ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરની 4 સહીત તમામ 8 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યાં AAP અને કોંગ્રેસના ઉમેદવારોએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જો કે કોંગ્રેસના લલિત વસોયા અને ભોળા ગોહિલે આ હાર પાછળ AAP ને જવાબદાર ઠેરવી ભાજપની બી ટિમ બની કોંગ્રેસને નુકશાન પહોંચાડતી હોવાનો આરોપ લગાવ્યો છે.
ડો. દર્શિતા શાહે ઐતિહાસિક જીત મેળવી
રાજકોટ પશ્ચિમ બેઠક એ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને આ જ બેઠક પરથી PM મોદી અને પૂર્વ CM વિજય રૂપાણી સહિતના નેતાઓ વિજયી થયા હતા. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠકે ગુજરાતને બે-બે મુખ્યમંત્રી આપ્યા છે. આ બેઠક પર આજે ડો. દર્શિતા શાહ પૂર્વ CM વિજય રૂપાણીનો રેકોર્ડ તોડી ઐતિહાસિક 1,05,975ની લીડ સાથે કુલ 1,38,687 મત મેળવી વિજેતા થયા છે. જયારે કોંગ્રેસના મનસુખ કાલરીયાને 32712 મત મળ્યા છે. અને AAPના દિનેશ જોશીને 26319 મત મળ્યા છે જયારે કુલ 8 બેઠકમાં સૌથી વધુ નોટાના 3419 મત પણ પશ્ચિમ બેઠક પર પડ્યા હતા. જો કે આમ છતાં સૌથી વધુ લીડ રાજકોટ પશ્ચિમ બેઠક પર નોંધાઇ છે.
ગોંડલમાં ગીતાબા જાડેજાની ભવ્ય જીત
ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપના ગીતાબા જાડેજા, કોંગ્રેસના યતીશ દેસાઈ અને AAP ના નિમીષાબેન ખુંટ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં ગોંડલ વિધાનસભા બેઠક પર ફરી ગીતાબા જાડેજા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે. જેમાં ભાજપના ગીતાબા જાડેજાને કુલ 86062, કોંગ્રેસના યતિશ દેસાઇને 42749 અને AAPના નિમીષાબેન ખુંટને 13075 મત મળ્યા હતા અને નોટામાં કુલ 2164 મત પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગોંડલ વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર ગુજરાતની નજર હતી અને આ બેઠક હાઈપ્રોફાઈલ બની જવા પામી હતી. એટલું જ નહિ મતદાનના દિવસે સૌથી વધુ બંદોબસ્ત પણ આ જ બેઠક પર મુકવામાં આવ્યો હતો અને ખુલીને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો જો કે આમ છતાં કોઈ મોટો ફર્ક જોવા મળ્યો ન હોય તેમ 43313 મતથી ગીતાબા જાડેજાનો વિજય થયો છે.
જેતપુરમાં રાદડિયા પરિવારનો દબદબો યથાવત
રાજકોટની જેતપુર બેઠક 1990થી ભાજપનો ગઢ ગણાય છે. આજે જેતપુર વિધાનસભા બેઠક પર જયેશ રાદડિયા ચૂંટાઇને ફરી ધારાસભ્ય બન્યા છે. જ્યાં તેમની 76926 મતની લીડથી જીત થઈ છે. જો કે આ વખતે કોંગ્રેસ કરતા વધુ મત આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીને મળ્યા છે. જેમાં ભાજપના જયેશ રાદડિયાને કુલ 106471 મત મળ્યા છે. જયારે AAPના રોહિત ભુવાને 29545 મત, SPના રાજુભાઈ સરવૈયાને 20788 મત, અને કોંગ્રેસના દિપક વેકરિયને 12244 મત મળ્યા છે જયારે નોટાને કુલ 2287 જેટલા મત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. જેના બે મહિના બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો હતો અને આ બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી હતી.
ધોરાજીમાં કોંગ્રેસનો વર્ષો જુનો ગઢ કડડભૂસ
ધોરાજીની બેઠકનો કોંગ્રેસનો વર્ષો જુનો ગઢ કડડભૂસ થતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં સન્નાટો છવાઈ જવા પામેલ છે. આ બેઠક પર સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ કુલપતિ અને ભાજપના ઉમેદવાર એવા મહેન્દ્રભાઈ પાડલીયાએ વિજય વાવટો ફરકાવી દીધો છે. જયારે આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પોતાની હાર સ્વીકારી મતગણતરી કેન્દ્રની બહાર નીકળી ગયા હતા. જેમાં ધોરાજી વિધાનસભા બેઠક પર ડો. મહેન્દ્ર પાડલીયા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે. તેમની 11878 મતથી જીત થઈ છે. જયારે આમ આદમી પાર્ટીએ ધોરાજીમાં કોંગ્રેસને મોટું નુકસાન પહોચાડ્યું છે. જેમાં કોંગ્રસના લલિત વસોયાને 53727 મત મળ્યા છે. AAPના વિપુલ સખીયાને 29429 મત મળ્યા છે અને નોટામાં પણ 1612 મત પડ્યા હતા.
પૂર્વ બેઠક પર ઉદય કાનગડની જીત
રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડની જીત થઈ હતી. જ્યાં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર ઉદય કાનગડ 28635 મતથી ચૂંટાઇને ધારાસભ્ય બન્યા હતા. જયારે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુને 57559 મત મળ્યા છે અને AAPના રાહુલ ભુવાને 35446 મત મળ્યા હતા. અને નોટાને 2794 મત મળ્યા છે.
જસદણમાં કુંવરજી બાવળિયાનો ગઢ યથાવત રહ્યો
ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણે મુખ્ય પક્ષ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેલી જસદણ વિધાનસભા બેઠકની 2022ની સામાન્ય ચૂંટણીમાં ગુરૂ-ચેલા વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં કુંવરજી બાવળીયાએ જંગી જીત હાંસલ કરી હતી. કોંગ્રેસ અને આપની સાથે સાથે ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ કુંવરજીભાઇ માટે જીતનો પડકાર હતા જો કે આ બધા વચ્ચે 16172 મતથી કુંવરજી બાવળીયાએ જીત હાસિલ કરી ફરી પોતાના ગઢમાં કબ્જયો યથાવત રાખ્યો છે. બીજી તરફ જસદણમાં કોંગ્રેસ કરતા AAP ના ઉમેદવારને વધુ મત મળ્યા છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઇ ગોહિલને 45795 મત અને AAPના ઉમેદવાર ભરત ગાજીપરાને 47636 મત મળ્યા છે. જયારે નોટામાં કુલ 2073 મત પડ્યા હતા.
દક્ષિણ બેઠક પર લીડનો નવો રેકોર્ડ
રાજકોટ પશ્ચિમની જેમ દક્ષિણ બેઠક પણ ભાજપનો ગઢ માનવામાં આવી રહી છે. અહીંયા પણ આ વખતના પરિણામમાં અત્યારસુધીની સૌથી વધુ લીડનો નવો રેકોર્ડ રમેશ ટીલાળાના નામે સ્થાપિત થયો છે. રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના રમેશ ટીલાળા 78864 મતની લીડથી ચૂંટાઇને ધારાસભ્ય બન્યા છે. જેમાં રમેશ ટીલાળાને કુલ 101734 મત મળ્યા છે જયારે કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાને 22507 મત અને AAPના શિવલાલ બારસીયાને 22870 મત મળ્યા છે તો બીજી તરફ નોટામાં 2353 મત પડ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ ખોડલધામ અને નરેશ પટેલની ભલામણથી રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવતા વિરોધ જરૂર જોવા મળ્યો હતો અને કેટલાક નારાજ નેતાઓ અંદરખાને રમેશ ટીલાળાને હરાવવા મહેનત પણ કરતા હતા પરંતુ દક્ષિણના ભાજપ કમિટેડ મતદારોએ રમેશ ટીલાળાને સ્વીકારી લીડનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયાની જીત
ગુજરાતમાં સોરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પર 1લી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું જ્યારે આજ સવારથી સમગ્ર ગુજરાતમાં મતગણરી હાથ ધરાઈ છે જેમાં ભાજપનો ભગવો લેહરાઈ રહ્યો છે ત્યારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરિયાની જીતથી થઈ છે. ભાનુબેન બાબરિયા119695 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારને 29175 મત મળ્યા છે જ્યારે આપના ઉમેદવાર વશરામભાઈને 71201 મત મળ્યા છે. નોટામાં 3038 મત પડ્યા હતા.
14-14 ટેબલ પર મતગણતરી થઈ
આજે જિલ્લાની વિધાનસભાની 8 બેઠકોના 2264 મતદાન બુથોના ઈવીએમ ખુલતા બેઠકવાઈઝ 14-14 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ પહેલા બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે. જિલ્લાની આઠેય બેઠકોના જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં આ મતગણતરી થશે. આજે રાજકોટ પૂર્વ (68) બેઠક પર 20 રાઉન્ડમાં, રાજકોટ પશ્ચિમ (69) બેઠક પર 22 રાઉન્ડમાં, રાજકોટ દક્ષિણ (70) બેઠક પર 17 રાઉન્ડમાં, રાજકોટ ગ્રામ્ય (71) બેઠક પર 28 રાઉન્ડમાં , જસદણ બેઠક (72) પર 19 રાઉન્ડમાં , ગોંડલ બેઠક પર (73) 17 રાઉન્ડમાં , જેતપુર બેઠક (74) પર 22 રાઉન્ડમાં અને ધોરાજી બેઠક (75) પર 20 રાઉન્ડમાં મતગણતરી થઈ હતી
રાજકોટની 8 બેઠક પર 2305601 મતદારો
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના આઠેય વિધાસનભા વિસ્તારોમાં મતદારોની સંખ્યા 23,05,601 નોંધાઇ છે. જેમાં 11,96,011 પુરૂષ મતદારો તથા 11,09,556 સ્ત્રી મતદારો છે. થર્ડ જેન્ડર શ્રેણીમાં 34 મતદાતા છે. રાજકોટ જિલ્લામાં 80 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરીકોની સંખ્યા 52,238 જેટલી છે તેમજ દિવ્યાંગ મતદારો 15,633 જેટલા છે.
કસોકસની ચૂંટણીની લડાઈ જામી
તેની સાથોસાથ ગોંડલની બેઠક પર જિલ્લામાં સૌથી ઓછા ચાર ઉમેદવારોએ ચૂંટણી લડી હોય આ બેઠકના રુઝાન અને પરિણામ પણ રાજકોટ પશ્ચિમની બેઠક સાથે જ અન્ય બેઠકોની સાપેક્ષમાં જાહેર થશે. જિલ્લાની 8 બેઠકો ઉપર કુલ 65 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાયો છે. જેમાં મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કસોકસની ચૂંટણીની લડાઈ જામી હતી.
રાજકોટ શહેરની 4 બેઠક પર મતદારોની સંખ્યા
વિધાનસભા વિસ્તાર પ્રમાણે જોઈએ તો રાજકોટ પૂર્વ બેઠકમાં 1,56,315 પુરૂષ, 1,40,889 સ્ત્રી મતદારો જ્યારે 2 થર્ડ જેન્ડર મળીને કુલ 2,97,206 મતદારો છે. રાજકોટ પશ્ચિમ બેઠકમાં 1,79,559 પુરુષ મતદાર, 1,74,382 મહિલા મતદાર, 6 થર્ડ જેન્ડર મતદાર મળીને કુલ 3,53,947 મતદાર છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં 1,32,933 પુરુષ મતદાર, 1,25,736 સ્ત્રી મતદાર, 4 થર્ડ જેન્ડર મતદાર મળીને કુલ 2,58,673 મતદાર છે. રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા વિસ્તારમાં 1,92,763 પુરુષ મતદાર, 1,74,186 સ્ત્રી મતદાર તથા 7 થર્ડ જેન્ડર મતદાર મળીને કુલ 3,66,956 મતદાર છે.
ગ્રામ્યની 4 બેઠક પર મતદારોની સંખ્યા
જસદણ બેઠકમાં 1,34,011 પુરુષ, 1,22,277 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,56,289 મતદાર છે. ગોંડલ બેઠકમાં 1,18,218 પુરુષ, 1,10,212 સ્ત્રી તથા 8 થર્ડ જેન્ડર મળીને કુલ 2,28,438 મતદારો છે. જેતપુર વિધાનસભા ક્ષેત્રમાં 1,43,504 પુરુષ, 1,32,108 સ્ત્રી તથા 5 થર્ડ જેન્ડર મળીને કુલ 2,75,617 મતદાર છે. ધોરાજી વિધાનસભા વિસ્તારમાં 1,38,708 પુરુષ, 1,29,766 સ્ત્રી તથા 1 થર્ડ જેન્ડર મળીને કુલ 2,68,475 મતદાર છે. રાજકોટ જિલ્લામાં 75,753 જેટલા નવા મતદારો નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો
વિધાનસભા 2017ની ચૂંટણી સમયે સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જેના કારણે આ વખતે કોઈ કાચું કપાઈ ન જાય તે માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના નેતાઓ સભાઓ ગજવી સૌરાષ્ટ્રમાં પરિવર્તન લાવી બેઠકો અંકે કરવા મહેનત કરી રહ્યા છે. ખુદ પ્રધાનમંત્રી રાજકોટ જિલ્લામાં 4-4 સભા કરી ચુક્યા છે ત્યારે રાજકોટ ભાજપનો ગઢ બનાવવા અને જાળવી રાખવા માટે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયું છે. વર્ષ 2017 માં પાટીદાર અનામત આંદોલનની અસર રાજકોટમાં ભલે જોવા મળી ન હતી પરંતુ ધોરાજી અને જસદણ બે બેઠક જરૂર ગુમાવાનો વારો ભાજપને આવ્યો હતો.
નેતાઓની સભા : જ્યાં મોદીએ સભા કરી ત્યાં તમામ બેઠક જીતી
જામનગર- મોદી અને કેજરીવાલ, દ્વારકામાં યોગી આદિત્યનાથ, ખંભાળિયામાં યોગી, અમિત શાહે સભા કરી હતી. આ બધી સીટ પર ભાજપની જીત થઇ છે.
રાજકોટ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, યોગી આદિત્યનાથ, જે.પી. નડ્ડા, કેજરીવાલ રોડ શો અને સભા મળી હતી. 8- 8 બેઠક પરથી ભાજપની જીત થઈ છે.
ભાવનગરમાં બે વખત મોદી, એક વખત કેજરીવાલ આવ્યા હતા. એ સિવાય પાલિતાણાની પણ મુલાકાત નરેન્દ્ર મોદીએ લીધી હતી. આ તમામ બેઠક પર ભાજપનો વિજય થયો છે.
આવું પ્રથમ વખત થયું : ધાર્મિક સ્થળોવાળી 8 બેઠક ભાજપે જીતી લીધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દેશભરમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના થઈ રહી છે. ત્યારે ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક સાથે બહુમતી મળી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જ્યાં મોટા ધાર્મિક સ્થળો છે જ્યાં દરરોજ લાખો ભાવિકો ઊમટી પડે છે તેવી કુલ 11 જેટલી બેઠક પૈકી 8 બેઠક ભાજપે જીતી છે જ્યારે બાકીની ત્રણ બેઠકમાંથી બે આમ આદમી પાર્ટી અને એક કોંગ્રેસે જીતી છે. ધાર્મિક સ્થળોવાળી 11 માંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે તે સોમનાથ બેઠક ભાજપે ગુમાવી છે.
પહેલા પૈસા હવે પાવર : ટોપ-10 કરોડપતિમાંથી ટીલાળા સહિત 5 જીત્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં કુલ 788માંથી 211 ઉમેદવાર કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. ટોપ-10 કરોડપતિ ઉમેદવારમાંથી સૌરાષ્ટ્રમાં 5 ઉમેદવાર વિજેતા થયા છે જ્યારે 4ની હાર થઇ છે. વિજેતા ઉમેદવારોમાં ભાજપના રાજકોટ દક્ષિણના રમેશભાઈ ટીલાળા (175 કરોડથી વધુ), દ્વારકાના પબુભા માણેક (115 કરોડ), જામનગર ઉત્તરના ઉમેદવાર રિવાબા જાડેજા (97 કરોડ), અમરેલીની લાઠી બેઠકના ઉમેદવાર જનકભાઈ તળાવિયા (58 કરોડ) અને ભાવનગર રૂરલના પરષોત્તમ સોલંકી (53 કરોડ) મોટી લીડથી વિજેતા જાહેર થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.