કાર્યવાહી:285 કિલો શંકાસ્પદ ઘીના જથ્થા સાથે ભેળસેળિયો વેપારી બીજીવાર ઝડપાયો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મવડી મેઈન રોડ, પરાબજાર બાદ કેવડાવાડીમાં પણ ‘વોલ્ગા ઘી’નું વેચાણ શરૂ થતા તવાઈ
  • દંડ પણ ભર્યો નથી અને અન્યના નામે પેઢી ચાલુ કરી ધંધો આદર્યો

રાજકોટ શહેરમાં ભેળસેળિયા ઘી માટે કુખ્યાત શખ્સનો 285 કિલો ઘીનો જથ્થો રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ સીઝ કર્યો છે. ફૂડ શાખાએ પરાબજારમાં સ્વામિનારાયણ શોપિંગ સેન્ટરમાં આવેલા વોલ્ગા કોર્પોરેશનમાં જઈ અલગ અલગ બ્રાન્ડના 285 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો છે. જેમાં ગ્રીનએવર પ્રીમિયમ ઘી, નયનદીપ ઘીનો સમાવેશ થાય છે. આ સ્થળે ભુવનેશ દીપકભાઈ ચંદ્રાણી નામના પેઢીના સંચાલક હાજર હતા અને નયનદીપ ઘી તેઓ પોતે બનાવતા હોવાનું બહાર આવ્યું હતું જ્યારે ગ્રીનએવર ઘી વલસાડથી આવ્યાનું જણાયું હતું. આ બંને ઘીના જથ્થાને સીઝ કરી સેમ્પલ લેવાયા છે.

આ જથ્થા સીઝ મામલે જાણવા મળ્યું હતું કે, વોલ્ગા ઘી અને ખાસ કરીને તેના સંચાલક દીપક ચંદ્રાણી ઘણા સમયથી ભેળસેળની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. દીપક ચંદ્રાણી વર્ષોથી ભેળસેળની પ્રવૃત્તિ કરી રહ્યાં છે અને છેલ્લા એક જ વર્ષમાં બે વખત પકડાયા છે તેમજ દંડ પણ થયો છે. આ અગાઉ પણ દંડ થયા છે છતાં એકપણ વખત દંડ ભર્યો નથી તેને બદલે તેઓ પોતાના પરિવારજનોના નામે પેઢી ચાલુ કરી દે છે.

આ પહેલા મવડી મેઈન રોડ પર ઉદયનગરમાં ઘીનો ડેપો કર્યો હતો. આ ઉપરાંત બે વખત કેવડાવાડી પર અને હવે પરાબજારમાં વેચાણ ચાલુ કરાયું છે. દરેક પેઢી અલગ અલગ નામની નોંધાયેલી છે. છ મહિના પહેલા જ ભેળસેળ ઘી મામલે કેસ ચાલી જતા વોલ્ગા ઘી સેન્ટરને 10,000નો દંડ ફટકારાયો હતો ત્યારે આ સેમ્પલ દેનાર તરીકે ચંદ્રાણી કેવલ નામ નોંધાવાયું હતું. જોકે આ દંડ પણ ભરાયો નથી.

સેક્શન 96નો ઉપયોગ કરી દંડ વસૂલવા કલેક્ટરને લખાશે પત્ર
વોલ્ગા ઘીના સંચાલકોએ એકપણ વખત દંડ ભર્યો નથી અને દંડ ભરવાથી કશું થશે નહિ તેમ માની લીધું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ મુજબ જો કોઇને ખોરાકમાં ભેળસેળ બદલ દંડ કરાયો હોય અને તે દંડ ભરે નહિ તો સેક્શન 96 મુજબ જે તે વહીવટી તંત્રને જાણ કરી મહેસૂલી રાહે વસૂલાત કરી શકાશે. જેથી આ કિસ્સામાં જિલ્લા કલેક્ટરને પત્ર લખી વોલ્ગા ઘી અને તેના સંચાલકોની મિલકતો પર સરકારી વસૂલાતનો શેરો મારવા માટે વિનંતી કરાશે. કલેક્ટર હુકમ કરશે તો શેરો મારેલી મિલકતોનું વેચાણ કરવું હોય તો પહેલા દંડ ભરીને પ્રમાણપત્ર લેવું ફરજિયાત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...