ટ્રાફિક હળવો થશે:રાજકોટ લક્ષ્મીનગર અંડરપાસની સાથોસાથ ચારેય તરફના રસ્તા 50 ફૂટમાંથી 80 ફૂટ પહોળા કરાશે, વિરાણી સ્કૂલ અને AVPT કોલેજની જગ્યાનો 6-6 મીટર ભાગ કપાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીનગર અંડરપાસની ચારેય બાજુનો રસ્તો પહોળો કરવામાં આવશે. - Divya Bhaskar
લક્ષ્મીનગર અંડરપાસની ચારેય બાજુનો રસ્તો પહોળો કરવામાં આવશે.
  • અંડરપાસને જોડતી રેલવેની જગ્યા કાપવામાં આવશે

ન્યૂ રાજકોટ અને મધ્ય રાજકોટને જોડતા વધુ એક અંડરપાસનું નિર્માણ લક્ષ્મીનગર નાલાની જગ્યાએ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લે છેલ્લે આ કામની ગતિ ધીમી પડતા તેના ઉદઘાટનનો સમય હજુ નક્કી થતો નથી. ત્યારે મહાપાલિકાએ આ બ્રિજથી બહાર એસ્ટ્રોન નાલા, ભક્તિનગર સ્ટેશન સહિતના ચાર રસ્તા ટ્રાફિક માટે પહોળા કરવાનો દુરંદેશી નિર્ણય કર્યો છે. આ બ્રિજમાંથી ટ્રાફિક ભવિષ્યમાં ખૂબ વધે તેમ હોય ચાર તરફના રોડ 50 ફૂટથી 80 ફુટ સુધીના કરવા માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવાની દરખાસ્ત બુધવારે મળનારી સ્થાયી સમિતિની મિટિંગમાં કમિશનરે મોકલી છે. વિરાણી સ્કૂલ અને એવીપીટી કોલેજની જગ્યાનો 6-6 મીટરનો ભાગ કપાતમાં આવશે.

રેલવે અને એવીપીટીની જગ્યા કપાશે
નાના મવા રોડ તરફ અને ટાગોર રોડ તરફના ખૂબ ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઇ વર્ષો જૂના લક્ષ્મીનગર નાલાની જગ્યાએ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ રોડ પર અત્યારે પણ ખૂબ ટ્રાફિક થાય છે અને ભવિષ્યમાં વધવાનો છે. ત્યારે બ્રિજને જોડતા ટાગોર રોડ તરફના ચાર માર્ગો વધુ પહોળા કરવામાં આવશે. જે માટે વિરાણી સ્કૂલ અને એવીપીટી સરકારી કોલેજની જગ્યાનો 6-6 મીટર એટલે કે 20 ફૂટનો ભાગ અને બ્રિજને જોડતી રેલવેની વિશાળ જગ્યા કાપવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.

અંડરપાસની પૂર્વ દિશા તરફ નોન ટીપી વિસ્તારના રસ્તા છે
આ મહત્વની દરખાસ્ત અંગે માહિતી આપતા પદાધિકારીએ કહ્યું હતું કે, આ બ્રિજનું કામ તુરંત પુરૂ થવાનું છે. લક્ષ્મીનગર અંડરપાસની પૂર્વ દિશા તરફ નોન ટીપી વિસ્તારના રસ્તા છે. જેની પહોળાઇ ખૂબ ઓછી છે. આ બ્રિજ શરૂ થાય એટલે ભવિષ્યમાં ટ્રાફિક પ્રશ્ન ઉભો ન થાય તેનું આયોજન અત્યારથી જરૂરી છે. આથી બ્રિજની પૂર્વ દિશા તરફ આવેલા રસ્તા પહોળા કરવા લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવા નિર્ણય કરાયો છે. લાઇનદોરીમાં આવતી જમીન સંપાદન કરવાની સત્તા કમિશનરને આપતો ઠરાવ કરવામાં આવશે. આ માટેનો વિશાળ નકશો તૈયાર કરાયો છે. જે મુજબ બ્રિજથી બહાર નીકળતા ડાબી તરફ સીધો એસ્ટ્રોન નાલા સુધીનો જે 9 મીટરનો રસ્તો નીકળે છે તે રેલવેની વધુ જગ્યા કાપીને 15 મીટર એટલે કે 50 ફૂટનો કરવામાં આવશે.

લક્ષ્મીનગર અંડરપાસની કામગીરી હાલ ચાલી રહી છે.
લક્ષ્મીનગર અંડરપાસની કામગીરી હાલ ચાલી રહી છે.

વિરાણી હાઇસ્કૂલની 6 મીટરની જગ્યા કાપી રોડ 15 મીટરનો કરવામાં આવશે
બ્રિજમાંથી બહાર નીકળતા સામે વિરાણી હાઇસ્કૂલને જોડતો 9 મીટરને જોડતો રસ્તો છે. આ રોડ પર માત્ર વિરાણી હાઇસ્કૂલની 6 મીટરની જગ્યા કાપી રોડ 15 મીટરનો કરવામાં આવશે. એસ્ટ્રોન તરફ જતા દસ્તુર માર્ગ સામેનો સીધો એવીપીટીવાળો રોડ નીકળે છે. તે પણ 9 મીટરમાંથી 15 મીટરનો કરાશે. આ માટે સરકારી જગ્યા કપાત કરવામાં આવશે. બ્રિજથી બહાર નીકળતા જમણી તરફ ભક્તિનગર રેલવે સ્ટેશન તરફ એક રોડ નીકળે છે. આ રોડ પર ઔદ્યોગિક એકમો પણ આવેલા છે.

વિરાણી હાઇસ્કૂલ સિવાય કોઇ ખાનગી જગ્યા કપાતમાં આવતી નથી
તેની સામે રેલવેની વિશાળ જગ્યા સ્ટેશન સુધી છે. આ રોડ પણ 24 મીટર એટલે કે 80 ફૂટનો કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચારેય રોડ માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરીને જમીન સંપાદન, રજુઆતો, વાંધા સૂચનો સહિતની કાર્યવાહી હવે કરવામાં આવશે. આ રસ્તા પર વિરાણી હાઇસ્કૂલ સિવાય કોઇ ખાનગી જગ્યા કપાતમાં આવતી નથી. મોટાભાગે રેલવેની જગ્યામાં જ નવો રોડ વિકસાવવાનો છે. દસ્તુર માર્ગ સામેથી સીધો રેલ પાટા તરફ જતો રસ્તો પણ પહોળો થયે ટ્રાફિક સમસ્યામાં રાહત થવાની વાતો પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...