ તેની જ્ઞાતિને કારણે બિલ્ડરે તે આપતો નહીં હોવાથી ધર્મેશના નામે વિલા ખરીદ કર્યો હતો, જે વિલાના રૂ.78 લાખ તેમજ અન્ય રૂ.35 લાખ ધર્મેશને આપ્યા હતા ત્યારબાદ ધર્મેશ તે તમામ રકમ હજમ કરી ગયો હતો. મુનીરાએ અરજી કરતાં ધર્મેશે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા પરંતુ જામીન મેળવ્યા પછી નિયમાનુસાર પોલીસ સમક્ષ હાજર થતો નહોતો.જેથી પોલીસ તેના ઘરે પહોંચી હતી.

ગાળાગાળી, ચીસો, ફડાકા અને ટીંગાટોળી
પીએસઆઇ સહિત બે પોલીસ કર્મીને ગોંધી રાખ્યાની જાણ થતાં જ પોલીસના ધાડા ધોકા સાથે ઉતર્યા હતા, પોલીસે ઘરમાં ઘૂસીને વળતો પ્રહાર શરૂ કર્યો હતો, ધર્મેશ, તેના પિતા સહિતના લોકોને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવતા હતા, પુરુષોને જતા રોકવા મહિલાઓ ઘરની બહાર દોડી આવી હતી, પોલીસને ગાળો ભાંડવા લાગતા પોલીસે મહિલાઓને પણ આડેહાથ લીધી હતી, મહિલાઓ પણ રોષે ભરાઇ હતી, પોલીસને ફડાકા ઝીંકાયા તો પોલીસે પણ મર્યાદા બાજુ પર મૂકી ફડાકા વાળી કરી હતી, મહિલા સભ્યો ચીસો પાડતી હતી.

પોલીસ ટીંગાટોળી કરી એક પછી એકને જીપમાં બેસાડતી હતી, એક એક પોલીસના ચહેરા પર રોષ હતો, તો બારભાયા પરિવારના સભ્યો થરથરી રહ્યા હતા. પાડોશીઓએ મકાનની ડેલી બંધ કરી દીધી હતી, સ્થળ પર આવેલા સોની સમાજના કેટલાક આગેવાનો પણ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પોલીસની સક્રિયતા શંકામાં, ભાજપના મહિલા અગ્રણીની વરવી ભૂમિકા
મુનીરાએ કરેલી અરજીને લાંબો સમય વિતવા છતાં પોલીસે શા માટે તપાસ પૂર્ણ કરી નહોતી?, જો ધર્મેશ બારભાયાએ છેતરપિંડી કરી જ હતી તો તેની સામે હજુ સુધી ગુનો શા માટે નોંધવામાં આવ્યો નહોતો?, પોલીસ મથકોમાં થતી દરેક અરજીમાં પોલીસ આટલી સક્રિયતા શા માટે નથી દાખવતી?, આ અરજીમાં પોલીસનો હેતુ શું હતો?, આવા સવાલો લોકોમાં ચર્ચાતા હતા. પોલીસ બારભાયા પરિવારના ઘરે પહોંચી તેની થોડી જ મિનિટો બાદ ભાજપની આગેવાન પુનિતા પણ બારભાયા પરિવારના ઘરે પહોંચી ગઇ હતી.

​​​​​​​સોનીબજારમાં સોની વેપારી સાથે થતી છેતરપિંડી કે બંગાળી કારીગરો સોનું ઉઠાવી જાય ત્યારે પુનિતા પોલીસમથકે અને પોલીસ કમિશનરે પહોંચતી હતી, દરેક પોલીસ અધિકારી સાથે વાર્તાલાપ કરી મામલામાં મધ્યસ્થી કરતી પુનિતા આજે શંકાસ્પદ રીતે પહોંચી ગઇ હતી, પુનિતાએ આ ઘટનામાં મધ્યસ્થી બનવાને બદલે સીધો પોલીસ પર જ વાર કર્યો હતો અને ‘તોડ’ના આક્ષેપ કરી પરિવારજનોને ઉશ્કેર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...