હિટ એન્ડ રન:રાજકોટના બેટી ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને ઉલાળ્યું, યુવાનનું મોત, પત્ની અને પુત્રને ઇજા, સસરાના ઘરે આંટો મારવા જતા હતા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક યુવાનની ફાઇલ તસવીર.
  • મૃતક યુવાન ખેતમજૂરી કરતો અને ત્રણ ભાઈ-બહેનમાં મોટો હતો

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલક જયસુખભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પત્ની અને પુત્ર સાથે સસરાના ઘરે આંટો મારવા જતા હતા અને અકસ્માત નડ્યો હતો.

જયસુખભાઈનું ઘટનાસ્થળે મોત થયું
પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના કાળાસર ખેરડીમાં રહેતાં જયસુખભાઈ છગનભાઈ કેકડીયા તેના પત્ની ગીતાબેન અને પુત્ર ચેતન સાથે બાઈક લઈને કાળાસર ખેરડીથી નવાગામ રહેતા તેના સસરાના ઘરે આંટો મારવા જતા હતા. ત્યારે અમદાવાદ હાઈવે પર આવેલા બેટી ગામ પાસે ભારત બ્રોન્ઝ શોરૂમ નજીક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં જયસુખભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને પુત્રને શરીરે અને હાથે ગંભીર ઈજા પહોંચી હતી અને રાહદારીઓએ 108ને જાણ કરતા દોડી આવી હતી. જયસુખભાઈને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ઈજાગ્રસ્ત માતા પુત્રને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

માતા-પુત્ર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
માતા-પુત્ર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.

બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી
મૃતક જયસુખભાઈ ખેતમજૂરી કરતા હતા અને ત્રણ ભાઈ બહેનમાં મોટા હતા. જ્યારે સંતાનમાં બે પુત્ર છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી. જે અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત થયા બાદ ટ્રાફિકજામ થતાં ટ્રાફિક પૂર્વવત કરાયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...