તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્રએ જ માતા-પિતા પર કેસ કર્યો:પિતાએ પ્લોટ વેચી શો-રૂમ બનાવી દીધા છતાં પુત્રોએ પિતા પર કર્યો કેસ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રો એલફેલ બોલ્યા છતાં માતાએ સમાધાન કરાવ્યું
  • માતાની જમીન પિતાના નામે ટ્રાન્સફર કરવા સામે પુત્રોએ વાંધો લીધો

જમીનની કિંમત જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેને મેળવવા માટે સગાં સંબંધીઓ વચ્ચે દીવાનીથી માંડી ફોજદારી કેસ થતા હોય છે. પણ, રાજકોટમાં બે પુત્રોએ જ માતા-પિતા પર કેસ કર્યાનું બહાર આવ્યું છે. ગ્રામ્ય પ્રાંત અધિકારી કચેરીમાં માતાના નામની જમીન પિતાના નામે ટ્રાન્સફર કરવાના દસ્તાવેજમાં પુત્રોએ વાંધાઅરજી કરી કેસ દાખલ કરી કર્યો હતો.

જેને કારણે એક જ ઘરમાં રહેતા પિતા-પુત્ર કચેરીમાં સામસામા જોવા મળ્યા હતા. કચેરીમાં પુત્રો અને પિતા વચ્ચે બોલાચાલી થતા માતાએ સમાધાનકારી ભૂમિકા ભજવી હતી. જમીન પુત્રોને જ આપશે તેવી હૈયાધારણા માતાએ આપી હતી પણ પુત્રો ગેરંટી માગી રહ્યા હતા. કર્મચારીઓ સમગ્ર વાત સાંભળતા હતા પણ આ શબ્દો સાંભળતાં જ પુત્રોને ઠપકો આપ્યો હતો. કેસ ચાલી જતા પ્રાંત અધિકારીએ પણ પુત્રોને ભાન કરાવ્યું હતું તેથી બંને દીકરા રડવા લાગ્યા અને પિતાની માફી માગી હતી.

કરોડોની મિલકત આપી પણ છેલ્લા 12 વર્ષમાં પુત્રએ પાણીનો ગ્લાસ ભરીને આપ્યો નથી
રાજકોટના પડધરી તાલુકાના રમેશભાઈ અને તેમના પત્ની નિર્મળાબેન પર તેમના જ પુત્રો જયેશ અને મહેશે કેસ કર્યો હતો. કચેરીની બહાર બોલાચાલી થઈ અને નિર્મળાબેને પુત્રોને સમજાવી બધી જમીન સહિયારી નામે કરવા કહ્યું. પુત્રોને જમીન મળશે તેવી ખરાઈ થતા નિર્મળાબેન બંનેને લઈને પ્રાંત અધિકારી પાસે ગયા હતા અને હવે સમાધાન થઈ ગયું તેમ કહી અરજી પાછી ખેંચવા વિનંતી કરી હતી. પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ તમામ પક્ષકારોને બોલાવ્યા હતા અને સહી થતી હતી તેવામાં રમેશભાઈ અસ્વસ્થ મુદ્રામાં હતા.

અધિકારીએ સાંત્વના આપતા રમેશભાઈ રડવા લાગ્યા હતા અને કહ્યું કે, ‘સાહેબ કરોડો રૂપિયાની 14-14 વીઘા જમીન દીકરાઓના નામે કરી દીધી. બંનેને શો-રૂમ કરી દીધા 4 મકાન લઈ દીધા અને તે માટે સાધુવાસવાણી રોડ પરનો પ્લોટ વેચી દીધો હતો. જ્યારથી મારું બધું દીકરાઓને આપી દીધું ત્યારથી મને બોલાવતા નથી, બે દીકરીઓ છે તેનું મોઢું પણ જોતા નથી. 12 વર્ષ થયા એક જ ઘરમાં ઉપર-નીચે રહીએ છીએ છતાં પાણી પણ પાયું નથી. મોટો દીકરો તેનાથી પણ સવાયો મારી પાસે મારી જ જમીનમાં ખેતી કરાવે છે અને ઉપજના પૈસા ચેકથી પોતાના ખાતામાં નાખી દે છે.

માત્ર મારી પત્નીના નામે 10 વીઘા જમીન રાખી હતી તે મારા નામે કરી તો તેમાં પણ કેસ કર્યો.’ રમેશભાઈ આટલું કહી રડવા લાગ્યા જે જોઈ તેમના પત્ની અને પુત્રી પણ રડ્યા. ઘટના સાંભળી પ્રાંત અધિકારી પણ દુ:ખી થયા હતા અને પુત્રોને ખૂબ ઠપકો આપી રમેશભાઇને એક કાગળ લખે તો પુત્રોના નામે કરેલી તમામ જમીન પાછી અપાવી દઈ તમામ સહયોગ આપવાનું કહ્યું હતું.

ત્યારબાદ પુત્રોને કહ્યું કે, ‘આજે તમે જે તમારા પિતા સાથે કર્યું એવું તમારા સંતાનો પણ તમારી સાથે કરે તો?’ આ સાંભળી બંને પુત્રો રડવા લાગ્યા અને પિતાના પગે પડી માફી માગી લીધી હતી અને હવે દુ:ખી નહિ કરે તેવું વચન આપી તમામ મિલકતો ફરીથી પિતાના નામે કરવા કહ્યું હતું. જોકે રમેશભાઈએ મિલકત પરત લેવાની ના પાડી દીધી હતી. (પરિવારના તમામ સભ્યોના નામ બદલાવેલ છે)

અન્ય સમાચારો પણ છે...