રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સિંગ વડા હિતેન્દ્ર જાખરીયાએ ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે સરકારે શરૂ કરેલ મફત સારવાર યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડની યોજનાનો લાભ લઇ આખા પરિવારનું આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હતું. જે મામલે વિવાદ થયા પછી તપાસ સમિતિ રચાઇ હતી. આ અંગે હવે ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા છે. આરોગ્ય કમિશનરે રાજકોટ મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીને આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી રિપોર્ટ ગાંધીનગર મોકલવા આદેશ કર્યો છે.
સામાજિક કાર્યકરો પોલીસ કમિશનરને અરજી કરી હતી
સિવિલ હોસ્પિટલના વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે સરકાર દ્વારા આ મામલે ફોજદારી રાહે પગલા લેવા તૈયાર થઇ રહી છે કે પછી ફક્ત તપાસના નામે રિપોર્ટ જ કરાતા રહેશે? હિતેન્દ્ર જાખરીયા ગુજરાત સરકારના વર્ગ-2ના અધિકારી છે. વર્ષે લાખો રૂપિયા પગાર મેળવે છે. તેમણે આયુષ્યમાન કઢાવ્યું હોવાની રજુઆત પુરાવા સાથે રાજકોટ પોલીસ કમિશનરને કરાઇ હતી અને ગેરકાયદેસર રીતે આયુષ્યમાન કઢાવવા માટે લાયક ન હોવા છતાં આયુષ્યમાન કઢાવી યોજનાનો ગેરકાયદેસર રીતે લાભ લીધો હોવાનો આક્ષેપ થયો હતો. અરજદાર કિશન રાઠોડે પોલીસ કમિશનર સમક્ષ આ મામલે તટસ્થ તપાસ કરવા અને FIR નોંધવા માટે વિનંતી કરી હતી.
તાજેતરમાં જ હિતેન્દ્રની પોરબંદર બદલી થઈ છે
જો કે ત્યારબાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ દ્વારા તપાસ સમિતિ રચાઇ હતી અને આ તપાસ સમિતિએ રિપોર્ટ પણ કરી દીધો છે. હવે અરજદારે જે તે સમયે ગાંધીનગરની વડી કચેરીઓમાં પણ રજુઆત કરી હોય તેનું ભુત ફરી ધુણ્યું છે અને ગાંધીનગરથી મનપાના આરોગ્ય અધિકારીને તપાસ કરી લેવા આદેશ છૂટ્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં જ હિતેન્દ્ર જાખરીયાની પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.