તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કાયદામાં અરજી લેવાની જોગવાઇ નથી છતાં પોલીસ પાસે અરજીના ઢગલા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને કૉગ્નિઝેબલ ગુનો બનતો ન જણાતો હોય તો અરજી લઇ ઇન્કવાયરી કરી શકે, પરંતુ 7 દી’થી વધુ સમય થાય તો જનરલ ડાયરીમાં નોંધ કરવી પડે
  • સોની વેપારી સાથે 26 લાખની થયેલી છેતરપિંડીમાં અઢી અઢી મહિના સુધી અરજી રાખી ફરિયાદીને ધક્કા ખવડાનાર પોલીસનું ગુનાહિત કૃત્ય

રાજકોટ શહેરમાં ગુનાખોરીનો આંક ઓછો બતાવવા માટે પોલીસ કમિશનરે નવી નીતિ અમલી બનાવી છે ચોરી, છેતરપિંડી જેવા ગુનામાં ફરિયાદ નોંધવાને બદલે અરજી લેવામાં આવે છે અને ગુનેગાર પકડાઇ નહીં ત્યાં સુધી ગુના નોંધવામાં આવતા નથી, આ બાબતની તાજેતરમાં કોર્ટે પણ ગંભીર નોંધ લઇને ગુનો નોંધવાનો આદેશ કરતાં પોલીસે 26 લાખની છેતરપિંડીનો ગુનો નોંધવો પડ્યો હતો.

અરજી લેવાની પોલીસ કમિશનરની નીતિ અંગે કાયદા નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે, બંધારણમાં અરજી લેવાની કોઇ જોગવાઇ જ નથી, ફરિયાદી ફરિયાદ નોંધાવવા આવે ત્યારે સીઆરપીસી કલમ-154 મુજબ પોલીસે ફરજિયાતપણે ફરિયાદ નોંધવી જ પડે, ફરિયાદની હકીકત જોતા પોલીસને કૉગ્નિઝેબલ ગુનો બનતો ન જણાતો હોય તો પ્રિલિમરી ઇન્કવાયરી કરી શકાય પરંતુ તે પ્રિલિમરી ઇન્કવાયરી ફરિયાદ મળ્યાના સાત દિવસમાં પૂરી કરવાની હોય છે અને સાત દિવસથી વધુ સમય થાય તો તેની નોંધ જનરલ ડાયરીમાં કરવી ફરજિયાત છે.

બે બંગાળી કારીગર રૂ.26 લાખના સોનાનો ઢાળિયો દાગીના બનાવવા માટે લઇ ગયા બાદ બંને રફુચક્કર થઇ ગયા હતા, રાજેન્દ્રભાઇ ઘટનાના દિવસે જ ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી.અંતે રાજેન્દ્રભાઇએ કોર્ટનું શરણું લીધું હતું અને કોર્ટે આદેશ કરતાં પોલીસે અઢી મહિના બાદ ગુનો નોંધવો પડ્યો હતો. પોલીસે ફરિયાદ નહીં નોંધી ગુનાહિત કૃત્ય આચર્યું હતું અને આ માટે પોલીસ કમિશનરની નવી નીતિ કારણભૂત હોવાનો મત કાયદા નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.

સુરતના જજે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને કહ્યું હતું કે, કૉગ્નિઝેબલ ગુનામાં પોલીસ ઓફિસર ગુનો રજિસ્ટર ન કરે તો તેવા પોલીસ અધિકારી વિરુદ્ધ પગલાં ભરવા
રાજકોટ :
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં જયદીપભાઇ નથવાણીએ 28 સપ્ટેમ્બર 2020ના છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી, સરથાણા પોલીસમથકના પીઆઇ પટેલે ફરિયાદ લેવાને બદલે અરજી લીધી હતી આ અંગે જયદીપભાઇએ કોર્ટનું શરણું લીધું હતું, આ મામલામાં સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલને જવાબદાર ઠેરવી તેની સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.

આ હુકમમાં મેજિસ્ટ્રેટે સુપ્રીમ કોર્ટના લલિતાકુમારીના જજમેન્ટને ટાંકીને લખ્યું હતું કે, જ્યારે પણ કૉગ્નિઝેબલ ગુનાની ફરિયાદ કરવામાં આવેલ હોય તે સંજોગોમાં સીઆરપીસી કલમ 154 મુજબ એફઆઇઆર નોંધવી ફરજિયાત છે અને પ્રિલિમરી ઇન્કવાયરી કરવી એ ગ્રાહ્ય રાખી શકાય નહીં, તેમજ ફરિયાદ હકીકત જોતા કૉગ્નિઝેબલ ગુનો બનતો ન જણાય તો પ્રિલિમરી ઇન્કવાયરી કરી શકાય છે પરંતુ તે પ્રિલિમરી ઇન્કવાયરી કૉગ્નિઝેબલ ગુનો બને છે કે નથી બનતો તેટલા પૂરતી હોવી જોઇએ, તેમજ પ્રિલિમરી ઇન્કવાયરી ફરિયાદ મળ્યાના સાત દિવસમાં કરવાની હોય છે.

અને જો પ્રિલિમરી ઇન્કવાયરી સાત દિવસથી વધુ સમય થાય તો તેની નોંધ જનરલ ડાયરીમાં કરવાની હોય છે, તેમજ પ્રિલિમરી ઇન્કવાયરીની નોંધ સ્ટેશન ડાયરીમાં કરવી ફરજિયાત છે તેમજ જો કૉગ્નિઝેબલ ગુનામાં પોલીસ ઓફિસર ગુનો રજિસ્ટર ન કરે તો તેવા પોલીસ અધિકારી વિરુદ્ધ પગલાં ભરવા નિર્દેશ કરેલ છે.

પ્રાથમિક તપાસ માટે અરજી લઇએ છીએ, પરંતુ તેવી કોઇ જોગવાઇ નથી: પીઆઇ જોષી
સોની વેપારી સાથે રૂ.26 લાખની થયેલી છેતરપિંડીના કેસમાં કોર્ટના આદેશ બાદ અઢી મહિને ગુનો નોંધનાર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સી.જી.જોષીને ‘દિવ્ય ભાસ્કરે’ અરજી અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે, અરજી અંગે કાયદામાં કોઇ જોગવાઇ નથી, પરંતુ પ્રાથમિક તપાસ માટે અરજી લેતા હોઇએ છીએ, આવી અરજીનો કેટલા દિવસમાં નિકાલ કરવો જોઇએ?, તેનો કેટલો સમયગાળો છે? એવા પ્રશ્નનો પીઆઇ જોષી જવાબ આપી શક્યા નહોતા.

શહેરની સોનીબજારમાં અગાઉ અનેક કારીગરો વેપારીનું સોનું લઇને પલાયન થઇ ગયા છે અને આવી અનેક અરજીઓ હાલ પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાય રહી છે, વેપારીઓ ફરિયાદ માટે ધક્કા ખાય છે પરંતુ પોલીસ અરજીની તપાસ ચાલુ છે તેવો જવાબ આપી કિંમતી મુદ્દામાલ ગુમાવનાર વ્યક્તિને રવાના કરી દે છે.

બંધારણમાં અરજીની જોગવાઇ જ નથી: વોરા
રાજકોટ જિલ્લા સરકારી વકીલ સંજય કે. વોરાએ જણાવ્યું હતું કે, અરજીએ પ્રથમ બાતમી જ કહેવાય, ગુનો નોંધવામાં આવે ત્યારે તેને ફરિયાદ જ ગણવામાં આવે છે, કૉગ્નિઝેબલ ગુનામાં પોલીસ પ્રાથમિક તપાસ માટે અરજી લઇ શકે પરંતુ આ અરજીની તપાસ એક કલાક, છ કલાક કે વધુમાં વધુ સાત દિવસમાં નિકાલ કરવો પડે, અરજી અંગે આઇપીસી, સીઆરપીસી, જીપીએક્ટ કે બંધારણમાં કોઇ ઉલ્લેખ નથી, પોલીસ પોતાની અનુકૂળતા માટે અરજી લે છે પરંતુ તેનો વધુમાં વધુ છ દિવસમાં નિર્ણય લેવો ફરજિયાત છે, ચોરી અને ચીલઝડપ જેવા ગુનામાં તો ફરિયાદી આવે ત્યારે જ ફરિયાદ લઇ લેવી ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...