રાજકોટ-મોરબી હાઇવે પર કાગદડી ગામ પાસે ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 1 જૂનના રોજ ઝેરી ટીકડા ખાઇ આપઘાત કર્યો હતો. બાદમાં આશ્રમના જ ટ્રસ્ટીએ પોલીસ ફરિયાદ કરતા મુખ્ય આરોપી હિતેષ જાદવ, અલ્પેશ સોલંકી અને રાજકોટનો વિક્રમ સોહલા જયરામદાસ બાપુને માનસિક ત્રાસ આપી મજબૂર કર્યાનું ખુલ્યું હતું. એક વર્ષથી ફરાર હિતેશ અને અલ્પેશની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. તેમજ આઠ દિવસ પહેલા વિક્રમ સોહલાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આપઘાતના આગલા દિવસે એટલે કે 31 મેના રોજ અલ્પેશ અને વિક્રમે જયરામદાસ બાપુને લાકડીથી માર માર્યો હતો.
વિક્રમ સોહલાને પોલીસે ચોટીલાથી ઝડપ્યો હતો
રાજકોટના પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર ઝોન-1ના પ્રવિણકુમાર મીણા અને નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના મુજબ આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આરોપીઓની ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે અને બાતમીદારોના આધારે શોધખોળ ચાલુ હતી. ત્યારે આઠ દિવસ પહેલા PI બી.એમ. ઝણકાટને વિશ્વાસુ બાતમીદાર થકી હકિકત મળી હતી કે, વિક્રમ સોહલા બસમાં ચોટીલા ઉતરનાર છે. આથી આ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક ચોટીલા વોચમાં મોકલી હતી. વોચ દરમિયાન ચોટીલા બસમાંથી ઉતરતા વિક્રમ સોહલાને વેરિફાઇ અને રાઉન્ડઅપ કરી કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો.
શું હતો સમગ્ર બનાવ?
જયરામદાસ બાપુના આપઘાત કેસમાં વિક્રમ સોહલા, હિતેષ જાદવ અને અલ્પેશ સોલંકી વિરૂદ્ધ IPC કલમ 306, 465, 477, 120(બી), 201,114 મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં આરોપી હિતેષ જાદવ અને અલ્પેશ સોલંકીએ જયરામદાસ બાપુને અવારનવાર માનસિક ત્રાસ ગુજાર્યાનું ખુલ્યું છે. આરોપીઓ દ્વારા જયરામદાસ બાપુનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લીપ વાઇરલ કરવાની ધમકી આપી આરોપીઓ જયરામદાસ બાપુ પાસેથી આર્થિક લાભ પણ મેળવતા હતા. જેમા વિક્રમ સોહલાનો પુરેપુરો સપોર્ટ હતો.
જયરામદાસ બાપુને આપઘાત કરવા મજબૂર કર્યા
વિક્રમ સોહલાએ પણ જયરામદાસ બાપુ પર ત્રાસ ગુજાર્યો હતો. 31 મે 2021ના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં આરોપી વકીલ રક્ષિત કલોલા અને વિક્રમ સોહલા આશ્રમ આવ્યા હતા. ત્યારે વિક્રમ સોહલાએ જયરામદાસ બાપુને લાકડીથી માર માર્યો હતો. આમ જયરામદાસ બાપુ પર આરોપીઓએ ત્રાસ આપવાનું શરૂ રાખ્યું હતું. આથી જયરામદાસ બાપુએ અલ્પેશ સોલંકી, હિતેશ જાદવ અને વિક્રમ સોહલાનાં ત્રાસના કારણે કંટાળી જઈ ત્રણેય વિરૂદ્ધની સુસાઇડનોટ લખી આશ્રમના રૂમમાં ઝેરી દવાનાં ટીકડા ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. આ ત્રણેય આરોપીઓની દુષ્પ્રેરણાના કારણે આપઘાત કર્યો હતો.
ત્રણેય આરોપીએ ગુનાથી બચવા વકીલ અને ડોક્ટરની મદદ લીધી
ત્રણેય આરોપીઓએ આ ગુનામાંથી બચવા આરોપી વકીલ રક્ષિત કલોલા અને ડો. નિલેશ નિમાવત દ્વારા જયરામદાસ બાપુના મોતને કુદરતી મૃત્યુમાં ખપાવી દેવા માટે પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતું. આરોપી રક્ષિત કલોલાએ જયરામદાસ બાપુએ લખેલી સુસાઇડનોટ અને તેઓના પૂર્વાશ્રમની પેઢાવાડાની મિલકત બાબતેના લખાણનો કાગળ (વીલ) છૂપાવી અને રફેદફે કરવાના પ્રયાસ કર્યા હતા. ડો.નિલેશ નિમાવતે બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવડાવી રાજકોટ લઈ જઈ પીએમ ન કરાવી અન્ય વ્યક્તિઓને પણ ગેરમાર્ગે દોર્યા હતા. બોગસ ડેથ સર્ટિફિકેટ ઉભું કરાવી આરોપી ડો.નિલેશ નિમાવત અને રક્ષિત કલોલાએ આરોપીઓને બચાવવા માટેના પુરેપુરા પ્રયાસો કર્યા હતા.
ડો.નિલેશ નિમાવતે હાર્ટએટેકથી મૃત્ય થયાનું કારણ આપ્યું
આરોપી રક્ષિત કલોલાએ જે મોબાઈલમાં સુસાઇડ નોટની પી.ડી.એફ. ક્રિએટ કરી હતી તે મોબાઈલ ફોન રજુ ન કરી ગુમ કરી પુરાવાનો નાસ કર્યો હતો. તેમજ ડોક્ટર નિલેશ નિમાવતે પણ કુદરતી મૃત્યુમાં ખપાવવા માટે જયરામદાસ બાપુનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું કારણ આપ્યું હતું. અન્યને ગેરમાર્ગે દોરતા મૃતદેહની અંતીમવિધિ થતા પણ પુરાવાનો નાસ કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરૂ કરી એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હતો. અગાઉ આરોપી રક્ષિત કલોલા અને ડો નિલેશ નિમાવતની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંન્ને આરોપીઓ વિરૂદ્ધ પડેલા પુરાવામા આધારે ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરી આપવામાં આવ્યા હતા.
મહિલા સાથેનો વીડિયો બનાવી આરોપીઓ બ્લેકમેઇલ કરતા હતા
રેલવેની નોકરી છોડી 18 વર્ષથી આશ્રમમાં મહંત તરીકે રહેતા મૂળ કોડીનારના સાધુ જયરામદાસે જમાઇ અલ્પેશ અને ભત્રીજા હિતેશને ટ્રસ્ટી તરીકે રાખ્યા હતા. પરંતુ તેમની નજર આશ્રમ પર હોય વિક્રમ સાથે મળી મહંત પાસે મહિલાઓને મોકલી વીડિયો બનાવી નાણાં પડાવવા ત્રણેય આરોપી બ્લેકમેઇલ કરતા હતા. જે ત્રાસથી કંટાળી મહંત જયરામદાસે 20 પાનાંની સ્યૂસાઇડ નોટ લખી 1-6-2021ના રોજ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી. જે બનાવ બાદ પોલીસે આશ્રમના ટ્રસ્ટી રામજી લીંબાસિયાની ફરિયાદ પરથી અલ્પેશ, હિતેશ, વિક્રમ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.