પૂર્વ મુખ્યમંત્રીના પીએ નીરજ પાઠક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણ વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો-ક્લિપ શુક્રવારે ફરતી થતા ખળભળાટ મચી ગયો છે. ક્લિપમાં બંને જૂનાગઢની કોઈ જમીનનો વહીવટ કરી રહ્યા હોવાનું જણાય છે. બંનેની ફરતી થયેલી ક્લિપમાં મહેશભાઈ ચૌહાણે જૂનાગઢના બાવાશ્રી સાથે પણ વાત કરી, જમીનના વહીવટમાં ઝોન ફેરવવા મુદ્દે ભાઈબંધ મેહુલ બહારથી મદદ કરશે તેવું જણાવે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને હરિવંદના કોલેજના સંચાલક મહેશભાઈ ચૌહાણ અને પૂર્વ મુખ્યમંત્રીના પીએની ફરતી થયેલી કથિત ઓડિયો ક્લિપમાં એવો પણ ઉલ્લેખ થાય છે કે વિજયભાઈ સાથે મેહુલને વાતચીત થઇ ગઈ છે અને મેહુલભાઈએ વિજયભાઈનો આભાર માનવા જવાનું કહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણીની અંગે ચર્ચા
મહેશભાઈ ચૌહાણ અને નિરજ પાઠક વચ્ચેના સંવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણીની પણ વાત કરતા મહેશભાઈ ચૌહાણ કહે છે કે, વિજયભાઈનું હોમટાઉન હોવાથી ચૂંટણી બિનહરીફ કરાવવા મેહુલ રૂપાણીએ મને ચાર-પાંચ લોકોના ફોર્મ પાછા ખેંચાવવા આપ્યા હતા એના ખેંચાવ્યા. બાદમાં પૂર્વ મુખ્યમંત્રીના પીએ જૂનાગઢની જે જમીન ઝોન ફેર કરવાની છે તેની સમરી મોકલવાનું મહેશભાઈને કહે છે, અને ઝોન ફેર કરવા માટેની પ્રક્રિયા સમજાવતા લોકલ ઓથોરિટી કામગીરી કરે પછી સીપીસી વિભાગ અને છેલ્લે અમારી પાસે આવે એવું કહે છે. જમીન ઝોન ફેરવવા મુદ્દે મહેશભાઈ સીએમ ઓફિસમાં મળવા આવવાની વાત કરે છે પરંતુ પીએ કહે છે કે આવા કામ માટે મહેશભાઈને રૂબરૂ આવવાનું ન હોય. બાદમાં મેહુલભાઈના આગ્રહથી મહેશભાઈ ચૌહાણને સીએમનો આભાર માનવા જવાનું કહે છે.
જૂનાગઢની જમીનના ઝોન ફેર કરવાના વહીવટની વાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જયારે સિન્ડિકેટની ચૂંટણી થવાની હતી ત્યારે પણ મહેશભાઈને ચૂંટણી નથી લડાવવી પરંતુ તેમને સરકારમાંથી લાવવાની એટલે કે સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય બનાવવાની મેહુલભાઈ અને નેહલભાઈની હોવાનો ઉલ્લેખ મહેશભાઈ કરે છે. આ કથિત ક્લિપમાં અંતમાં મહેશ ચૌહાણ પૂર્વ મુખ્યમંત્રીના પીએને પોતાને ઘરની જ કોલેજ હોવાનું અને ગમે તે કોલેજમાં એડમિશન અપાવી દેવાની વાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી અને યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને હરિવંદના કોલેજના સંચાલક વચ્ચેની કથિત ઓડિયો કલીપમાં જૂનાગઢની જમીનના ઝોન ફેર કરવાના વહીવટની વાત કરતા હોવાની ક્લિપ ફરતી થતા ઠેર ઠેર ચર્ચા જાગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.