આરોગ્ય સેવા ખોરંભાઇ:રાજકોટ સિવિલમાં જૂની માગણીને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરની હડતાળ, ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ રેસિડેન્ટ અને બોન્ડેડ તબીબોએ હડતાળ પાડી.
  • હાલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ શરૂ, તે પણ બંધ કરવાની તૈયારી
  • 40 લાખના બોન્ડ કરેલા 30 ડોક્ટરની શરત મુજબ સિવિલના બદલે રૂરલમાં બદલી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી મેડિકલ કોલેજનાં રેસિડેન્ય ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આથી સિવિલ સંકુલમાં જ ડોક્ટરોએ કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. 40 લાખના બોન્ડ, 30 ડોક્ટરની બદલી સહિતની માગણીને લઇને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.

10 લાખના બોન્ડ સાથે સિવિલમાં જ ડ્યૂટી કરવાની શરત હતી
જ્યારે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની મિમણૂક કરવામાં આવી ત્યારે 10 લાખના બોન્ડ અને સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી આપવામાં આવશે તેવી શરત હતી. પરંતુ 30 તબીબની અન્ય હોસ્પિટલમાં બદલી થતા વિરોધ સાથે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ શરૂ છે. તે પણ બંધ કરવાની તૈયારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

બેનર સાથે ડોક્ટરોનો વિરોધ
બેનર સાથે ડોક્ટરોનો વિરોધ

બોન્ડ સમય વધારી પગારધોરણમાં પણ ઘટાડો કરાયો
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગારધોરણમાં પણ ઘટાડો કરાયો છે.

બંને તરફથી માર લાગતા ફરી રજૂઆત કરી હતી પણ તે એળે જતા હડતાળ પર ઉતર્યા
બદલી થતા બોન્ડેડ તબીબોએ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી તો જાણવા મળ્યું હતું કે, તેમનો બોન્ડનો સમય પણ હવે બમણો નહિ થાય અને એક મહિનો ફરજ નિભાવે તો એક જ મહિનો કામ કર્યાનું નોંધાશે. આ રીતે બંને તરફથી માર લાગતા ફરી રજૂઆત કરી હતી પણ તે એળે જતા પીજીના 48 તબીબે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી.

જૂની માગણીને લઇને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા.
જૂની માગણીને લઇને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા.

બોન્ડેડ તબીબોએ કરેલી માંગ

  • ઠરાવ ક્રમાંક એમસીજી/1021/459/જ તા. 12-4-2021 મુજબ બોન્ડનો સમયગાળો 1:2 ગણવામાં આવે.
  • બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન અપાય.
  • પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય.
  • અન્ય રાજ્યોની મારફત SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.

રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ

  • અમોને પણ બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે
  • ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમજ અમારૂ એકેડેમિક પર કોવિડમાં વેડફાયું હોવાથી અમોને અમારી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.
  • અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ કરવામાં આવે
  • ઉપરોક્ત માગણીઓ નહીં સંતોષાય તો અમે JDA તેમજ તમામ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ ઉતિર્ણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાશે

સિવિલમાં જ ફરજ બજાવાની શરતનો ઉલાળ્યોઃ બોન્ડેડ તબીબ
બોન્ડેડ તબીબ કલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે જે તે સમયે 12:4નો જીઆર બહાર પાડ્યો હતો. તેમાં અમને જણાવવામાં આવ્યું હતું કે, જે કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ હોય તેમાં તમે સેવા આપો તો તમને 1:2ના પિરીયડમાં ગણવામાં આવશે. આથી અમે 10 લાખનો બોન્ડ હતો તેને 40 લાખમાં કન્વર્ટ કર્યો હતો અને કલેક્ટરની મંજૂરી સાથે જોડાય ગયા હતા. ત્યારબાદ નવો ઓર્ડર આવે છે તેમાં રૂરલમાં બદલી કરવામાં આવે છે. કોવિડ દરમિયાન શૈક્ષણિક કાર્યકાળ બગડ્યો છે. અમને 1:2નો પિરીયડ આપવામાં આવે. અમે રૂરલમાં ના નથી પાડી રહ્યાં પણ જરૂર પડે ત્યારે અમને મોકલવામાં આવે.

બોન્ડેડ તબીબ કલ્પેશ ચૌધરી (જમણી બાજુ) અને જુનિયર રેસિડન્ટ તબીબ જીત (ડાબી બાજુ)
બોન્ડેડ તબીબ કલ્પેશ ચૌધરી (જમણી બાજુ) અને જુનિયર રેસિડન્ટ તબીબ જીત (ડાબી બાજુ)

કમિશનરે અમારી સાથે અમાનવીય વર્તન કર્યું- રેસિડેન્ટ તબીબ
જુનિયર રેસિડન્ટ તબીબ જીતે જણાવ્યું હતું કે, અમે અમારી માગ સાથે ગાંધીનગર કમિશનરને રજુઆત કરવા ગયા હતા. ત્યારે કમિશનરે અમારી સાથે અમાનવીય વર્તન કરી ધુત્કારીને કાઢી મુક્યા હતા. અમારી વાતો સાંભળી નહોતી. કમિશનરે એવું કહ્યું હતું કે, હું તમારા ત્રણ વર્ષની કામગીરીનો હિસાબ માગીશ. 250 જેટલા રેસિડન્ટ ડોક્ટર કોવિડમાં કામ કરતા કરતા 134 જેટલા ડોક્ટરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તો શું એ સાબિત નથી થતું કે, અમે લોકોએ કોવિડમાં કામ કર્યુ છે, અમે અમારી ફરજ નિષ્ઠાથી બજાવી છે. આવું કરવાથી અમારી લાગણી દુભાઇ છે. તેનો અમે વિરોધ કરીએ છીએ. અમારી 4 માગણી કરી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...