ધરપકડ:સોડામાં 10 ML નાખી પીવાથી નશો થાય તેવું સિરપ પકડાયું

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી મિતેષપરી ગોસાઈ - Divya Bhaskar
આરોપી મિતેષપરી ગોસાઈ
  • SOGએ અમૃતપાર્કમાં દરોડો પાડી રૂ.23.12 લાખનો જથ્થો જપ્ત કર્યો
  • સિરપમાં કોડેઈન ફોસ્ફેટનું પ્રમાણ હોવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક

શહેરના રૈયારોડ પર આલાપગ્રીન સિટી પાછળના અમૃતપાર્કના મકાનમાં એસઓજીએ દરોડો પાડી રૂ.23.12 લાખના પ્રતિબંધિત નશાકારક સિરપના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, ઝડપાયેલા શખ્સનો કૌટુંબિક બનેવી કચ્છથી સિરપનો જથ્થો મોકલતો હતો અને તેની સૂચના મુજબ રાજકોટથી ટ્રાન્સપોર્ટ મારફત અમદાવાદ, ગાંધીનગર અને અન્ય રાજ્યમાં સિરપની સપ્લાય થતી હતી. સિરપમાંથી મળી આવેલી કોડેઇન ફોસ્ફેટની હાજરી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ અભિપ્રાય આપ્યો હતો.

પ્રતિબંધિત સિરપ નશાખોરો નશા માટે ઉપયોગમાં લેતા હતા તેવી ઝડપાયેલા મિતેશપરીએ પ્રાથમિક કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી, મિતેષે કહ્યું હતું કે, બે ત્રણ ઢાંકણા એટલે કે, 7થી 10 એમએલ સિરપને સોડામાં નાખીને પીવાથી તેમાં નશાખોરને દારૂ જેવો નશો થતો હતો. ત્રણ વખત લેવાથી તેની આદત પડી જાય છે.અમૃતપાર્ક શેરી નં.7માં કૃષ્ણમ નામના મકાનમાં શંકાસ્પદ સિરપનો જથ્થો હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલા, એએસઆઇ ખેર અને અરૂણભાઇ બાંભણિયા સહિતની ટીમ દોડી ગઇ હતી, પોલીસે મકાનમાં તપાસ કરતાં જ TRIPROLIDINE HYDROCHLORIDE ‘CODEINE PHOSPHATE SYRUP 100 ML તથા CHLORPHENIRAMINE MALEATE’ CODEINE PHOSPHATE SYRUP 100 MLની રૂ.23,07,900ની 13,3,38 સિરપની બોટલ મળી આવી હતી.

પોલીસે સ્થળ પર રહેલા શિતલપાર્કના હિંમતનગરમાં રહેતા મિતેશપરી રાજેશપરી ગોસાઇ (ઉ.વ.29)ને સકંજામાં લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એફએસએલ અધિકારીને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને કબજે થયેલા સિરપમાં કોડેઇન ફોસ્ફેટની હાજરી મળી આવી હતી તેના વધુ પડતા ઉપયોગથી નશો થાય છે અને સ્વાસ્થ્ય માટ હાનિકારક છે તેમજ પરમિટ વગર જથ્થો રાખવા કે વેચવા પર પ્રતિબંધ હોવાનો અભિપ્રાય આપતા પોલીસે સિરપનો જથ્થો જપ્ત કરી મિતેશપરીની ધરપકડ કરી હતી.

મિતેશપરીએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પોતે જીએસટી અને આઇટી રિટર્ન ફાઇલ કરી આપવાનું કામ કરે છે, તેનો કૌટુંબિક બનેવી સમીર પ્રકાશગીરી ગોસ્વામી કચ્છના આદિપુરમાં રહે છે, સમીર ગોસ્વામીએ પોતાની પત્નીના નામે અગાઉ અપેક્ષા મેટ્રિક્સ નામ પેઢી શરૂ કરી હતી જેનું લાઇસન્સ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રદ કરી દીધું હોવા છતાં સમીર ગેરકાયદે આ સિરપનો વેપલો કરતો હતો, ત્રણ મહિનાથી તેણે રાજકોટમાં ઉપરોક્ત સ્થળે મકાન ભાડે લઇ આપ્યું હતું, કચ્છથી ટ્રાન્સપોર્ટમાં સિરપનો જથ્થો આવતો હતો અને સમીરની સૂચના મુજબ રાજકોટથી મિતેષપરી ટ્રાન્સપોર્ટના માધ્યમથી અમદાવાદ, ગાંધીનગર અને અન્ય રાજ્યમાં સિરપનો જથ્થો મોકલતો હતો. પોલીસે સમીર ગોસ્વામીની શોધખોળ શરૂ કરી હતી.

ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કબજે થયેલું સિરપ હિમાચલની કંપનીનું છે, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ સિરપ કોઇ વ્યક્તિને આપી શકાતું નથી, મિતેશપરી અને સમીર લાઇસન્સ વગર ગેરકાયદે સિરપનો વેપલો કરતા હતા, તેમણે રાજકોટમાં કોને કોને સિરપનો જથ્થો આપ્યો હતો તેમજ બહાર પણ કોને મોકલ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

3 વખતના સેવનથી આદત પડી જાય પછી નશો ન કરે તો તબિયત બગડે
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નશાખોર ત્રણેક વખત આ સિરપમાં સોડા મેળવીને તેનું સેવન કરે ત્યારે તેને ત્રણેક વખતના સેવન પછી આની આદત પડી જાય છે અને જો તે આનું સેવન કરે નહીં તો તેને ઝાડા ઊલટી થાય છે અને આનું સતત સેવન કરવાથી ચાર પાંચ મહિનામાં લિવર પર તેની ગંભીર અસર પડે છે, લાંબા રૂટ પર ટ્રકનું ડ્રાઇવિંગ કરતા અનેક લોકો આ સિરપનું સેવન કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

ફેબ્રુઆરીમાં સમીર સામે સાણંદમાં ગુનો નોંધાયો તેમાં પણ તે ફરાર છે
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાઇસન્સ રદ કરી દીધું હોવા છતાં સમીર ગોસ્વામી આ સિરપનો બેરોકટોક વેપલો કરતો હતો, ફેબ્રુઆરી મહિનામાં સાણંદ પોલીસે આ સિરપની 239 બોટલ જપ્ત કરી હતી અને તેમાં સમીર ગોસ્વામી સામે ગુનો નોંધ્યો હતો, જોકે સાણંદ પોલીસના હાથ તે હજુ સુધી આવ્યો નથી, ફરાર સમીરે આ સિરપનો વેપલો તેના સાળા મિતેશપરીની મદદગારીથી ચાલુ રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...