લીગલ નોટિસ ફટકારી:રાજકોટની સૌરાષ્ટ્ર યુનિ.માં PhDમાં પ્રવેશ માટે ખૂટતા માર્ક ન મળતાં પ્રોફેસર સામે દુષ્કર્મનો આક્ષેપ કર્યો, માફી નહીં માગે તો 1 કરોડનો બદનક્ષીનો દાવો કરશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના પ્રોફેસર સામે કરાયેલા દુષ્કર્મના આક્ષેપ સામે સોમવારે પ્રો.આનંદ ચૌહાણે આક્ષેપ કરનાર યુવતી ક્રિસ્ટલબેન ગોસાઈને લીગલ નોટિસ ફટકારી છે જેમાં જણાવાયું છે કે પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં આવશ્યક ગુણો મેળવવામાં નિષ્ફળ જતા યુનિવર્સિટી પાસે ગેરકાયદે રીતે કૃપા ગુણ મેળવવાના અંતિમ ઈરાદા સાથે પ્રોફેસર સામે જૂઠા આક્ષેપો કર્યા છે. ઉપરાંત યુનિવર્સિટીમાં કરેલી ખોટા આક્ષેપવાળી અરજી પાછી ખેંચી નોટિસ મળ્યાના 48 કલાકમાં લેખિત માફી માગવા કહ્યું છે અન્યથા કાયદા ભવનના પ્રોફેસર ડૉ. આનંદ ચૌહાણ યુવતી સામે બદનક્ષીનો 1 કરોડનો દાવો કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના પ્રોફેસર સામે યુવતીએ કુલપતિને અરજી કરી જણાવ્યું હતું કે, વર્ષ 2007થી 2020 સુધી પ્રોફેસર દ્વારા તેમના પર દુષ્કર્મ કરાયું છે, સાથે એવું પણ જણાવ્યું હતું કે પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષામાં પાસ થવા માટે 12 ગુણની જરૂર છે તે યુનિવર્સિટી દ્વારા ન્યાય રૂપે આપવામાં આવે. યુવતીએ પ્રોફેસર સામે કરેલા આક્ષેપથી યુનિવર્સિટી સહિત શિક્ષણ જગતમાં ચર્ચા જાગી હતી જેની સામે સોમવારે કાયદા ભવનના પ્રોફેસરે યુવતીને લીગલ નોટિસ ફટકારી ખોટા આક્ષેપવાળી અરજી પાછી ખેંચવા અને લેખિતમાં માફી માગવા જણાવ્યું છે જો એવું નહીં કરે તો કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે તેની સામે બદનક્ષીનો 1 કરોડનો દાવો કરાશે.

યુવતીએ કરેલા આક્ષેપ સામે કાયદા ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અનુસ્નાતકના વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર સહિતના વિદ્યાર્થીઓએ પણ કુલપતિને લેખિત રજૂઆત કરી આક્ષેપ કરનાર સામે દાખલારૂપ કાર્યવાહી કરવા જણાવાયું હતું. આ સમગ્ર બાબતની કુલપતિએ જેને તપાસ સોંપી છે તે ફરિયાદ નિવારણ સમિતિના હજુ પ્રિસાઈડિંગ ઓફિસર પણ હજુ નક્કી થઇ શક્યા નથી. કુલપતિએ ઓડિટર લીનાબેન ગાંધીને ચાર્જ સોંપ્યો છે પરંતુ યુજીસીની ગાઈડલાઈન મુજબ તેઓ પણ સમિતિના અધિકારી બની શકે તેમ ન હોવાની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુિનવર્સિટીના અમુક ભવનોના પ્રોફેસરો અને ભવનના વડા સામે વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કરવાના આક્ષેપો થતા આવ્યા છે ત્યારે કાયદા ભવનના પ્રોફેસર સામે થયેલા આક્ષેપમાં નવી વિગત બહાર આવી છે.

અન્ય સમાચારો પણ છે...