મોરબી રોડ, બજરંગ પાર્ક-7માં રહેતા અને હાજાપર ગામના પૂર્વ સરપંચ વિક્રમભાઇ વિભાભાઇ લાવડિયા નામના ખેડૂતે હાજાપર ગામે રહેતા ચમન બચુ સોલંકી, રામ બચુ સોલંકી, ગંગાબેન ચમન સોલંકી, સમજુબેન રમેશ સોલંકી, જાનીબેન રામ સોલંકી, વનરાજ રાજુ સોલંકી, લલિત રાજુ સોલંકી, શીતલબેન જકા સોલંકી, ગીતાબેન અરવિંદ, મુક્તાબેન ચંદુ સોલંકી સામે હુમલો કરી લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી છે. જોકે, આઠ દિવસ પહેલા બનેલી ધાડ જેવી ગંભીર ઘટનાની મોડેથી ફરિયાદ નોંધતા કુવાડવા રોડ પોલીસની કામગીરી સામે પણ શંકાની સોય તકાઇ છે.
ખેડૂત વિક્રમભાઇની ફરિયાદ મુજબ, હાજાપર ગામે મિત્ર અનિલભાઇ ખૂંટની વાડી આવેલી છે. જે ખેતીની જમીનમાં પોતે ભાગીદાર હોય અગાઉ જમીનની સરકારી માપણી કરાવી ખૂંટા માર્યા હતા. જે ખૂંટા કાઢી નાંખ્યા હોય ગત તા.27-12ના રોજ ફેર માપણી કરવા પોતે, પરેશભાઇ ટીંબાભાઇ બોરીચા, ભગીરથસિંહ સુરૂભા વાળા, ફેન્સિંગવાળા હાસમભાઇ જુમાભાઇ દોઢિયા સાથે વાડીએ ગયા હતા.
ત્યારે ખાનગી સર્વેયર અમિતભાઇ પણ આવ્યા હતા. સર્વેયર ખેતીની જમીનમાં ઊભા હતા. ત્યારે બાજુમાં જ વાડી ધરાવતા ચમન સોલંકી સહિતનાઓ અમારી વાડીમાં આવ્યા હતા. ત્યારે ચમન અને ગંગાબેને તમે અહીં શું કરો છોનું કહ્યું હતું. જેથી અમે અમારી ખેતીની જમીનની માપણી કરાવીએ છીએનું કહ્યું હતું. ત્યારે તેઓએ અહીં બધી જમીન અમારી છે, અહીં માપવા આવવું નહિ તેમ કહી દેકારો કરી ગાળો ભાંડવા લાગ્યા હતા. આ સમયે ચમનભાઇ, જાનીબેને લાલ મરચાંની ભૂકી પોતાના અને સાથે રહેલા લોકો પર છાંટી હતી. જેથી બધાને આંખમાં બળતરા થવા લાગી હતી.
આ સમયે ચમન અને ગંગાબેને ઝપાઝપી કરી ખિસ્સામાં રહેલું રોકડા રૂ.20 હજાર તેમજ અન્ય દસ્તાવેજો સાથેનું પર્સ કાઢી લીધું હતું. તેમજ હાથમાં પહેરેલી ચાંદીની લકી લૂંટી લીધી હતી. ત્યારે વનરાજે પોતાને ધોકાથી માર મારતા પોતે ત્યાંથી ભાગ્યા હતા. આ સમયે લલિત ધારિયા સાથે પોતાને મારી નાખવાના ઇરાદે પાછળ દોડ્યો હતો. ફેન્સિંગ બાંધવા વાળા હાસમભાઇને પણ માર મારી ઇજા પહોંચાડી હતી.
હુમલા થતાની સાથે જ પોતાની સાથે આવેલા પરેશભાઇ, ભગીરથસિંહ, સર્વેયર અમિતભાઇ તેમના વાહન લઇ ત્યાંથી જતા રહ્યાં હતા. બાદમાં ચમન સોલંકી સહિતનાઓ પણ હુમલો કરી ભાગી જતા પોતે મહામહેનતે સારવાર માટે હોસ્પિટલ પહોંચી સારવાર લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવના આઠ દિવસ બાદ કુવાડવા રોડ પોલીસે ધાડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
હાજાપરની ગેંગ એકલ-દોકલને રોકી રાત્રિના સમયે લૂંટ ચલાવે છે
ઇજાગ્રસ્ત વિક્રમભાઇએ જણાવ્યું કે, ધાડની ઘટના બાદ કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ સહિતનાઓ પંચનામું કરવા આવ્યા હતા. આ સમયે આરોપીઓ પોલીસ પર હુમલો કરવાની પેરવીમાં હોવાની માહિતી મળતા પીએસઆઇ સહિતનાઓ પણ ત્યાંથી નીકળી ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી અમરગઢથી ખેરડી વચ્ચેના રસ્તે ચોક્કસ શખ્સો દ્વારા લૂંટ, માર મારવા સહિતના બનાવોને અંજામ આપતા હોય ચોટીલાથી શાકભાજી સહિતની ચીજવસ્તુઓ લઇને નીકળતા લોકોએ અહીંથી નીકળવાનું બંધ કરી દીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.