વિવાદ:ઘરમાં ઘૂસેલા શખ્સનો નિદ્રાધીન શાકભાજીના ધંધાર્થી પર હુમલો

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોધિકાના ગોકુલ ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી છરી મારી

રાજકોટ જિલ્લાના લોધિકા ગામે ગત મોડી રાતે જૂના ઝઘડાનો ખાર રાખી શાકભાજીના ધંધાર્થી પર ખૂની હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લોધિકા ગામના ગોકુલ ચોકમાં રહેતા શારદાબેન કિશોરભાઇ પરમાર નામના પ્રૌઢાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા ધર્મેશ ઉર્ફે કાનો ભગત ખવાસ નામના શખ્સનું નામ જણાવ્યું છે. ગરમ મસાલાનો વેપાર કરતા પ્રૌઢાની ફરિયાદ મુજબ, તેમના બે પુત્ર પૈકી નાના પુત્ર પ્રકાશ સાથે રહે છે. પુત્ર પ્રકાશ શાકભાજી, ફળો વેચવાનો ધંધો કરે છે.

ગામમાં અન્ય એક મકાન આવેલું હોય ત્યાં શનિવારે કેરીનો દાબો નાંખ્યો હોવાથી પુત્ર પ્રકાશ તેની પત્ની શીતલ અને તેના સંતાનો સાથે તે મકાને સુવા ગયા હતા. દરમિયાન રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પાડોશમાં રહેતી મહિલા ઘરે આવી અમને જગાડી તમારા દીકરા પ્રકાશને કોઇએ માર માર્યો છે તેવી વાત કરી હતી.

જેથી પોતે પતિ સાથે મકાને પહોંચ્યા હતા. ઘરે પહોંચતા પુત્ર પ્રકાશ ખાટલામાં ગંભીર રીતે ઘવાયેલો લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તુરંત તેને રિક્ષામાં લોધિકા અને બાદમાં રાજકોટ સારવાર માટે લઇ આવ્યા હતા. જેમાં પ્રકાશને માથામાં, પેટમાં, પડખામાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે પુત્રવધૂ શીતલને પણ મોઢામાં ઇજા થઇ હતી.

આ સમયે ઇજાગ્રસ્ત પુત્ર પ્રકાશને શું થયુંનું પૂછતા ગામમાં જ રહેતા ધર્મેશ ઉર્ફે કાના સાથે એક મહિના પહેલા શાકભાજી વેચવા બાબતે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી પોતે ઘરે ખાટલામાં સુતો હતો. ત્યારે ધર્મેશ ઉર્ફે કાનો મકાનની દીવાલ કૂદી ઘરમાં પ્રવેશ્યો હતો. અને પોતે ખાટલામાં સુતો હતો તે સમયે તેને લોખંડની ટોમીથી નિદ્રાધીન હાલતમાં માથામાં ઘા ફટકાર્યો હતો. પોતે ઊભો થાય તે પહેલા જ તેને બીજો ઘા કર્યો હતો. પરંતુ બંને હાથ આડા નાંખતા હાથમાં ઇજા થઇ હતી.

ત્યાર બાદ ધર્મેશે નેફામાંથી છરી કાઢી પેટ તેમજ પડખામાં ઘા ઝીંકી દીધા હતા. જેથી પોતે બૂમાબૂમ કરતા પત્ની શીતલ જાગી ગઇ હતી. તે બચાવવા વચ્ચે પડતા ધર્મેશ તેના મોઢા પર હુમલો કરી ડેલી ખોલી ભાગી ગયો હતો. આ સમયે દેકારો મચી જતા પાડોશીઓ જાગી ગયા હતા અને અહીં દોડી આવ્યાનું ઇજાગ્રસ્ત પ્રકાશે જણાવ્યું હતું. લોધિકા પોલીસમથકના પીએસઆઇ કે.કે.જાડેજાએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...