તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીમાં દિવસે પક્ષોમાં ખેંચાખેંચી અને કાવાદાવા ભરપૂર થયા હતા. એકબીજાના ફોર્મ અમાન્ય ઠેરાવવા, રદ કરાવવા તમામ પ્રયાસો થયા. જામકંડોરણામાં ધાક ધમકીના પ્રયાસો થયાના આક્ષેપો થયા.
અધિકારીઓને અજ્ઞાતવાસમાં જઈને હુકમો સુનાવણી પહેલા બનાવવા પડ્યા જ્યારે એકબીજાના ઉમેદવારોને સાચવવા અને બીજાના ઉપાડી જવામાં પણ શામ,દામ,દંડ,ભેદ બધી જ નીતિ અપનાવાઈ હતી આ કારણે સોમવારે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં અલગ અલગ 3 દૃશ્યો જોવા મળ્યા હતા જેમાં ફિલ્મને પણ આંટી જાય તેવા સસ્પેન્સ, થ્રિલર અને અંત જોવા મળ્યા છે. આ બધા દૃશ્યોમાં ક્યા પક્ષને કે ક્યા ઉમેદવારોને શું મળ્યું તે તો ચૂંટણી બાદ જ ખબર પડશે પણ આખો દિવસ જિલ્લાનું રાજકારણ ગરમાયેલું હતું. હાલની સ્થિતિએ રાજકોટ જિલ્લા પંચાયતની તમામ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ફોર્મ માન્ય રહ્યા છે મંગળવારે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે તેથી ત્યાં સુધીમાં હજુ પણ કાવાદાવા ચાલ્યા કરશે.
દૃશ્ય : 1 - બેને ઉઠાવી ગયા એકને ધમકી, પોલીસે ફરિયાદ ન લીધી
જામકંડોરણાના દડવી બેઠકના જિલ્લા પંચાયતના ઉમેદવાર સોનલબેન રાજેશભાઈ બગડાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના કાર્યકરો અને તેમના વિસ્તારના મંત્રીઓના માણસો 14મીની મોડી રાત્રે તેમના ઘરે ધસી આવ્યા હતા અને 10 લાખ રૂપિયામાં ફોર્મ પરત ખેંચવા લાલચ આપી હતી. ના પાડતા ધમકી આપી જતા રહ્યા હતા. જેથી ત્યારે જ તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા પણ પોલીસે ફરિયાદ લેવાને બદલે પુરાવા આપો એમ કહી દીધું હતું. આખો દિવસ કોઇ કાર્યવાહી થઈ ન હતી. આ ઉપરાંત વિસ્તારના 3 તાલુકા પંચાયતના ઉમેદવારને પણ ઉઠાવી ગયાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયુભા જાડેજા અને આગેવાન સેજુલ ભૂતે કહ્યું હતુ. આ અંગે મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, ‘ રાજકીય આક્ષેપ થયો છે, હું તે બહેનને ઓળખતો નથી. તાલુકાની 3 બેઠકમાં બિનહરીફ થયા છીએ.’
દૃશ્ય 2 - ફોર્મ ન ખેંચાય તે માટે ઉમેદવારને સુરક્ષા સાથે લવાયા
રાજકોટ જિલ્લા પંચાયતની કસ્તુરબાધામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પંકજ નસીતનું ફોર્મ રદ થવાની શક્યતા અથવા તો પરત ખેંચાવાની વાત ફેલાઈ હતી. કચેરીએ પોલીસ બંદોબસ્ત રખાયો હતો. પંકજ નસીતને પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયા પોતાના વાહનમાં લઈ આવ્યા હતા તાલુકા પ્રમુખ સંજય ખૂંટ સહિતના કાર્યકરોને સાથે રાખીને જાણે સુરક્ષા આપતા હોય તેમ કચેરીએ પહોંચાડ્યા હતા. ચકાસણી સમયે દરખાસ્ત કરનારને અંદર લઈ જવાયા હતા. ફોર્મ માન્ય રહેતા જ ફરીથી દાવેદારને ખાટરિયા પોતાની સાથે પોતાની કારમાં લઈને જતા રહ્યા હતા.
દૃશ્ય 3 - વાંધો ઉઠાવતા અધિકારીએ સુનાવણીનું કહ્યું, પણ સીધા હુકમ લાવ્યા
રાજકોટ તાલુકા પંચાયતની ગવરીદળની સીટ અનુ. આદિજાતિ અનામત છે. કોંગ્રેસના ઉમેદવાર ડો. અંજુબેને વાંધો ઉઠાવ્યો હતો કે, ભાજપના સોનલબેન પાસે જે જાતિનું પ્રમાણપત્ર છે તે ગુજરાતનું નહીં મધ્યપ્રદેશનું છે તેથી ફોર્મ અમાન્ય રહે છે. ચૂંટણી અધિકારી ટીડીઓ પી.સી. પરમારે 4 વાગ્યે સુનાવણીનો સમય આપ્યો હતો. જો કે અધિકારી છેક 5.30 વાગ્યે આવ્યા હતા અને 5.39 વાગ્યે ઉમેદવારોને બોલાવી બંને ઉમેદવાર ચૂંટણી લડી શકે તેવો હુકમ આપ્યો હતો. ટીડીઓ પરમાર આવ્યા ત્યારે જ હુકમ લઈને આવ્યા હતા સુનાવણી પહેલા જ તેમણે હુકમ તૈયાર કરી નાખ્યો હતો. અધિકારી અજ્ઞાતવાસમાં જઈ કોઇને સાંભળ્યા પહેલા જ હુકમ બનાવીને સુનાવણી દોઢ કલાક મોડા આવી સીધો હુકમ કરે તે વાતે કૌતુક જગાવ્યું હતું.
સૌરાષ્ટ્રની 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકાની બેઠક બિનહરીફ
સૌરાષ્ટ્રની અલગ અલગ તાલુકા પંચાયતમાં ફોર્મ ખેંચવા કે ફોર્મ નભરાતા જ ચાર બેઠકો બિનહરીફ થઇ છે. રાજકોટની જામકંડોરણા તાલુકા પંચાયતમાં જસાપર, બરડિયા અને ચાવંડમાં કોગ્રેસના ત્રણેય ઉમેદવારોએ અચાનક જ પક્ષની જાણ બહાર ફોર્મ પરત ખેંચી લેતા આ ત્રણેય બેઠક ભાજપને બિનહરીફ મળી ગઇ છે. દ્વારકા તાલુકા પંચાયતમાં મીઠાપુર-2 સીટ પર છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ કે અન્ય કોઇએ ફોર્મ ન ભરતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છેે. મોરબી પાલિકાના વોર્ડ નંબર 6માં કોંગ્રેસ અને ભાજપના 5 મળી કુલ 11 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મની ચકાસણી વખતે કોગ્રેસના બે ડમી અને બે ઉમેદવારના એમ ચાર ફોર્મ રદ થતા હવે માત્ર 2 બેઠક પર જ ઉમેદવાર રહેતા ભાજપને બે બેઠક બિનહરીફ મળી છે.
જિ.પંચાયતના અમુક ઉમેદવારો પોતાને જ મત નહિ આપી શકે
રાજકોટ જિલ્લા પંચાયતની આણંદપર સીટ પરથી લડતા નયનાબેન બાળોન્દ્રા, સરપદડથી લડતા નારણ સેલાણા, વેરાવળથી લડતા પ્રફુલ્લાબા જાડેજા અને બોરડી સમઢિયાળાથી લડતા ભૂપત સોલંકી પોતાને જ મત નહિ આપી શકે કારણ કે, તેઓ બીજી સીટના મતદારો છે અને જગ્યા બદલીને ત્યાં મુકાયા છે. નારણ સેલાણા ઉપલેટાના ગણોદ પરથી ચૂંટાયા હતા પણ હવે તે એસ.ટી.ની સીટ સરપદડ ગઈ છે તેથી કોંગ્રેસે ત્યાંથી લડવા ટિકિટ આપી છે. આ સિવાય પણ અમુક એવા ઉમેદવારો તાલુકા પંચાયતમાં છે જેમની સીટ પર રોટેશન આવતા બીજી સીટ પરથી લડવા મોકલ્યા છે. નિયમ મુજબ જિલ્લાના કોઇપણ મતદાતા જિલ્લા પંચાયતની કોઇપણ સીટ પરથી ચૂંટણી લડી શકે છે પણ મત તો જે તે નોંધાયેલા વિસ્તારમાં જ આપવાના રહે છે.
રાજકોટ જિલ્લાની 36 બેઠક માટે 114 અને તાલુકાની 202 બેઠક માટે 620 દાવેદાર
રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે સોમવારે ફોર્મ ચકાસણીનો દિવસ હતો જેમાં જિલ્લા પંચાયતની ઉમેદવારી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. સૌથી વધુ ફોર્મ રાજકોટ તાલુકા હેઠળ આવતી 6 સીટમાંથી ભરાયેલા 39 ફોર્મમાંથી 16 ફોર્મ રદ થયા છે. આ સિવાયના તાલુકા સહિત રાજકોટ જિલ્લા પંચાયતની 36 સીટ માટે 114 ઉમેદવાર મેદાને છે. જિલ્લાની 11 તાલુકા પંચાયતમાં 202 સીટ છે અને તે માટે 843 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.