તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સીમાંકન:મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વરનો 34.11 ચોરસ કિ.મી.નો વિસ્તાર રાજકોટ શહેરમાં ભળ્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • 25 હજાર મિલકતનો વેરો ત્રણ ગણો વધી જશે, 20 વોર્ડ અને 80 કોર્પોરેટર થશે
  • ચાર ગામડાં રાજકોટમાં હૃદયસ્થ
  • રાજકોટ તાલુકા પંચાયતની ચાર બેઠક નાબૂદ થશે, જિલ્લા પંચાયતની માધાપરવાળી બેઠકમાં નવા ગામો અને નવું નામ આપવું પડશે

મહાનગરપાલિકાના 129.21 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પશ્વિમ દિશામાં આવેલા ચાર ગામ મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર (મનહરપુર-1) ભેળવવા માટેની મહાનગરપાલિકાની દરખાસ્ત રાજ્ય સરકારે મંજૂર કરતા 34.11 ચોરસ કિલોમીટરનો વિસ્તાર નવો ભળતા રાજકોટ મનપાની હદ 163.32 ચોરસ કિલોમીટર થઇ છે. નવા વિસ્તારમાં રહેતા અંદાજે 1 લાખ જેટલા લોકોની મિલકતોનો વેરો દોઢથી ત્રણ ગણો વધી જશે, પરંતુ તેમને રોડ, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓનો લાભ પણ મળતો થશે.

આ ગામો રાજકોટ મહાનગરપાલિકાનો હિસ્સો બની ગયા
નવા ચાર ગામ રાજકોટમાં ભળતા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનું સીમાંકન પણ બદલાશે અને 18ના બદલે 20 વોર્ડ થશે અને 80 કોર્પોરેટર હશે. 
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ત્રીજી વખત વધારો થયો છે. મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર ગામને ભળવાની દરખાસ્ત ગુજરાત સરકારે મંજૂર કરી છે. જેના પગલે હવે અંદાજે 1 લાખ જેટલા લોકોનો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં સમાવેશ થયો છે. સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું ત્યારથી જ એટલે કે આજથી જ હવે આ ગામો રાજકોટ મહાનગરપાલિકાનો હિસ્સો બની ગયા છે. તેથી હવે મનપાના નિયમો મુજબ અહીં મિલકત વેરાની વસૂલાત થશે અને બાંધકામ પરવાનગી અપાશે. વોર્ડનું સીમાંકન થયા બાદ આગામી ચૂંટણીમાં આ વિસ્તારના લોકો કોર્પોરેટરને ચૂંટશે. વર્તમાન કોર્પોરેશનની બોડીની મુદ્દત ડિસેમ્બરમાં પૂરી થાય છે પરંતુ કોરોનાના કારણે ચૂંટણી મોડી થવાની સંભાવના હતી તે સાચી ઠરી છે. કારણ કે, આ ગામો ભળવાની જાહેરાત કરતા હવે નવું વોર્ડ સીમાંકન થશે અને ત્યાર બાદ ચૂંટણી થશે.

  • હવે આ પ્રક્રિયા થશે

રૂડા: રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-1માં જે ટી.પી. સ્કીમ બનાવી છે તે તમામ ટી.પી સ્કીમ, રોડ રસ્તા, રિંગ રોડ-1નો હિસ્સો, પાણીના સમ્પ, ડ્રેનેજ લાઇન, ગામમાં થયેલા વિકાસના કામો, બાંધકામ પરવાનગી અને ચાલુ બાંધકામની ફાઇલોનો કબજો રાજકોટ મહાનગરપાલિકાને અપાશે. જે વિકાસ કામે ચાલતા હશે તે રૂડા પૂરા કરશે અને નવા કામનું પ્લાનિંગની વિગત મનપાને સોંપી દેશે. આ પ્રક્રિયા બે મહિના ચાલશે.

ગ્રામપંચાયત:  સૌથી મોટી કામગીરી ગ્રામપંચાયતને કરવી પડશે. ગ્રામપંચાયતનો કબજો મહાનગરપાલિકા લઇ લેશે. જેમાં પંચાયતની કચેરી, આંગણવાડી, શાળા, આરોગ્ય કેન્દ્ર સહિતના કબજો મનપા સંભાળશે. તેમજ ગ્રામપંચાયત હેઠળ આવેલા તમામ મકાનોની વેરાની વિગતો પણ મનપાને ડોક્યુમેન્ટ આપશે. જેના આધારે મનપા પોતાની વેરા વસૂલાત શાખામાં નવી મિલકતોની નોંધ કરશે અને વેરાની વસૂલાત કરશે. 

4 ગામની વસતી 95 હજારથી વધુ,  મતદારો 25 હજાર પણ નથી
રાજકોટનો વિકાસ પશ્ચિમ તરફ વધુ થયો છે તેથી રાજકોટમાં ભળેલા મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં મોટા પ્રમાણમાં નવા બાંધકામો થયા છે અને લોકો રહેવા આવ્યા છે. આ ચારેય ગામોમાં 95 હજારથી વધુ લોકો રહે છે, પરંતુ મતદારો 25 હજાર પણ નથી. મોટામવાના સરપંચ વિજય કોરાટે જણાવ્યું હતું કે, લોકો અહી રહે છે પરંતુ કોઇ ડોક્યુમેન્ટ કે સરકારી કામમાં જરૂર પડે તો જ નવા આવેલા લોકો પોતાની જૂની મતદાર યાદીમાંથી નામ કમી કરાવે છે અને અહીં નામ ચડાવે છે. જેના કારણે વસતી વધુ છે પરંતુ મતદારો ઓછા છે. 

1973ઃ 69 ચોરસ કિ.મી.નું રાજકોટ હતું.
1998ઃ 34 ચોરસ કિલોમીટરનો વિસ્તાર મવડી, રૈયા, નાનામવા ગામ ભળ્યા. 
2015ઃ કોઠારિયા અને વાવડીનો 25 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ભળતા રાજકોટ 129 ચોરસ કિલોમીટરનું થયું.
2020ઃ 34.11 ચોરસ કિલોમીટરનો હવે વધારો થતાં 163.11 ચોરસ કિલોમીટર થયો
22 વર્ષમાં રાજકોટ 93 ચોરસ કિલોમીટર વધ્યો છે.

બે મહિના બાદ વિકાસની ગાડી પાટે ચડી શકશે
રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મોટા મોટા બિલ્ડિંગ બની જાય, લોકો ત્યાં રહેવા જતા રહે તો પણ ત્યાં રોડ, પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમીક સુવિધા પહોંચતી નથી. પરંતુ મનપામાં ભળ્યા બાદ ત્યાં વહેલી મોડી સુવિધા જરૂર મળે જ છે. જો કે લોકોને મિલકત વેરામાં મોટો વધારો થઇ જાય છે. રાજકોટમાં ચાર ગામ ભળ્યા તેથી શહેરમાં હાલ 18 વોર્ડ છે તેના બદલે હવે 20 વોર્ડ થઇ શકે છે. આગામી દોઢ બે માસ સાહિત્યની આપ લેની કામગીરી ચાલ્યા બાદ જ તંત્ર પાટે ચડશે. જ્યાં સુધી નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી સરપંચ તો રહે પરંતુ તેમની સત્તા સરકારના જાહેરનામાની સાથે જ જતી રહે છે. - બકુલ રૂપાણી, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર, મનપા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો