દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ રાજકોટ આવી રહ્યા છે અને આટકોટ ગામે બનાવેલી પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પીએમના આગમનને લઈને વહીવટી તંત્ર દોડતું થયું છે અને તમામ તૈયારીઓ માટે સમીક્ષા બેઠકો થઈ રહી છે. જેમાં અધિકારીઓના ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો છે.
કલેક્ટરના અધ્યક્ષસ્થાને પીએમના આગમનની તૈયારીને લઈને સમીક્ષા બેઠક બોલાવાઈ હતી જેમાં નક્કી કરાયું છે કે પીએમ જ્યારે આવે ત્યારે તેમની આસપાસ રહેનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્ટેજ પર કે સ્ટેજની આસપાસના તમામના કાર્યક્રમ પહેલા RTPCR ટેસ્ટ કરાશે એટલે કે કોન્વોયના અધિકારીઓ અને અગ્રણીઓને રાજકોટના એકપણ કર્મચારી અને અધિકારીથી કોરોનાનું સંક્રમણ ન લાગે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
બીજી તરફ કાર્યક્રમ માટે લાખો લોકોની મેદની એકઠી કરવા માટે ભાજપ અગ્રણીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને આ ભીડમાં કોઇના ટેસ્ટ કરાશે નહિ કે તેને લાવનાર અગ્રણીઓ પાસેથી ટેસ્ટ સર્ટિફિકેટ માગવામાં આવશે નહીં. વડાપ્રધાન હવાઈ માર્ગે આટકોટ પહોંચવાના હોવાથી કાર્યક્રમ સ્થળે હેલિપેડ, કોન્વોયની કામગીરી ફાયર સેફ્ટી, મેડિકલ ટીમ તેમજ કાર્યક્રમ સ્થળે જ્યાં મેદની છે ત્યાં એમ્બ્યુલન્સ રાખવા માટે આદેશ અપાયા છે.
આ ઉપરાંત 28મીએ એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે તો બીજી તરફ ભાજપે પણ પોતાના કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપી છે જેમાં ભીડ એકત્ર કરવાથી માંડી અલગ અલગ વ્યવસ્થા પૂરી પાડવાનો પણ સમાવેશ થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.