સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનને 75 વર્ષે પૂરા થતા મવડી કણકોટ રોડ પર તારીખ 22થી 26 સહજાનંદનગરમાં અમૃત મહોત્સવ યોજાનાર છે. મહોત્સવના દિવસોમાં ગુરુકુળ ખાતે દરરોજ 108 વાનગીનો અન્નકૂટ ધરાવાશે. વિદ્વાન ભૂદેવોના મુખેથી વેદના મંત્રો ગૂંજતા રહેશે. હજારો લેમ્પની રોશનીથી સમગ્ર ગુરુકુળ સંકુલ શોભી ઊઠશે. પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સમગ્ર મહોત્સવ 450 વીઘાથી વધુ જગ્યામાં થશે.
જેમાં સભાખંડ, યજ્ઞશાળા, ભોજનશાળા, પ્રદર્શન, બાળ આનંદ મેળો, પાર્કિંગ વગેરેનો સમાવેશ થાય છે. સત્સંગ સભા માટે 850 x 300 ફૂટનો સમિયાણો અને 3000 ફૂટનું સ્ટેજ નિર્માણાધીન છે. એક સાથે 25000 ખુરશી મૂકવામાં આવશે . જરૂરિયાત મુજબ સમિયાણાનું વિસ્તરણ કરી બેઠક વ્યવસ્થા વધારી શકાય તેવી જોગવાઈ રાખવામાં આવી છે. મંચ પરનો કાર્યક્રમ સરળતાથી જોઈ શકાય તે માટે 14 x 24 ફૂટના 10 એલઈડી પડદા રાખવામાં આવશે. દરરોજ બપોરે અને સાંજે એક એક લાખ માણસ ભોજન લઈ શકે તેવી વિશાળ ભોજનશાળા તૈયાર થઈ રહી છે.
સહજાનંદનગરના મુખ્ય આકર્ષણ સમાન મુખ્ય પ્રવેશદ્વારનું સ્વરૂપ હિમાલય જેવું રહેશે. તે ફાઇબર અને પી.ઓ.પી.થી તૈયાર થાય છે. તેની પહોળાઈ 175 ફૂટ અને ઊંચાઈ 75 ફૂટની રહેશે. તારીખ 10 ડિસેમ્બરથી મુખ્ય પ્રવેશદ્વારની સામેના મેદાનમાં જ્ઞાન-વિજ્ઞાનની અજાયબી સમાન પ્રદર્શનનો પ્રારંભ થશે. હાલ સ્થળ પર 30 સંતની રાહબરીમાં બંગાળ અને અન્ય પ્રાંતના 300 કારીગર અને 800 સ્વયંસેવકો સેવા આપી રહ્યાં છે. મહોત્સવના દિવસ તારીખ 22થી 26 ડિસેમ્બર દરમિયાન 8000 સ્વયંસેવક ભાઈઓ તથા બહેનો ખડેપગે રહેશે.
મહોત્સવ સ્થળ આસપાસ 5000 ફોર વ્હિલર અને 10,000થી વધુ ટુ વ્હિલર્સ તથા અન્ય નાના મોટા વાહનો રાખી શકાય તેવો પાર્કિંગ પ્રબંધ કરવામાં આવશે. સ્થળ પર શૌચાલય, પ્રાથમિક સારવાર સહિતની જરૂરી વ્યવસ્થા રાખવામાં આવશે. ઘનશ્યામ મહારાજની 4000 કિલો વજનની આરસપહાણની પ્રતિમા તૈયાર થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.