લોકમેળામાં હરાજીનો પ્રારંભ:રાજકોટમાં ખાણીપીણીના બે સ્ટોલની રૂ.7.30 લાખમાં ફાળવણી, સાંજે રમકડાના 32 સ્ટોલની હરાજી થશે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમીનો મેળો આગામી તા.17ઓગસ્ટથી રેસકોર્સ ખાતે શરુ થવા જઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ગત રોજ સ્ટોલના ડ્રો બાદ ખાણીપીણી, યાંત્રિક તેમજ આઈસ્ક્રીમના પ્લોટની હરાજી અનુસંધાને આજરોજ ખાણીપીણીના બે સ્ટોલની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક સ્ટોલના 2.25 લાખ તેમજ બીજા સ્ટોલના 5 લાખ 5 હજાર મળી કુલ 7 લાખ 30 હાજરમાં ફાળવણી કરવામાં આવી છે. જેની અપસેટ પ્રાઈઝ રૂ.2 લાખ રાખવામાં આવી હતી.આજે સાંજે રમકડાના 32 સ્ટોલની હરાજી કરવામાં આવશે. તેમજ આવતીકાલે તા.29 ના રોજ યાંત્રિક આઈટમના 44 તેમજ તા.30 ના રોજ આઈસ્ક્રીમના 16 પ્લોટની હરાજી દ્વારા ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ જણાવ્યું છે.

પાંચ કેટગરીમાં આટલા સ્ટોલનો ડ્રો થયો
લોકમેળામાં પાંચ કેટેગરીમાં સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. સૌથી વધુ 1563 અરજી રમકડાં માટેની બી-કેટેગરીમાં આવી હતી. જેમાં 178 સ્ટોલ ફાળવાયા છે. નાની ખાણીપીણી માટેની સી-કેટેગરીમાં 77 અરજી સામે 14 સ્ટોલ ફાળવાયા છે. મધ્યમ ચકરડી માટેની જે-કેટેગરીમાં 48 અરજી સામે ચાર સ્ટોલ ફાળવાયા છે. નાની ચકરડી માટેની કે-કેટેગરીમાં 39 અરજી સામે 28 સ્ટોલ ફાળવાયા છે. જ્યારે નાની ચકરડી 2-2 માટેની કે-કેટેગરીમાં 22 અરજી સામે 20 સ્ટોલ ફાળવાયા છે.

લોકમેળાના નામકરણની 700 અરજી આવી
​​​​​​​
ડ્રો પૂર્વે જિલ્લા કલેક્ટરે લોકમેળા અમલીકરણ સમિતિ પાસેથી મેળાના આયોજન, સ્ટોલ ફાળવણી સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી, તેમજ લોકો લોકમેળાનો આનંદ માણી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. લોકમેળાના નામકરણ અંગે તેમણે કહ્યું હતું કે, નામ બાબતે ગઈકાલ સુધીમાં 700થી વધુ અરજી આવી છે. જેની ચકાસણી ચાલી રહી છે. સંપૂર્ણપણે લોકભાગીદારીથી અને લોકોનો અભિપ્રાય લઈને મેળાનું નામ રખાશે.