રાજકોટના હિન્દુત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદેશની ધરતી પર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા અયોધ્યાથી નીકળશે અને લંડન સુધી 101 દેશમાં ફરશે. 30 માર્ચના રોજ આ રથયાત્રાનો પ્રારંભ થશે. જેને પૂર્ણ થતા 4 વર્ષ અને છ માસ જેટલો સમય લાગશે. હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટના સંચાલક એસ.એલ. સોમૈયાએ જણાવ્યું છે.
રથયાત્રા દરમિયાન દરેક જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને ભગવદ્ ગીતા, રામાયણ વિનામૂલ્યે આપવામાં આવશે. રથયાત્રામાં ભગવાન રામ, શ્રીકૃષ્ણ અને શિવની મૂર્તિ હશે. જે દરેક વાતાવરણમાં ટકી શકે તે પ્રકારે ખાસ મટિરિયલ્સમાંથી બનાવાશે. વિદેશની ધરતી પર રથયાત્રા આયોજિત થવાની હોય આ માટે વિઝા પણ મુકવામાં આવ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા આયોજક એસ.એલ. સોમૈયાએ જણાવ્યું હતું કે, અંદાજે 10 સભ્ય આ રથયાત્રામાં જોડાશે અને તેમાં બહેનોનો પણ સમાવેશ થાય છે. એશિયન કન્ટ્રી માટે વિઝા છે. જ્યારે યુરોપિયન કન્ટ્રી માટે વિઝાની પ્રોસિઝર શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં જ મૂર્તિ બનશે અને મૂર્તિ તૈયાર થયા બાદ તેને અયોધ્યા મોકલાશે.
જ્યારે રથ આઈસરમાં બનાવવામાં આવશે. રથ 30 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો હશે. અત્યારે રથ બનાવાવાની કામગિરી ચાલુ છે. દરેક મૂર્તિની ઊંચાઈ 10 ફૂટ રહેશે. રાજકોટમાં ટ્રસ્ટ દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવે છે, પરંતુ હિન્દુ સંસ્કૃતિ, તેની પરંપરા વિશે તમામ લોકો પરિચિત થાય તે માટે આ પ્રકારની રથયાત્રા કરવાનો વિચાર આવ્યો.
બે વર્ષ પહેલા પ્લાનિંગ કર્યું, લોકડાઉનમાં જાણકારી મેળવી
વિદેશની ધરતી પર રથયાત્રા કરવાનો વિચાર બે વર્ષ પહેલા આવી ગયો હતો. તમામ સભ્યો સાથે વાતચીત થયા બાદ સૌ કોઈએ સંમતિ આપી અને અલગ-અલગ મુદ્ે પ્લાનિંગ શરૂ કરી દીધું. ત્યાર બાદ કોરોનાની લહેર આવી. લોકડાઉન લાગ્યું તો વધુ સમય મળ્યો અને લોકડાઉન દરમિયાન તમામ સર્વે કરી જાણકારી મેળવી. આ રથયાત્રા માટે સૌ કોઈ પોત-પોતાની રીતે બનતી મદદ કરે છે. ટ્રસ્ટમાં કુલ 10 સભ્ય છે. જેમાંથી કોઈ ઉદ્યોગપતિ, બિલ્ડર સહિતના અલગ- અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. રથયાત્રા દરમિયાન હિન્દુ સંસ્કૃતિને લગતા સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.