શહેરમાં ચોરીના વધુ એક બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી લીધો છે. સત્યસાંઇ મેઇન રોડ પર આવેલા શ્રીજી કૃપા બંગ્લોઝમાં રહેતા કારખાનેદાર ભાવેશભાઇ નરશીભાઇ ખૂંટની પત્ની મીરાલીએ નોંધાવેલી ફરિયાદમાં, ગત શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે બંને બાળકોને લઇ ઘર પાસે આવેલા બગીચાએ લઇ ગયા હતા. આ સમયે ઘર લોક કર્યું ન હોય એક કલાક બાદ પરત ઘરે આવ્યા હતા. દરમિયાન મકાનના ઉપરના માળે રૂમમાં રહેલો કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો.
તપાસ કરતા રૂ.6.97 લાખની કિંમતના સોનાના ઘરેણાં ભરેલું પાઉચ ગાયબ હતું. જે અંગે પતિને વાત કર્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરી હતી. પીએસઆઇ એન.કે.પુરોહિત સહિતના સ્ટાફે ગુનો નોંધી મકાન આસપાસના સીસીટીવી કેમેરા તપાસવાની કામગીરી શરૂ કરી હતી.
જ્યાં બનાવ બન્યો તે મકાનમાંથી એક શખ્સ બહાર નીકળતો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે સતત 8થી 10 કલાક સુધી તબક્કાવાર 15 વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતા તસ્કરનું પગેરું સ્વામિનારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણનગર-8 સુધી પહોંચ્યું હતું. જેથી પોલીસે કેમેરામાં કેદ થયેલા શખ્સના વર્ણનના આધારે આ વિસ્તારમાં રહેતા બિપીન રાચ્છ નામના શખ્સને સકંજામાં લીધો હતો. શરૂઆતમાં મોં સીવી લેનાર પ્રૌઢે અંતે વટાણા વેરી પોતે ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પકડાયેલા પ્રૌઢની ચોરીની કબૂલાત બાદ પોલીસે તેની પાસેથી ચોરાઉ રૂપિયા 6.97 લાખની કિંમતના સોનાના ઘરેણાંનું પાઉચ કબજે કર્યું હતું. પોલીસે કૃષ્ણનગરના બિપીન રાચ્છની ધરપકડ કરી હતી. બાદમાં તેમની પૂછપરછ કરતા તે શ્રીજી કૃપા બંગ્લોઝમાં ભાડાનું મકાન શોધવા ગયો હતો. ત્યારે ઉપરોકત મકાન ખુલ્લું જોવા મળતા તે ઘરમાં પ્રવેશી ચોરી કરી હોવાની વાતનું રટણ રટ્યું હતું.
જોકે, પકડાયેલા પ્રૌઢની આવી વાત ગળે ઉતરતી ન હોય અને વધુ ચોરીમાં સંડોવાયો હોવાની શંકા હોય પોલીસે વધુ વિગતો બહાર લાવવા તેમજ અન્ય કોઇ ચોરીને અંજામ આપ્યો છે કે નહીં તે સહિતની તમામ બાબતે વિશેષ પૂછપરછ માટે બિપીન રાચ્છને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.