નિર્ણય:પાંચેય પદાધિકારીની કાર બંધ મનપાના પ્રતિમાસ 2 લાખ બચશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજથી કમિશનર વહીવટદાર, પદાધિકારીઓ મહિને 14000થી વધુ કિલોમીટર કાર ફેરવે છે

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિતના તમામ કોર્પોરેટર્સની મુદત પૂર્ણ થઈ જેના કારણે પદાધિકારીઓને મળતી તમામ સવલતો આજથી બંધ થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા પાંચ પદાધિકારીને ડ્રાઇવર સહિત ઈનોવા કારની સુવિધા આપે છે. આ ઉપરાંત ચેમ્બર, સાદિલવાર ખર્ચ સહિતના અન્ય ખર્ચ કરવાની પણ છૂટ આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન આવતાં આ તમામ ખર્ચા બંધ થશે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકાને પ્રતિમાસ બે લાખ રૂપિયાનો ફાયદો થશે.

રાજકોટ શહેરના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાને રાજકોટ મહાનગરપાલિકા ડ્રાઇવર સહિત ઈનોવા કારની સુવિધા આપે છે. આ પાંચેય પદાધિકારીની કાર પ્રતિમાસ 14 હજારથી વધુ કિલોમીટર ચાલે છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા આ પાંચેય કારમાં પ્રતિમાસ સવાથી દોઢ લાખ રૂપિયાનું ડીઝલ પૂરાવી રહી છે. આ ઉપરાંત કાર મેન્ટનન્સ તેમજ ડ્રાઈવરનો ખર્ચ અલગ થઈ રહ્યો છે.

આવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતાને ચેમ્બર પણ ફાળવવામાં આવી છે. આજે ચેમ્બરમાં એસી સહિતની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત આ પાંચેય પદાધિકારીને પોતાની ઓફિસમાં આવતા મહેમાનો પાછળ ચા, પાણી, નાસ્તાનો ખર્ચ કરવા અલગથી ફંડ આપવામાં આવે છે.

આ ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પીએ ફાળવવામાં આવે છે. આમ આ તમામ પદાધિકારીઓ પાછળ રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાંથી પ્રતિમાસ બે લાખથી વધુનો ખર્ચ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...