શહેરમાં મારામારીના બે બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં સંકટ સમયે મિત્રને મદદરૂપ થયેલા પ્રૌઢને માર ખાવાનો વખત આવ્યો હતો. બીજા બનાવમાં મજૂરીકામના પૈસાના મુદ્દે યુવાનને બે શખ્સે માર મારતા હોસ્પિટલ ખસેડાયો છે.પ્રથમ બનાવમાં રૈયા રોડ, ધ્રુવનગર-1માં રહેતા વિપુલભાઇ છબીલદાસ ધોળકિયા નામના પ્રૌઢને સમીર સમા અને અકરમ મેમણે લાકડીથી માર મારી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે. ગત રાતે પોતે ઘરે હતો ત્યારે મિત્ર સમીર સમા ઘરે આવ્યો હતો અને કામ છે આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે આવવાનું કહી જતો રહ્યો હતો.
બાદમાં પોતે જમીને અન્ડરબ્રિજ પાસે પહોંચતા ધર્મેશ પૈસા નથી આપતો, તુ મધ્યસ્થી થયો છો શું કરવાનું છે તેમ કહ્યું હતુ. જેથી પોતાને ચાર દિવસનો સમય આપો પોતે ધર્મેશ પાસેથી પૈસા લઇ આપી દેવાની વાત કરી હતી. જેથી બંને ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી લાકડીથી માર મારી નાસી ગયા હતા. મિત્ર ધર્મેશને નાણાની જરૂરિયાત હોય સમીર મિત્ર હોવાને કારણે પોતે મધ્યસ્થી બની ધર્મેશને પંદર દિવસ પહેલા રૂ.78 હજાર અપાવડાવ્યા હતા. તે પૈકી રૂ.30 હજાર ચાર દિવસ પહેલા આપ્યા હતા. બાકીના નાણાની ઉઘરાણી મુદે સમીર અને અકરમે માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં રૈયાધાર મફતિયાપરામાં રહેતા શેતાનસિંગ કેશરસિંગ રાવત નામના યુવાનને આ જ વિસ્તારના હરી ગુર્જર અને કમલેશ ભરવાડે પાઇપ, ધોકાથી માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અગાઉ આરોપી હરી સાથે કલરકામ કરવા જતો હતો. તે કામના મજૂરીના પૈસા લેવાના નીકળતા હોય તે મુદે હરી પાસે રૂપિયાની ઉઘરાણી કરતા હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પતિએ જુદા રહેવા જવાનું કહેતા પરિણીતાનો આપઘાત
લોધિકાના રાવકી ગામે જ્યોતિ ભરત બગડા નામની પરિણીતાએ ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાઇ લેતા તુરંત સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો. લોધિકા પોલીસની તપાસમાં જ્યોતિના અઢી વર્ષ પહેલા તેના સગા ફઇના દીકરા ભરત સાથે થયા હતા. પતિ ભરતે માતા-પિતાથી અલગ રહેવા જવાની વાત કરી હતી. પરંતુ જ્યોતિને અલગ થવું ન હોય પતિ ભરતને ના પાડી હતી. જે મુદે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેનું માઠું લાગતા પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.