રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:આનંદબંગલા ચોકમાં માતા-પુત્રી પર પૂર્વ જમાઈએ કુહાડીથી હુમલો કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગોંડલમાં રિક્ષાચાલકે અન્ય રિક્ષાચાલકને માર માર્યો

ગોંડલ રોડ પર પાસપોર્ટ ઓફિસવાળી શેરીમાં ઉદ્યોગનગર કોલોનીમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદમાં પૂર્વ જમાઈ ધવલ ઉર્ફે ધર્મેશ ભુપતભાઈ વાઘેલાનું નામ આપતા કલમ 326,324 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઇ તજવીજ આદરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે છૂટાછેડા લઈ લીધા હોવા છતાં પૂર્વ જમાઈ ધવલ દીકરીને લઈ જવા દબાણ કરતો હતો. તેમજ મહિલા અને તેના દીકરા પર કુહાડીથી હુમલો કર્યો હતો.

2009માં ધવલ સાથે લગ્ન થયા હતા
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે રહું છું અને મારા પતિ દૂધનો વેપાર કરે છે. તેમજ અમારે સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. જેમાં મોટી દીકરીના લગ્ન 2009માં ધવલ ઉર્ફે ધર્મેશ ભુપતભાઇ વાઘેલા સાથે થયા હતા અને અને આ મારી દીકરીને સંતાનમા એક દીકરી છે. દીકરીના લગ્ન બાદ તેનો પતિ ધવલ મારી દીકરી પર શંકા કુશંકા કરતો હોય 2014માં મારી દીકરીએ ધર્મેશ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. અને બંનેને સંતાનમાં થયેલી દીકરીનો મારા જમાઈ ધવલે કોર્ટમાંથી કબ્જો લઇ લીધેલ ત્યારથી તે તેની સાથે જ રહે છે.

મારી દીકરીના 2015માં મીઠાપુરમાં બીજા લગ્ન થયા હતા
ત્યારબાદ મારી દીકરીના 2015માં મીઠાપુરમાં લગ્ન થયા હતા. જેનાથી સંતાનમાં એક દીકરી છે. બાદમાં મારી દીકરીને તેના બીજા પતિ સાથે મનમેળ ન થતા ત્યાં પણ છૂટાછેડા થઈ ગયા હતા. આથી મારી દીકરી તેની દીકરી સાથે મારા ઘરે આવી ગઈ હતી. ત્યારથી મારી દીકરી અમારી સાથે જ રહે છે અને દીકરી અમારા ઘરે હોય તેનો પહેલો પતિ ધવલ વારંવાર અમારા ઘરે આવી દિકરીને તેની સાથે આવવા કહેતો હતો. પરંતુ મારી દીકરી તેની સાથે જવા માગતી ના હોય ધવલ સાથે ગઈ નહોતી. આથી ધવલ મારી દીકરી સાથે અવારનવાર બોલાચાલી તથા માથાકૂટ કરતો હતો.

માતા-દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ગઈકાલે સાંજના હું, મારી દીકરી, તેની દીકરી અને મારા દિયરની દીકરી ચાલીને માનતા પુરી કરવા માટે વિશ્વેશ્વર મહાદેવની પાછળ આવેલા દશામાના મંદિરે જતા હતા. દરમિયાન અમે મવડી ઓવરબ્રિજ ઉતરતા સ્વાશ્રય સોસાયટીના કોમ્યુનિટી હોલની દીવાલ પાસે પહોંચતા ધવલ બાઈક લઈને બાજુની શેરીમાંથી નીકળ્યો અને હાથમાં કુહાડી હોય મારી દીકરીની પીઠમાં કુહાડીનો એક ઘા મારી દેતા તે નીચે પડી ગઈ હતી. હું તેને ઉભી કરવા જતાં ધવલે કુહાડી વડે મને કપાળના ભાગે એક ઘા મારી દીધો હતો. બાદમાં લોકો ભેગા થઈ જતા આરોપી નાસી ગયો હતો અને અમોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગોંડલમાં રિક્ષાચાલકે બીજા રિક્ષાચાલકને માર માર્યો
ગોંડલની ગુંદાળા ચોકડીએ ‘તે પેસેન્જર કેમ બેસાડ્યા’ કહી રિક્ષાચાલકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી એક શખસે માર માર્યો હતો. આ અંગે રિક્ષાચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિજયભાઈ હીરાભાઈ પરમારે જણાવ્યું હતું કે, હું રિક્ષા ચલાવવાનો ધંધો કરું છું અને ગઇકાલે ગુંદાળા ચોકડીએ પેસેન્જર ઉતારી ગોંડલ બસ સ્ટેન્ડ તરફ જતો હતો. ત્યારે ત્યાં ઉભેલા પેસેન્જરને મેં રિક્ષામાં બેસાડ્યા હતા. ત્યારે ધસી આવેલા અન્ય રિક્ષાચાલક સાહીલ ગામેતીએ તે મારા પેસેન્જર કેમ બેસાડ્યા તેમ કહી રિક્ષાની ચાવી કાઢીને ઝઘડો કરી ઢીકાપાટુંનો માર માર્યો હતો.

દુકાનમાં 15 હજારમાં વેચાતા હતા ડિપ્લોમાના સર્ટિફિકેટ
ક્રાઈમ બ્રાન્ચે રાજકોટમાંથી રૂ.15 હજારમાં વેંચાતા નકલી ડિગ્રી-સર્ટિફિકેટના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા ભેજાબાજે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને નકલી સર્ટિફિકેટ વેચ્યા હોવાની કબૂલાત આપતાં પોલીસે આ તમામની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સાથે તેના બે ભાઈ પણ આ કૌભાંડમાં સંકળાયેલા હતા અને તેમનું આખા ગુજરાતમાં નેટવર્ક ફેલાયેલું હોવાથી તેના મુળ સુધી પહોંચ્યા બાદ આ મામલે વધુ મોટા ખુલાસા થાય તેવી પૂરી શક્યતા રહેલી છે.

અનેક લોકોને નોકરી મળી ગયાની શંકા
પોલીસે જણાવ્યું હતું કે, જયંતી સુદાણીએ વર્ષ 1983થી ઉપરોક્ત સંસ્થા ચાલુ કરી હતી અને જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં બ્રાંચ ચાલતી હતી, વર્ષોથી જયંતી આ ગોરખધંધા કરતો હતો, કોઇપણ પ્રકારના કોર્સ કર્યા વગર અને કોઇપણ માન્યતા નહીં હોવા છતાં જયંતી ડિપ્લોમાના સર્ટિફિકેટ આપી દેતો હતો, જયંતીએ વેચેલા સર્ટિફિકેટને આધારે અનેકને નોકરી મળી ગયાની પણ પોલીસને શંકા છે, પોલીસે જપ્ત કરેલા ડેટા પરથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

બાઈક સ્લીપ થતા મહિલાનું મોત
રાજકોટ શહેરના મંચ્છાનગર મફતીયાપરા શેરી નં.9માં રહેતા અરવિંદભાઈ ભાદાભાઈ ગોહેલ તેની પત્ની શોભનાબેન, પુત્ર આર્યન અને પુત્રી અંકિતા સાથે 9 મેના રાત્રિના સાથે બાઈક પર ચોટીલાથી રાજકોટ તરફ આવતા હતાં. ત્યારે કુવાડવા રોડ પર આવેલા પટેલ વિહાર પરોઠા હાઉસ પાસે સામેથી આવતા વાહનની લાઈટે અંજાઈ જતા બાઈક પરનો બેલેન્સ ગુમાવ્યો હતો. અને બાઈક સ્લીપ થઈ હતી. જેમાં બાઈક પર સવાર તેના પત્ની અને બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને 108 મારફતે તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં સારવાર દરમિયાન શોભનાબેનનું મોત થયું હતું.