આયુર્વેદનો સહારો:કોરોના માટે પંચગવ્ય- ગાયના દૂધ, માખણ, ઘી, છાણ અને ગૌમૂત્રમાંથી બનેલી ઔષધિનું દર્દી પર ટ્રાયલ કરાશે

રાજકોટ3 વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • હોટસ્પોટ અમદાવાદ, સુરત, વડોદરા સહિત દેશના દિલ્હી, હૈદરાબાદ, પુના જેવા શહેરોમાં ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવશે
  • આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, ગૌમુત્ર અને છાણ અનેક રોગમાં અસરકારક સાબિત થાય છે: રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ
  • આપણાં વેદોમાં ગાયનાં ગૌમૂત્ર અને છાણને દવાનાં સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું, ટ્રાયલની મંજૂરી બેથી ત્રણ દિવસમાં મળશે

કોરોના વાઇરસે આખા વિશ્વને બાનમાં લીધું છે. દેશમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દિવસેને દિવસે કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે. કોરોનાની રસી આખું વિશ્વ શોધવા મથી રહ્યું છે પરંતુ હજી સુધી સફળતા મળી નથી. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભ કથીરીયાએ જણાવ્યું હતું કે, ભારત પ્રથમ વખત ગાયના પંચગવ્યથી તૈયાર કરવામાં આવેલી દવાનો કોરોના પોઝિટિવ દર્દીઓ પર ક્લિનીકલ ટ્રાયલ કરવા જઇ રહ્યું છે. ગાયનાં ગૌમુત્ર, દૂધ, દહી, ઘી અને છાણના ઉપયોગથી આયુર્વેદિક દવા તૈયાર કરવામાં આવી છે. જેને હોટસ્પોટ અમદાવાદ, સુરત, વડોદરા સહિત દેશના દિલ્હી, હૈદરાબાદ, પુના જેવા શહેરોમાં ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવશે.

ગૌમુત્ર અને છાણ અનેક રોગમાં અસરકારક સાબિત થાય છે

ડો. વલ્લભ કથીરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, ગૌમુત્ર અને છાણ અનેક રોગમાં અસરકારક સાબિત થાય છે. ગાયમાંથી પ્રાપ્ત થતા મુખ્ય પાંચ દ્રવ્યો જેમાં ગૌમૂત્ર, દૂધ, ઘી, દહીં અને છાણનો વૈદોમાં પંચગવ્ય તત્વ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભારતમાં સદીઓથી આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે હવે ગુજરાત કોરોના વાઇરસની સારવાર માટે આ પંચગવ્ય અને આયુર્વેદનો સમન્વય કરીને દવાનું ક્લિનિકલ પરીક્ષણ કરવા જઇ રહ્યું છે. પંચગવ્ય અને આયુર્વેદમાંથી તૈયાર કરવામાં આવેલી એલોપેથીક દવાને નિયમાનુસાર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. જેમાં આઇ.સી.એમ.આર. અને સી.ટી.આઇ.આર.ની ગાઇડલાઇનની પ્રપોઝલ મુજબ ટ્રાયલ કરવામાં આવશે. જેના માટે આયુર્વેદનાં જાણકાર તબીબો દ્વારા દેશનાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, પૂના, હૈદરાબાદ, દિલ્હી જેવા મોટા શહેરોમાં કોરોના દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આયુર્વેદને મહત્વ આપી રહ્યા છે: રાજુ ધ્રુવ

બીજી તરફ ભાજપનાં સૌરાષ્ટ્ર-કચ્છનાં પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું હતું કે, હાઇડ્રોક્સિનક્લોરોક્વિન જેવી દવાનો ઉપયોગ અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યો હતો. કોરોના વાઇરસમાં એ દવા પણ નિષ્ફળ નિવડી છે. ત્યારે ભારત ગાયના પંચગવ્યમાંથી તૈયાર કરવામાં આવેલી આયુર્વેદિક દવાની ટ્રાયલ કરવા જઇ રહ્યું છે અને તેમાં સફળ પણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આયુર્વેદને મહત્વ આપી રહ્યા છે. ત્યારે ગાયના પંચગવ્ય અને આયુર્વેદના સમન્વયથી તૈયાર કરવામાં આવેલી આ દવા કોરોના વાઇરસમાં પણ સફળ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ટ્રાયલની મંજૂરી બેથી ત્રણ દિવસમાં મળી શકે છે

આપણાં વેદોમાં ગાયનાં ગૌમૂત્ર અને છાણને દવાનાં સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આ દવા માટેની ટ્રાયલની મંજૂરી બેથી ત્રણ દિવસમાં મળી શકે છે. જેના માટે 15 દિવસના નિયમ મુજબ ટ્રાયલ કરવામાં આવશે. જો આ દવાનો ઉપયોગ કરવાથી દર્દીઓમાં ધાર્યું પરિણામ આવશે તો વિશ્વમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય હશે જે કોરોના વાઇરસની દવાનું સંશોધન કર્યું હશે.

અન્ય સમાચારો પણ છે...