કોરોનાની બીજી લહેરનો સત્તાવાર રીતે અંત આવ્યો છે અને હવે કેસ તેમજ મૃત્યુ લગભગ ‘0’ થઇ જવા પામ્યા છે તેની સાથે સાથે બીજી ઘાતક લહેર પૂરી થતા તંત્ર પણ સંભવિત ત્રીજી લહેર પગલે એલર્ટ બની ગયું છે. ત્રીજી લહેર આવવાની શક્યતા જોતા રાજકોટ મનપા તંત્ર , સિવિલ હોસ્પિટલ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં ત્વરિત પગલાં લઇ કામ કરી રહ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ 600 બેડ વધારી કુલ 1440 બેડ તૈયાર કરાયા છે. 1440માંથી 240 બેડ ICU માટે તૈયાર કરાયા છે. કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યારથી જ ઓક્સિજન સપ્લાય સાથે સાથે પુરતા બેડની સુવિધા માટે બેડની સંખ્યામાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.
સિવિલમાં પહેલા 840 બેડ તૈયાર કરાયા હતા
સિવિલ અધિક્ષક આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બીજી લહેર દરમિયાન જે પ્રકારે સિવિલ સહિતની સરકારી હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈનના દ્રશ્યો સર્જાયા હતા તેવા દ્રશ્યો ત્રીજી લહેર દરમિયાન ન સર્જાય તે માટે સિવિલ હોસ્પિટલમાં 600 બેડ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં સિવિલમાં 840 બેડ હતા જેમાં 600નો વધારો કરી 1440 બેડ કરવામાં આવશે. 1440 બેડ પૈકી 240 ICU બેડ રખાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સિવિલમાં 220 જ ICU બેડની ક્ષમતા હતી જેમાં નવા 20 બેડ ઉમેરવા નિર્ણય કરાયો છે.
સમરસ હોસ્ટેલમાં 1200 બેડ તૈયાર કરાશે
બીજી તરફ સમરસ હોસ્ટેલ ખાતે 756 બેડની વ્યવસ્થા છે. જેમાં 444 બેડનો વધારો કરીને 1200 બેડની ક્ષમતા કરવામાં આવશે. આ સાથે જ અહીં 30 બેડનું ICU યુનિટ પણ ઉભું કરાશે. જેથી દર્દીઓને રઝળપાટ ન થાય. અહીં પહેલાં એક પણ ICU બેડ નહોતું પરંતુ હવે તે ઉપલબ્ધ કરાવવા નિર્ણય કરાયો છે. જ્યારે કેન્સર હોસ્પિટલમાં પહેલાં 25 ICU બેડનું યુનિટ હતું જેમાં 35 બેડનો વધારો કરીને અહીં 60 ICU બેડ તૈયાર કરવા નિર્ણય કરાયો છે.
પીડિયાટ્રિક વોર્ડમાં 200 બેડ તૈયાર કરવામાં આવશે
ત્રીજી લહેરમાં બાળકો વધુ સંખ્યામાં સંક્રમિત થવાની ભીતિ સેવા રહી હોવાને પગલે પીડિયાટ્રિક વોર્ડમાં 200 બેડ તૈયાર કરવામાં આવશે. બીજી લહેર વખતે અહીં માત્ર 15 બેડની જ વ્યવસ્થા હતી. જેમાં 185 બેડનો વધારો કરવામાં આવ્યો છે. બેડ વધારવાની તમામ કવાયત આગામી એકથી બે સપ્તાહ સુધીમાં પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક તંત્ર સેવી રહ્યું છે અને તેને હાંસલ કરવા માટે તૈયારી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
સિવિલના સ્ટાફને ICU વોર્ડની કામગીરીની તાલીમ અપાશે
આ સાથે મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલમાં વર્ગ-1 થી 4 સુધીના તમામ સ્ટાફને ICU વોર્ડમાં કામ કરવાની ઝીણવટ ભરી તાલીમ આપવામાં આવશે. આ ટ્રેનિંગમાં એક દિવસની થિયરી ટ્રેનિંગ મતલબ કે લેક્ચર અને છ દિવસ માટે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આ તાલીમની અંદર ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ સહિતના તમામનો સમાવેશ થાય છે તે તમામને ICUની ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર વખતે અફડાતફડીનો માહોલ સર્જા/ નહીં અને સ્ટાફ દ્વારા દર્દીઓને સારી રીતે સારવાર આપી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.