હાઈટેક રંગોળી:રાજકોટમાં રંગોળીના સ્પર્ધકની કમાલ, સૌપ્રથમ વખત QR કોડવાળી રંગોળી બનાવી, સ્કેન કરતા વેક્સિનનેશનની સાઇટ ખુલશે

રાજકોટ24 દિવસ પહેલા
  • રંગોળીમાં ઝીણવટપૂર્વક QR કોડ બનાવી નિયતી હિરપરા તેમજ ટ્વીશા શર્માએ કમાલ કરી
  • અન્ય સ્પર્ધકો પણ પોતાની રંગોળી સાથે તેનો ક્યુઆર કોડ બનાવવાનો પ્રયાસ કરવામાં લાગી ગયા

રાજકોટમાં રેસકોર્સ ખાતે મહાનગરપાલિકા આયોજિત રંગોળી સ્પર્ધા ચાલી રહી છે. જેમાં અનેક સ્પર્ધકોએ રંગબેરંગી રંગોળી બનાવી વાતાવરણ રંગીન કરી દીધું છે. તેમાં નિયતી હિરપરા અને ટ્વીશા શર્મા નામની સ્પર્ધકોએ તો વેક્સિનેશન સાઈટના QR કોડનો રંગોળીમાં સમાવેશ કરી દીધો છે. એટલું જ નહીં આ QR કોડ એટલો પરફેક્ટ બન્યો છે કે તેને સ્કેન કરતાની સાથે જ વેક્સિનનેશનની વેબસાઈટ ઓપન થાય છે. સ્પર્ધકની કમાલ જોઈને અન્ય સ્પર્ધકો પણ પોતાની રંગોળી સાથે તેનો OR કોડ બનાવવાનો પ્રયાસ કરવામાં લાગી ગયા છે.

રંગોળી બનાવનાર ટ્વીશા શર્મા ( ડાબી તરફ) અને નિયતી હિરપરા ( જમણી તરફ)
રંગોળી બનાવનાર ટ્વીશા શર્મા ( ડાબી તરફ) અને નિયતી હિરપરા ( જમણી તરફ)

વેક્સિન માટે રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે
આ અંગે નિયતી હિરપરા અને ટ્વીશા શર્માએ જણાવ્યું હતું કે, તેને રંગોળી સાથે જ વેક્સિનની સાઇટનો QR કોડ બનાવવાનો વિચાર ગઈકાલે જ આવ્યો હતો. રંગોળી બન્યા બાદ આ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે QR કોડમાં ઘણી ઝીણવટભરી બાબતો ધ્યાનમાં લેવાની હોવાથી ભારે મહેનત કરવી પડી હતી. ઘણીવાર પ્રયાસ કર્યા બાદ અંતે આબેહૂબ QR કોડ બનાવવામાં સફળતા મળી છે. જેને લઈને QR કોડ સ્કેન કરતાની સાથે મનપાની વેક્સિન માટેની સાઇટ ઓપન થાય છે. લોકો આ કોડ સ્કેન કરીને જ વેક્સિન માટે રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. આ માટે અચલ અને સ્પર્શ શર્માએ પોતાને ઘણી મદદ કરી હોવાનું પણ બંનેએ જણાવ્યું છે.

QR કોડ સ્કેન કરતા જ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરી શકાશે
QR કોડ સ્કેન કરતા જ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરી શકાશે

લોકો ક્યુઆર કોડ સ્કેન કરી રંગોળીને વોટ આપશે
ઉલ્લેખનીય છે કે, આ રંગોળી સ્પર્ધા સામાન્ય રીતે યોજાતી રહેતી રંગોળી સ્પર્ધાથી કંઇક વિશેષ છે. કદાચ પ્રથમ વખત રાજકોટમાં આ નવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં દોરવામાં આવેલી રંગોળીઓમાંથી કઈ રંગોળી શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે કોઈ નિષ્ણાંત કે જજને રોકવામાં આવશે નહી. શ્રેષ્ઠ રંગોળી લોકો જાતે જ નક્કી કરી શકશે. લોકોએ તેમને જે રંગોળી ગમે તેને વોટિંગ કરવાનું રહેશે. લોકો QR કોડ સ્કેન કરી અથવા રાજકોટ મહાનગરપાલિકાની એપમાં પસંદગીની રંગોળી સિલેક્ટ કરે અથવા વેબસાઈટ પર જઈને તેમાં પોતાને ગમતી રંગોળી પસંદ કરી શકશે.

આ રીતે વોટિંગ કરી શકાશે
મનપાની એપ્લિકેશન અથવા તો વેબસાઈટ પર આવતીકાલે સાંજથી ‘વોટ ફોર રંગોલી’ નું પોપઅપ આવશે જેના પર ટેપ કરતા બે રીતે QR કોડ સ્કેન કરી અથવા તો સ્પર્ધકનો નંબર નાખીને વોટ આપી શકાશે. દરેક સ્પર્ધક માટે રેલિંગ અને બેરિકેડ પર લગાવવા માટે QR કોડ બનાવાઈ રહ્યા છે. જો કોઇ વ્યક્તિ પાસે QR કોડ સ્કેન કરવાની બીજી કોઇ એપ છે તો તેના વડે કોડ સ્કેન કરતા મનપાની વેબસાઈટ ખૂલશે જેમાં તેણે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ઓટીપીથી રજિસ્ટ્રેશન કર્યા બાદ મત ગણાશે. દરેક વ્યક્તિ વ્યક્તિગત અને ગ્રૂપ એમ બે વિભાગમાં એક એક મત આપી શકશે. બે દિવસ સુધીનો સમય રંગોળી બનાવવા માટે અપાશે. બુધવારે સાંજે 4 વાગ્યા બાદથી સામાન્ય લોકો માટે પ્રદર્શન ખુલ્લું મુકાશે જે 5 તારીખ સુધી ચાલશે.

સ્વચ્છ ભારતની થીમ પર રંગોળી.
સ્વચ્છ ભારતની થીમ પર રંગોળી.

રંગોળી બનાવવા માટે ત્રણ થીમ આપવામાં આવી
1. આઝાદીનો અમૃત મહોત્સવ- મેરે સાપનો કા ભારત
2. સ્વચ્છ ભારત મિશન- એક જનઆંદોલન
3. વેક્સિનેશન મહાભિયાન- જન સમુદાયનું સુરક્ષા કવચ

અહીં ઓનલાઇન અને ઓફલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે
પ્રિ-રજિસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ rmc.gov.in પર અથવા ફોન નંબર 0281-2220600 ઉપર અથવા રૂબરૂ સિવિક સેન્ટર ખાતે સંપર્ક કરી શકાશે. રજિસ્ટ્રેશન ફી માટે વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે રૂ.50 અને ગ્રુપનાં રજિસ્ટ્રેશન માટે રૂ.100 એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે.

કોરોનાની થીમ પર રંગોળી બનાવવામાં આવી
કોરોનાની થીમ પર રંગોળી બનાવવામાં આવી

વિજેતા કૃતિઓ માટેનાં પુરસ્કાર

વ્યક્તિગત સ્પર્ધક કેટેગરીગ્રુપ સ્પર્ધક કેટેગરી
પ્રથમ ઇનામ-રૂ. 21,000પ્રથમ ઇનામ- રૂ.31,000
બીજું ઇનામ- રૂ.15,000બીજું ઇનામ- રૂ.25,000
ત્રીજું ઇનામ- રૂ.11,000ત્રીજું ઇનામ- રૂ.21,000
ચોથું ઇનામ- રૂ.5100ચોથું ઇનામ- રૂ.15,000
પાંચમું ઇનામ- રૂ.3100પાંચમું ઇનામ- રૂ.11,000

પ્રોત્સાહન પુરસ્કાર: રંગોળી સ્પર્ધામાં પ્રોત્સાહન પુરસ્કાર પણ આપવામાં આવશે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં 40 આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ 25 ગ્રુપને બબ્બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

હેલ્પ ડેસ્ક: સ્પર્ધકોને મદદરૂપ થવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર જુદા જુદા સ્થળોએ આવશ્યકતા અનુસાર હેલ્પ ડેસ્ક પણ કાર્યરત્ત રહેશે.

કોફી ટેબલ બૂક: આ રંગોળી સ્પર્ધાનાં આયોજન બાદ એક સમગ્રલક્ષી અહેવાલ અને આકર્ષક રંગોળીની તસવીરો સાથેની એક કોફી ટેબલ બૂક બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં કલાકારોના પરિચય અને તેઓની કલા કૃતિઓ પ્રદર્શિત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રંગોળી.
આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રંગોળી.

સ્પર્ધા માટેના સૂચિત ટાઈટલ
1. કલા અને સંસ્કૃતિના રંગ; "રંગીલા રાજકોટ"ને સંગ
2. રાજકોટના રંગ, કલાને સંગ
3. સિટી ઓફ કલર્સ એન્ડ આર્ટસ
4. કલર્સ ઓફ રંગીલું રાજકોટ
5. રંગોથી ચમકશે રંગીલું રાજકોટ
6. રાજકોટનાં વિવિધ રંગ; દીપાવલી અને નવા વર્ષને સંગ

અન્ય સમાચારો પણ છે...