તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામૂહિક આપઘાતનો પ્રયાસ:રાજકોટની શિવશક્તિ ડેરીમાં જ 3 મહિલા અને 1 પુરુષે ફિનાઇલ ગટગટાવ્યું, જમીનનો વિવાદ કારણભૂત

રાજકોટ3 મહિનો પહેલા
તેમણે શિવશક્તિ ડેરીમાં જ ફિનાઈલ પીધું.
  • જમીનનો ભાવ વધતાં ત્રણ શખસ ખાલી કરવા ધાકધમકી આપતા હોવાનો CPને આપેલી અરજીમાં આક્ષેપ

રાજકોટના મવડી મેઇન રોડ પર માલવિયાનગર પોલીસ સ્ટેશનની સામે આવેલી નામાંકિત શિવશક્તિ ડેરી ફાર્મની અંદર આજે બપોરના સમયે 4 લોકોએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં 108 મારફત તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ માલવિયાનગર પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ પાછળ જમીનનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ મુદ્દે હજી સુધીએ કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

આપઘાતના પ્રયાસ પહેલાં પોલીસ કમિશનરને અરજી કરી હતી
તેમણે આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં પોલીસ કમિશનરને અરજી કરી હતી. એમાં જણાવાયું હતું કે તેઓ ગૌતમનગર વિસ્તારમાં રહે છે. આ જગ્યા પર છેલ્લાં 30થી 35 વર્ષ થયાં, જમીન વેચાતી લઈને કાચાં-પાકાં મકાનો બનાવીને રહે છે. આ જમીન એક હજાર રૂપિયે વાર હતી ત્યારથી ખરીદી હતી, અત્યારે એક લાખની વા૨ જમીન છે. આવી તેજીના ભાવથી અમુક લોકો માથાભારે ઝનૂની લાગવગવાળા રાજકીય ઓથ ધરાવનારા અને પૈસાપાત્ર લોકોની નજર આ જમીન પ૨ પડી છે, આથી ઘણા સમય પહેલાં અમારી જાણ બહાર આ જમીનના સાચા-ખોટા કાગળિયા બનાવી અમને અહીંથી કાઢી મૂકવા ષડયંત્ર ગોઠવાયું છે, જેમાં શામ, દામ, દંડ, ભેદ નીતિ રીતિ અપનાવાઈ રહી છે.

108 મારફત તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.
108 મારફત તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.

ડેરી-માલિક સહિત ત્રણ શખસ ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ
સમગ્ર ષડયંત્ર રચનાર જિતુભાઈ વસોયા, શિવશક્તિ ડેરીના મલિક જગદીશભાઈ અકબરી, વિનુભાઈ ઠુમર આ ત્રણેય શખસો પડદા પાછળ રહીને પોતાની મેલી મુરાદ પાર પાડવા અમને અમારા પરિવારને ગુંડા અને અસામાજિક તત્ત્વો ધાકધમકીઓ આપે છે તેમજ મારી નાખવાની ધમકીઓ આપે છે. હાથ-પગ, ટાટિયા ભાગી નાખવાની ધમકીઓ આપે છે. ઉપરાંત અમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બેફામ ગાળો બોલે છે, આથી અમે ક્યાંય કામ-ધંધે કે મજૂરીએ જઈ શકતા નથી. ઉ૫૨ આકાશ અને નીચે ધરતી અને ઉપર ચોમાસાની ઋતુ. અમારે માટે જીવવું મહામુશ્કેલ બની ગયું છે.

ત્રણ મહિલા અને એક પુરુષે ફિનાઇલ પીધું.
ત્રણ મહિલા અને એક પુરુષે ફિનાઇલ પીધું.

ફિનાઈલ પીનાર ચારેયને હોસ્પિટલ ખસેડાયાં
આજે બપોરના સમયે શોભનાબેન ચાવડા, ગૌરીબેન ચાવડા, મંજુબેન વાઘેલા અને કેતન સાગઠિયાએ શિવશક્તિ ડેરી ખાતે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં ડેરીના મલિક સહિત 3 લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી કરી કડક કાર્યવાહી કરવા માગ કરી છે. ફિનાઈલ પીનાર ચારેયને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે અને સારવાર ચાલી રહી છે.

જમીનનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું.
જમીનનો વિવાદ કારણભૂત હોવાનું સામે આવ્યું.

સિવિલ હોસ્પિટલે પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો
ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી અઈચ્છનીય બનાવ બને નહીં. જોકે ઘટનાની જાણ થતાં સમાજના આગેવાનો એકત્ર થઇ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે અને પોલીસ પણ ચારેયની તબિયત સ્વસ્થ થતાં નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં ચારેય સારવાર હેઠળ.
સિવિલ હોસ્પિટલમાં ચારેય સારવાર હેઠળ.

ખેડૂત પાસેથી એ જગ્યા અમે ખરીદી હતીઃ ડેરી-માલિક
ડેરી-માલિક જગદીશભાઇ અકબરીએ જણાવ્યું હતું કે એ જગ્યા સૂચિતની જગ્યા છે. એને કોઈએ ખોટા દસ્તાવેજોથી બારોબાર વેચી દીધી હતી. ત્યાર બાદ સરકારના આદેશથી ડિમોલિશન થયા બાદ ખેડૂત પાસેથી એ જગ્યા અમે ખરીદી હતી. 42 વર્ષથી આ જમીનનો વિવાદ ચાલતો આવે છે. 2017માં સુપ્રીમ કોર્ટમાં ખેડૂત કેસ જીતી ગયા હતા, જેની પાસેથી અમે આ જમીન 2018માં ખરીદી છે. સૂચિતમાં મકાનધારકોને અમારા તરફથી રૂપિયા પણ આપવામાં આવ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ફોન આવતા કે અમને રૂપિયા મળ્યા નથી. બેથી ત્રણ દિવસનો સમય માગ્યો હતો, પણ તેમણે આજે પગલું ભરી લીધું હતું.

પંદર દિવસ પૂર્વે સ્ટેચ્યૂ હટાવ્યું, બીજા દિવસે ધમાલ કરનારાઓની પોલીસે અટકાયત કરી હતી
પંદર દિવસ પૂર્વે જ આ જમીન પર રાખવામાં આવેલા ડો.આંબેડકરના સ્ટેચ્યૂ હટાવવાના મુદ્દે માથાકૂટ થઇ હતી, બીજા દિવસે 10-12 લોકો ટોળે વળ્યા હતા અને દેખાવ કરતા પોલીસે તમામની જાહેરનામા ભંગ હેઠળ અટકાયત કરી હતી, બીજા દિવસે કેટલાક લોકોએ ટાયર સળગાવીને વિરોધ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

કેતન રવિવારે જુગારમાં પકડાયો, સોમવારે ડેરીમાં ફિનાઇલ પીધું
મવડીના આંબેડકરનગર વિસ્તારમાં રવિવારે માલવિયાનગર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા કેતન નીતિન સાગઠિયા સહિત 9 લોકોને રૂ.25200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, સોમવારે કેતન સાગઠિયા ત્રણ મહિલાઓ સાથે શિવશક્તિ ડેરીએ પહોંચ્યો હતો અને ફિનાઇલ પી લીધું હતું, કેતન સામે અગાઉ પણ આપઘાતની ફરજ પાડવાનો અને પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

​​​​​​​સ્વજનોએ કહ્યું, ભાનમાં આવ્યા બાદ નિવેદન આપશે
ફિનાઇલ પીધાની ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલે પહોંચી હતી અને ચારેયનું નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી હતી, જોકે ચારેયના સ્વજનોએ દાખલ ચારેય વ્યક્તિ ભાનમાં આવ્યા બાદ નિવેદન આપશે તેવું કહી નિવેદન નોંધાવા દીધા નહોતા, જ્યારે પોલીસે તબીબોને પૂછતાં ચારેય વ્યક્તિની સ્થિતિ નોર્મલ હોવાનું કહેવામાં આવ્યું હતું. ચારેય વ્યક્તિ નિવેદન આપશે ત્યારબાદ તપાસની દિશા સ્પષ્ટ થશે.

રસ્તા પરથી જ ફિનાઇલ પીતા પીતા ચારેય ડેરીમાં ઘૂસ્યા’તા
બપોરે હું ડેરીમાં ખુરશી પર બેઠો હતો અને ગ્રાહકો સાથે વાતચીત કરતો હતો ત્યારે ત્રણ મહિલા સહિત ચાર લોકો ડેરીમાં ઘૂસ્યા હતા, ચારેયના હાથમાં પ્લાસ્ટિકની બોટલ હતી જેમાં સફેદ પ્રવાહી હતું, ચારેય લોકો રસ્તા પરથી જ તેમાંથી ઘૂંટ મારતા આવતા હતા અને ડેરીમાં આવતાની સાથે ફરીથી ઘૂંટ મારી નીચે સુવાનો ડોળ કરવા લાગ્યા હતા. ચારેયે ફિનાઇલ પીધાનું રટણ શરૂ કર્યું હતું.> વિજયભાઇ ચોટલિયા, કર્મચારી

અન્ય સમાચારો પણ છે...