ફરિયાદ:પેપર ચેકિંગમાં ભૂલ કરનાર પ્રોફેસર સામે પણ પગલાં લો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્ર યુવા સંઘર્ષ સમિતિની રજિસ્ટ્રારને ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ વિદ્યાર્થીઓની પરીક્ષા, પરિણામમાં વિલંબ, પુનઃમૂલ્યાંકન, પેપર ચેકિંગ, પૂરક પરીક્ષા સહિતના જુદા જુદા મુદ્દે રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં જણાવાયું છે કે, પરીક્ષામાં વિદ્યાર્થી કોઈ ભૂલ કરે કે ગેરરીતિ કરે તો તેને કડક સજા ફટકારવામાં આવે છે પરંતુ કોઈ પેપર ચેક કરનાર અધ્યાપક પેપર જોવામાં કોઈ ભૂલ કરે અને તેના લીધે વિદ્યાર્થીને અન્યાય થાય તો તેની સામે આજ સુધી પગલાં લેવાયા નથી તેથી તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.

પુનઃમૂલ્યાંકનનું પરિણામ પણ 7 થી 10 દિવસમાં જાહેર કરાય. પુન: મૂલ્યાંકનમાં વિદ્યાર્થીના માર્ક વધે, ત્યારે તેને ભરેલ ફી પરત આપવી. પૂરક પરીક્ષાના વિષયના પેપરનું પુન: મૂલ્યાંકન કરી આપવામાં આવતું નથી. તેથી પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પણ તેની પાસે યોગ્ય ફી લઈને પુન: મૂલ્યાંકન કરી આપવામાં આવે.

હાલ ચોમાસું ચાલી રહ્યું હોય, ત્યારે આ સમય દરમિયાન લેવાતી પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ બહારગામથી અપ-ડાઉન કરતા હોય છે, ત્યારે જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની કેન્દ્ર પર વરસાદને લીધે મોડા પહોંચે, ત્યારે તેમને પરીક્ષા આપવા દેવામાં આવે, યુનિવર્સિટીની પરીક્ષામાં અમુક જગ્યાએ એક બેંચમાં ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા દેખાયા હતા, ક્યાંક સુપરવાઇઝર કે યુનિ.ની સ્કવોડમાંથી કોઇ પણ ક્લાસમાં હાજર ન હતા અને અમુક કોલેજના સીસીટીવીમાં ધૂંધળું દેખાતું હતું. આવા દરેક મુદ્દા ઉપર યોગ્ય નિર્ણય લેવામાં આવે અને આ નિર્ણય અંગે તાત્કાલિક ધોરણે પરિપત્ર બહાર પાડવામાં આવે. અન્યથા આગામી દિવસોમાં વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...