રાજકોટ-વાંકાનેર હાઇવે પર ખેરવા નજીક કાર પલટી જતાં કારમાં બેઠેલા વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણને ઇજા થતાં તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જસદણમાં રહેતા વિરેનભાઇ ભોગીલાલ બાબરિયા (ઉ.વ.42), તેમના પત્ની વૈશાલીબેન બાબરિયા (ઉ.વ.40), પુત્ર જતીન બાબરિયા અને રાજકોટના લક્ષ્મીવાડીમાં રહેતા જયંતીલાલ ઉર્ફે શશીભાઇ વૃજલાલભાઇ ગાંગડિયા (ઉ.વ.72) રવિવારે સવારે રાજકોટથી કારમાં તિથવા જવા નીકળ્યા હતા, બાબરિયા પરિવારની કાર વાંકાનેર હાઇવે પર ખેરવા નજીક પહોંચી હતી ત્યારે કોઇ કારણસર કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઇ ગઇ હતી.
અકસ્માતને પગલે આસપાસના વિસ્તારના લોકો દોડી ગયા હતા, અને પલટી ખાધેલી હાલતમાં રહેલી કારમાંથી ચારેયને બહાર કાઢી રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ગંભીર રીતે ઘવાયેલા રાજકોટના જયંતીલલ ગાંગડિયાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય ત્રણની સારવાર શરૂ કરવામાં આવી હતી. વૃદ્ધના આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે કારચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.