સૌરાષ્ટ્ર-કચ્છના મતદાનનું એનાલિસિસ:ઝૂલતા પુલની ઘટના પછી મોરબીમાં પાંચ ટકા મતદાન ઘટ્યું, ઉમેદવારો ટીંગાયા, કોળીઓમાં 7 થી 11 ટકા જેટલું ઓછું મતદાન

રાજકોટ2 મહિનો પહેલા
  • પાટીદાર જિલ્લા અમરેલીમાં ગયા વર્ષ જેટલું જ મતદાન પણ પેટર્ન અકળ, મોદીએ સભાઓ કરી ત્યાં સરેરાશ 60 ટકા મતદાન

સૌરાષ્ટ્ર-કચ્છમાં પહેલા તબક્કાના મતદાનમાં સવારથી ગજબનો ઉત્સાહ હતો પણ આ ઉત્સાહ સોડા જેવો હતો. જરા ઊભરો આવ્યો ને પછી ઠરી ગયો. મતદાન ધીમેધીમે ઓછું થતું ગયું. 2017 કરતાં વધારે જ મતદાન થશે અને મતદાનમાં 2012નો રેકોર્ડ તૂટશે એવી અપેક્ષા ઉમેદવારોને હતી, પણ આ અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે. પહેલા તબક્કાનું મતદાન અત્યંત ઓછું થયું છે. 2012માં 72.2 ટકા સરેરાશ મતદાન થયું હતું જ્યારે 2017માં 69.01 ટકા સરેરાશ મતદાન થયું હતું. આ વખતે પહેલા તબક્કામાં સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપંચના જે આંકડા આવ્યા તે મુજબ 59.24 ટકા સરેસાશ મતદાન થયું છે. કદાચ એકાદ-બે ટકા વધે તો એનો અર્થ એવો થાય કે 2007ની પેટર્ન મુજબ મતદાન થયું. 2007માં 59.77 ટકા મતદાન થયું હતું. પાટીદાર બેઠકો પર મોરબીમાં ઓછું તો અમરેલીમાં ગયા વર્ષની પેટર્ન મુજબ મતદાન થયું છે તો કોળી મતદારો નિરસ રહેતાં પક્ષો મુંઝાયા છે. કચ્છમાં પણ ગાંધીધામ અને માંડવી બેઠક પર મતદાન ખૂબ ઓછું થતાં તે પણ ચિંતાનો વિષય છે.
આ વખતે તમામ મુદ્દા ચાલ્યા
આ વખતની ચૂંટણીના પડઘમ આમ તો ફેબ્રુઆરીથી વાગવાના શરૂ થઈ ગયા હતા. સૌથી વધારે મોંઘવારીનો મુદ્દો ચાલ્યો. ગાંધીનગરમાં આંદોલનો થયા. હડતાળો થઈ અને મોરબીના ઝૂલતા પુલની ઘટનાના કારણે તો ગુજરાતની ચૂંટણી શિયાળામાં વધારે ગરમ બની. આ બધા વચ્ચે આ વખતની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ. આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના આપ સરકારના મુખ્યમંત્રી ભગવંત માને સભાઓ અને રોડ શો કર્યા. ત્રીજી પાર્ટી છેલ્લા છ મહિનાથી વધારે ચર્ચામાં રહી અને દરેક પક્ષે એડીચોટીનું જોર લગાવી દીધું. ભાજપે તો સભા સ્થળે જ જમણવારના આયોજન કર્યા. પેટ્રોલ, ડિઝલના ભાવ, જીએસટી, પેન્શનના મુદ્દા લોકોમાં ચર્ચાતા રહ્યા. પણ અંતે તો લોકોએ ઈવીએમમાં મત આપી દીધો છે. રહસ્યના આટાપાટાથી ભરેલી આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવે પછી જ ખબર પડે.
મોદી અને અમિત શાહે સભા કરી હતી ત્યાં ટ્રેન્ડ કેવો રહ્યો?
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન હતું ત્યાં નરેન્દ્ર મોદીએ 12 સભા અને અમિત શાહે 7 સભા સંબોધી હતી. કેજરીવાલે પણ 4 રોડ શો કર્યા હતા અને ત્રણ સભા સંબોધી હતી. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ માત્ર બે સભા સંબોધી હતી. જ્યાં જ્યાં રાષ્ટ્રીય દિગ્ગજોની સભા થઈ ત્યાં મતદારોનો મૂડ એવો જ જોવા મળ્યો જોવો દર વખતે હોય છે. એનો અર્થ એવો થયો કે રાજકીય પક્ષો સભા, રોડ શો, સંમેલનો જે કરવું હોય તે કરે, મતદારો પણ જે કરવું હોય તે જ કરવાના છે એ આજે થયેલા મતદાન પરથી ખ્યાલ આવી ગયો. નરેન્દ્ર મોદીએ ધોરાજી, અમરેલી, રાજકોટ, ભાવનગર, નવસારી, બોટાદ, સુરત સહિતના સ્થળોએ એક ડઝન સભા કરી તે સીટ પર સરેરાશ 60 ટકા મતદાન થયું. જ્યારે અમિત શાહે જ્યાં સભા કરી તે જસદણ, અમરેલી, મહુવા સહિતના સ્થળોએ સરેરાશ 45થી 60 ટકા મતદાન થયું. રાહુલ ગાંધીએ પણ રાજકોટમાં એક સભા કરી. તેની ખાસ અસર સૌરાષ્ટ્રમાં દેખાઈ હોય એવું લાગતું નથી.
સૌરાષ્ટ્રની પાટીદાર પ્રભાવિત બેઠકો પર મતદાનનો કેવો રહ્યો મૂડ?
સૌરાષ્ટ્ર-કચ્છના બાર જિલ્લા ને 54 બેઠકોમાંથી મોરબી, રાજકોટની ધોરાજી, જેતપુર, રાજકોટ સાઉથ, જામનગરની ગ્રામ્ય, ઉત્તર, જૂનાગઢની વિસાવદર, માણાવદર, અમરેલીમાં રાજુલાને બાદ કરતાં ચારેય બેઠક ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને ભાવનગર જિલ્લાની મહુવા સીટ પાટીદાર મતદાર પ્રભુત્વ ધરાવતી સીટો છે.એમા પણ મોરબી અને અમરેલી સંપૂર્ણ પાટીદાર પ્રભાવિત જિલ્લા છે અને તેમાં 2017નું ચિત્ર જોઈએ તો 2017માં મોરબીમાં સરેરાશ 73.66 અને અમરેલીમાં સરેરાશ 61.84 ટકા મતદાન થયું હતું. પાટીદાર પ્રભાવિત સીટ તો 23 જેટલી છે પણ મહત્વના બે જિલ્લા છે. આ વખતે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જે આંકડા સામે આવ્યા તેમાં મોરબીમાં સરેરાશ 67.65 ટકા મતદાન થયું છે જે ગયા વખત કરતાં પાંચ-છ ટકા ઓછું છે જ્યારે અમરેલીમાં લગભગ ગયા વખત જેટલું જ છે. અમરેલીમાં 57.06 ટકા મતદાન 5 વાગ્યા સુધીમાં નોંધાયું. એમાં આવતીકાલ સવાર સુધીમાં બે-ચાર ટકાનો ફેર પડે તોય ગયા વખત જેટલું જ મતદાન થયું છે. જો કે અમરેલીમાં ગયા વખતે પાટીદાર આંદોલનની અસર હતી. આ વખતે એ ફેક્ટર નથી. પાટીદાર મતદારોનો રૂખ કઈ બાજુ રહ્યો તે કળી શકાય એવું નથી.

પાટીદાર પ્રભાવિત બેઠકોમાં થયેલું મતદાન

બેઠક20172022
વિસાવદર62.3250.10
માણાવદર65.9059.34
ધારી60.0752.70
અમરેલી63.4355.76
લાઠી61.9358.66
સાવરકુંડલા56.4454.18
મોરબી71.7467.16
ટંકારા74.5064.23

સૌરાષ્ટ્રની કોળી પ્રભાવિત બેઠકો પર ઓછું મતદાન
સૌરાષ્ટ્રમાં કોળી મતદારો વધારે છે અને કોળી મતદારોનું પ્રભુત્વ હોય તેવી સીટો પર સૌની નજર રહેતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, લીંબડી બેઠકો અને રાજકોટની જસદણ બેઠક કોળી મતદારોથી પ્રભાવિત બેઠકો છે. આ સિવાય જૂનાગઢની કેશોદ, માંગરોળ અને ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉનામાં કોળી મતદારોની સંખ્યા બહુ મોટી છે. ગીર સોમનાથ જિલ્લામાં 2017માં સરેરાશ 69.26 ટકા વોટિંગ થયું હતું. આ વખતે જે ટ્રેન્ડ સામે આવ્યો છે તેમાં ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ 60.46 ટકા પાંચ વાગ્યા સુધીમાં થયું. એટલે સાતથી આઠ ટકા મતદાન ઘટ્યું. આ જિલ્લામાં ગયા વખતની જેમ સોમનાથ બેઠક પર સૌથી વધારે મતદાન 66.54 થયું છે. આ વખતે સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પર 62.57 ટકા મતદાન થયું છે જ્યારે ગયા વખતે 2017માં 66.26 ટકા હતું. એવી રીતે રાજકોટની જસદણ બેઠક પર 2017માં 73.95 ટકા મતદાન હતું જ્યારે આ વખતે 62.35 મતદાન થયું. કદાચ આ વધીને 60-61 ટકા થાય તો પણ 7થી11 ટકા ઓછું મતદાન ગણાય. એવી રીતે ચોટીલામાં પણ 4 ટકા ઓછું મતદાન થયું છે. કોળી બેઠકો પર ઓછું મતદાન ચિંતાનો વિષય છે.

કોળી પ્રભાવિત બેઠકોમાં થયેલું મતદાન

બેઠક20172022
ચોટીલા66.2662.57
જસદણ73.9562.35
સોમનાથ75.9866.54
કોડીનાર66.3957.32
તાલાલા70.2260.24
ઊના64.1957.42
કેશોદ61.9561.61
લીંબડી63.7461.25

કચ્છમાં ઓછું મતદાન પક્ષો માટે ચિંતા સર્જે છે
કચ્છીઓ આમ તો ઉત્સાહથી મતદાન કરે છે. પણ આ વખતે મતદાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતાં રાજકીય પક્ષો મુંઝવણમાં મૂકાયા છે. ખાસ કરીને કચ્છમાં ઓછા મતદાને ચિંતા વધારી છે. કચ્છમાં બે બેઠકો પર ધાર્યા કરતાં ખૂબ ઓછું મતદાન થયું છે. માંડવીમાં ગયા વખતે 71.16 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે પાંચ વાગ્યા સુધીમાં માંડ 52.55 ટકા મતદાન થયું. એનો મતલબ એ કે 17-18 ટકા ઓછું મતદાન નોંધાયું. બીજી ગાંધીધામ બેઠક છે એમાં 2017માં 54.54 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે 39.89 ટકા મતદાન થયું. કાદચ બે-ત્રણ ટકા વધે તો પણ 13-14 ટકા ઓછું મતદાન થયું કહેવાય. માંડવી અને ગાંધીધામની સીટ પરના મતદાને સૌને ચકરાવે ચડાવી દીધા છે.
સૌરાષ્ટ્ર-કચ્છની દિવસભરની ઘટના અને મતદાનનો ટ્રેન્ડ તથા ટકાવારી જાણવા નીચેના સમાચારો વાંચો...

સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. સવારના 8થી 5 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન યોજાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સંભવિત 58.54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મોરબીમાં 67.65 ટકા અને સૌથી ઓછું પોરબંદરમાં 53.84 ટકા મતદાન નોંધાયું છે.

રાજકોટ પૂર્વ બેઠક પર પાટીદારોનું ભાજપને સમર્થન
રાજકોટ પૂર્વ બેઠક પર પાટીદારોનું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે ભાજપે ઓબીસી સમાજમાંથી આવતા ઉદય કાનગડને ટિકિટ આપતા એક તબક્કે પાટીદારોમાં નારાજગી વ્યાપી હતી. પરંતુ આજે પાટીદાર મતદાર કમળના નિશાન પર બટન દબાવી જય સરદાર લખેલી ચિઠ્ઠી મૂકી રહ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. બીજી તરફ શહેરમાં બોગસ વોટિંગ થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો હતો. રાજેશભાઈ લખમણભાઈ કોટડિયા નામના મતદારના નામે બોગસ વોટિંગ થયાની ફરિયાદ ઉઠી હતી. રાજેશભાઈ વિવેકાનંદ કોલેજ જૂની વિદ્યાલય ખાતે મત આપવા પહોંચ્યા હતા. ફરજ પરના સ્ટાફે તેમનો મત અપાઇ ચૂક્યો હોવાનું કહેતા અચરજમાં મૂકાયા હતા. દક્ષિણ બેઠક પરના આ બોગસ વોટિંગ અંગે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

ખંભાળિયાના બુથમાં VIPની જેમ મતદારોનું સ્વાગત કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મતદાર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સ્પેશિયલ મતદાન મથકો પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા હતા. વધુમાં વધુ લોકો મતદાન કરે તે ઉપરાંત લોકો પોતાના મતાધિકાર દ્વારા લોકશાહીને વધુ સશક્ત બનાવવામાં સહભાગી બને તેવા ઉમદા ઉદ્દેશથી ચૂંટણી તંત્ર દ્વારા અનેક સફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખંભાળિયા વિધાનસભામાં આવેલ કજુરડા વાડી પ્રાથમિક શાળામાં આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. અહીં મતદારો માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. મતદાન કરવા આવતા મતદારોને ગુલાબનું ફૂલ આપી આવકારવામાં આવ્યા હતા. તેમજ મતદારોને શિવરાજપુર બીચ ખાતેની એન્ટ્રી ટિકિટ પણ આપવામાં આવી હતી.

ચોરવાડમાં 115 વર્ષના જાનાબેને મત આપ્યો
ચોરવાડમાં 115 વર્ષનાં જાનાબેન મેપાભાઈ ચૂડાસમા ચોરવાડ બૂથ નં.147માં પરિવારના સહારે મતદાન કરવા આવ્યાં હતાં. જાનાબેનની કાયા તો ગળી ગઈ છે, પણ લોકશાહીના પર્વને ઊજવવા જુસ્સો આજે પણ યુવાવસ્થા જેવો દેખાયો હતો. ખરા અર્થમાં જાનાબેને જ લોકશાહીના પર્વને ઊજવી બતાવ્યો હતો.

જાનાબેન ચૂડાસમાએ મત આપી લોકશાહીના પર્વને ઊજવ્યું.
જાનાબેન ચૂડાસમાએ મત આપી લોકશાહીના પર્વને ઊજવ્યું.

જામજોધપુરના ધ્રાફામાં લોકોનો મતદાન બહિષ્કાર કર્યો હતો
ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ન બનાવાતાં મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઊભું કરવામાં આવતું હતું, પરંતુ આ ચૂંટણીમાં અલગ બૂથની વ્યવસ્થા ન થતાં નારાજ થયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

ઉના અને માધુપુરમાં વાજતેગાજતે મતદાન થયું
ઉનાના ખાપટ ગામે ઢોલ-નગારાના તાલે 150 લોકો એકસાથે મળી મતદાન કરવા પહોંચ્યા હતા. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભા મતવિસ્તારના માધુપુરમાં ઊભા કરાયેલા ‘વસુધૈવ કુટુંબકમ’ મતદાન મથક ખાતે પણ સીદી સમુદાયના મતદારોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિવ્ય ભાસ્કરના અહેવાલના પડઘા પડ્યા
જૂનાગઢમાં મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હોવાનો અહેવાલ દિવ્યભાસ્કમાં પ્રસિદ્ધ થતા જ કલેક્ટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આને લઈને પગલા લેવામાં આવશે. મતદારોએ મત આપી ફોટો વાઇરલ કર્યા હતા. આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફોટો વાઇરલ કરનાર અંગે તપાસ શરૂ કરાઇ છે.

આક્ષેપ મુજબ બોગસ મતદાન કરાવતો શખસ (ડાબી બાજુ) અને મોબાઈલ સાથે મતદાન કરવા જતી મહિલા નજરે પડી હતી (જમણી બાજુ)
આક્ષેપ મુજબ બોગસ મતદાન કરાવતો શખસ (ડાબી બાજુ) અને મોબાઈલ સાથે મતદાન કરવા જતી મહિલા નજરે પડી હતી (જમણી બાજુ)
ઉનાના ખાપટ ગામે ઢોલ-નગારા સાથે 150 લોકો એકસાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
ઉનાના ખાપટ ગામે ઢોલ-નગારા સાથે 150 લોકો એકસાથે મતદાન કરવા પહોંચ્યા હતા.
સીદી સમયુદાયના લોકો પરંપરાગત વેશભૂષામાં મતદાન કરવા પહોંચ્યા હતા.
સીદી સમયુદાયના લોકો પરંપરાગત વેશભૂષામાં મતદાન કરવા પહોંચ્યા હતા.

નરેશ પટેલે મતદાન કરી બે બાજુ ગોળ ભાંગ્યો
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. એક તરફ તેમણે કહ્યું, ગુજરાતનો વિકાસ થાય એ માટે મતદાન કર્યું છે તો બીજી તરફ સારું મતદાન થાય તો મૂડમાં ચેન્જ થયો કહેવાય એવું કહી બન્ને બાજુ ગોળ ભાંગ્યો હતો તેમજ ખોડલધામ દ્વારા કોઈપણ પક્ષનો પ્રચાર નહીં કરવાનો પણ દાવો કર્યો હતો. ગોંડલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. ભાજપના ઉમેદવારને મત આપતા હોય એવો વીડિયો વાઇરલ થયો હતો

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ મતદાન કર્યું હતું
જામખંભાળિયાના વતની, રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ આજે સવારે ખંભાળિયામાં મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે થાનગઢમાં મતદાન કર્યું હતું.

કેશોદમાં મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હતો
કેશોદમાં મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હતો. મતદારોએ મત કોને આપ્યો તેવો વીડિયો વાઇરલ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હોય એવો વીડિયો વાઇરલ થયો હતો. કોંગ્રેસના ગ્રુપમાં વીડિયો વાઇરલ થયો હતો.

ગોંડલનું દાળિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું
ગોંડલનું દાળિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું

રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે બોલાચાલી થયાની ચર્ચા ઊઠી
ગોંડલ તાલુકાના દાળિયા ગામે પોલીસકાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. રીબડા અને ગોંડલ જૂથના સભ્યો વચ્ચે દાળિયા ગામે બોલાચાલી થઈ હોવાની ચર્ચા ઊઠી હતી. દાળિય ગામે બબાલ થયાના સમાચાર આવતાંની સાથે પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. SRP જવાન અને પોલીસ સાથે બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય જાડેજાએ આ સમાચાર અફવા હોવાનું જણાવ્યું હતું. જો કે દાળિયા મતદાન મથક પોલીસ-છાવણીમાં ફેરવાયું હતું.

અંજારમાં ચૂંટણી સ્ટાફ જમવા બેસી જતાં મતદારો પરેશાન થયા
અંજાર શહેર ખાતેના પોલીસ સ્ટેશન પાછળ આવેલી શાળા નંબર 14ના રૂમ નંબર 2માં સખી મતદાન મથકનો મહિલા પોલિંગ સ્ટાફ કેન્દ્રના પ્રવેશદ્વાર પર ખુરસી આડી મૂકી મતદાન પ્રક્રિયા બંધ કરી જમવા બેસી જતાં મતદારોને કતારમાં રાહ જોવી પડી હતી. જોકે તંત્ર દ્વારા ગંભીર બેદરકારીને કારણે લોકોમાં નારાજગી ફેલાઈ હતી.

ચાલુ મતદાનમાં સ્ટાફ જમવા બેસી જતાં મતદારો પરેશાન.
ચાલુ મતદાનમાં સ્ટાફ જમવા બેસી જતાં મતદારો પરેશાન.

માણાવદરમાં ઈવીએમ બંધ પડતાં મતદારો પરેશાન
માણાવદરમાં સરકારી હાઈસ્કૂલ ખાતે બૂથ મથક નંબર 54માં ઇવીએમ ખરાબ થતાં લોકોની લાંબી કતારો લાગી છે. છેલ્લી 30 મિનિટથી મશીન બંધ હાલતમાં છે, આથી મત આપવા આવેલા મતદારો પરેશાની ભોગવી રહ્યા છે.

માણાવદરમાં ઈવીએમ બંધ થતાં મતદારો પરેશાન.
માણાવદરમાં ઈવીએમ બંધ થતાં મતદારો પરેશાન.

ઇન્દ્રભારતી બાપુ સહિત ભવનાથના સંતોએ કર્યું મતદાન
ભવનાથમાં સાધુ-સંતોએ મતદાન કર્યું હતું. ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હરિગિરિ બાપુએ મતદાન કર્યું હતું. ગીરનાર મહામંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ પણ મતદાન કર્યું હતું. ભાવનગરમાં સદી વટાવી ચૂકેલા ગોળીબાર મંદિરના મહંત મદન મોહનદાસ બાપુએ મતદાન કર્યું હતું. મદન મોહનદાસ બાપુની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

ટંકારાના ભાજપના ઉમેદવારે એક્ટિવા પર મતદાન કરવા નીકળ્યા હતા
ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરિયા પત્ની સાથે એક્ટિવા પર મતદાન કરવા પહોંચ્યા હતા. મોરબી જિલ્લાની ટંકારા બેઠક પર ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરિયાએ આજે અનોખા અંદાજમાં મતદાન કર્યું હતું. ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરિયાએ આજે સવારે પોતાના ઘેર વૃદ્ધ માતાના આશીર્વાદ લઈ માતાજીનાં દર્શન કર્યા બાદ કુમકુમ તિલક કરાવ્યું હતું અને બાદમાં દહીંની ચમચી આરોગી પોતાનાં પત્ની સાથે એક્ટિવા પર વતન લીલાપર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.

ભારત દેશની અંદર સૌથી અનોખા ગીર સોમનાથ જિલ્લાના વન વોટર માટે બૂથ પર સંત હરિદાસ બાપુએ મતદાન કરી સૌને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ભારત દેશની અંદર આ એકમાત્ર એવું બૂથ છે, જે માત્ર એક જ વ્યક્તિના વોટ માટે ગીર જંગલની મધ્યમાં તૈયાર કરવામાં આવે છે. 15 વ્યક્તિના ઇલેક્શન સ્ટાફ સાથે વિધિવત્ રીતે એક બૂથ ઊભું કરે છે, જેમાં ગીર જંગલની મધ્યમાં આવેલા બાણેજા આશ્રમના મહંત હરિદાસ બાપુ અચૂક મતદાન કરે છે. આમ, આ બૂથ પર 100 ટકા મતદાન થાય છે. આજે પણ હરિદાસ બાપુએ મતદાન કર્યું હતું.

બાણજ આશ્રમના મહંત હરિદાસ બાપુએ મત આપ્યો.
બાણજ આશ્રમના મહંત હરિદાસ બાપુએ મત આપ્યો.

ધોરાજીમાં નકલી બીએલઓ ઝડપાયો
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુને ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં ગેરકાયદે પ્રિસાઈડિંગ ઓફિસરની કામગીરી કરતી વ્યક્તિની માહિતી મળતાંની સાથે જ ત્વરિત પગલાં લેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં ધોરાજી મતદાન મથક 169માં બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર કામગીરી કરી રહ્યાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર ઉપર તાત્કાલિક કાર્યવાહી કરતાં જાણવા મળ્યું હતું કે બોગસ પ્રિસાઈડિંગ ઓફિસર નહીં, પરંતુ બૂથ લેવલ ઓફિસર તેમની પત્નીની જગ્યાએ બી.એલ.ઓ ગેરકાયદે રીતે કામગીરી કરી રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ગેરકાયદે બી.એલ.ઓ.ને હટાવીને નવા બી.એલ.ઓ.ને નિયુક્ત કરવામાં આવ્યા છે. અપક્ષ ઉમેદવારે આક્ષેપ કર્યો છે કે આ શખ્સ બોગસ મતદાન કરાવતો હતો.

ધોરાજીમાં મહિલા બીએલઓ નવ વાગ્યે આવ્યા ત્યાં સુધી તેનો પતિ નકલી બીએલઓ બની ગેરકાયદે પ્રવૃત્તિ કરતો.
ધોરાજીમાં મહિલા બીએલઓ નવ વાગ્યે આવ્યા ત્યાં સુધી તેનો પતિ નકલી બીએલઓ બની ગેરકાયદે પ્રવૃત્તિ કરતો.

રાજકોટમાં વરરાજાનું લગ્ન પહેલાં મતદાન
રાજકોટમાં વરરાજાએ લગ્ન પહેલા રામનાથપરા જૂની જેલની સામે શાળા નંબર 16 ખાતે મતદાન કર્યું હતું. કેવલ ભાવસાર નામના વરરાજા મતદાન કરવા આવ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે તેમને લગ્નની શુભકામના પાઠવી હતી. ​

ભુજના માનકુવા નવ દંપતી મતદાન કરવા પહોંચ્યું, બન્ને એક જ ગામના.
ભુજના માનકુવા નવ દંપતી મતદાન કરવા પહોંચ્યું, બન્ને એક જ ગામના.
રાજકોટમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું.
રાજકોટમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું.

ભચાઉમાં મતદાન મથકો પર મતદારો જ નહીં
ભચાઉ શહેરમાં મતદારોમાં નિરસતા જોવા મળી હતી. ભચાઉ વિસ્તારનો સમાવેશ ગાંધીધામ બેઠકમાં થાય છે. આ બેઠક અનુસૂચિત અનામત હોવાથી સરેરાશ મતદાન જિલ્લામાં અન્ય વિસ્તાર કરતા નીચું રહે છે.

ભચાઉમાં મતદાન મથક પર કાગડા ઉડ્યા હતા
ભચાઉમાં મતદાન મથક પર કાગડા ઉડ્યા હતા

​​​​​રવીન્દ્ર જાડેજાએ મતદાન કર્યું, પત્ની રીવાબા સાથે રહ્યા
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ આજે જામનગરમાં પંચવટી કોલેજમાં મતદાન કર્યું હતું. રવીન્દ્ર જાડેજાની સાથે તેમનાં પત્ની અને જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રીવાબા પણ જોડાયાં હતાં. મોરારિબાપુએ તલગાજરડાની સ્કૂલમાં બનાવેલા પોલિંગ બૂથમાં મતદાન કર્યું છે. જ્યારે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ ગઢડાની તાલુકા શાળા ખાતે મતદાન કર્યું હતું અને તમામ લોકોએ ફરજિયાત મતદાન કરવા કરી અપીલ કરી હતી.

મોરબી-માળિયા બેઠક પર 13 ઇવીએમ ખરાબ થતાં બદલાયા
મોરબી-માળિયા બેઠક પર 13 ઈવીએમ ખરાબ થતા બદલવામાં આવ્યા હતા. મોકપોલ વખતે 6 કન્ટ્રોલ યુનિટ, 3 બેલેટ યુનિટ અને 4 વીવીપેટ ખરાબ થયા હતા. જેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવ્યા હતા. નાના ભેલા, રંગપર, કાજરડા, અંજીયાસર અને મોરબી શહેરના ત્રણ ઇવીએમ ખરાબ થયા હતા. જ્યારે વાંકાનેર બેઠકમાં 17 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. આ રીતે ટંકારા-પડધરી વિધાનસભા બેઠકમાં મોકપોલ દરમિયાન 2 બેલેટ યુનિટ, 2 કંટ્રોલ યુનિટ અને એક વીવીપેટ બદલવા પડ્યા અને મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં મતદાન શરૂઆત પહેલા મોકપોલ દરમિયાન કુલ 32 ઈવીએમ બદલવા પડ્યા હતા.

બોટાદમાં દુલ્હને પ્રભુતામાં પગલા પાડતા પહેલા મતદાન કર્યું.
બોટાદમાં દુલ્હને પ્રભુતામાં પગલા પાડતા પહેલા મતદાન કર્યું.

બોટાદમાં લગ્ન પહેલા દુલ્હને પ્રથમવાર મતદાન કર્યું
બોટાદમાં દુલ્હને લગ્ન પહેલા પ્રથમવાર મતદાન કર્યું હતું. તેમજ અન્ય લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કૃપાબા ધાધલે પ્રભુતામાં પગલાં પાડતા પહેલા મતદાન કર્યું હતું. લગ્ન પહેલા સૌપ્રથમ વખત મતદાન કરતા શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી ખુશી થઈ હોવાનું જણાવ્યું હતું.

NCP છોડી આપમાં જોડાયેલા રેશ્મા પટેલે મતદાન કર્યું
માંગરોળ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમાર પોતાની પત્ની અને દીકરી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. NCP પાર્ટી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ રેસમાં પટેલ જૂનાગઢ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. માંગરોળ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગઠિયા મતદાન કરવા પહોંચ્યા હતા.

આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમાર પોતાની પત્ની અને દીકરી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા
આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમાર પોતાની પત્ની અને દીકરી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા
જૂનાગઢમાં આપના ઉમેદવારે મતદાન કરી ઈવીએમનો ફોટો વાઇરલ કર્યો.
જૂનાગઢમાં આપના ઉમેદવારે મતદાન કરી ઈવીએમનો ફોટો વાઇરલ કર્યો.

જૂનાગઢમાં મતદારો મતદાન ગુપ્તતાનો ભંગ કર્યો હતો. વધુ એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ફોટોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરા પણ દેખાયા હતા.

મોરારિબાપુએ તલગાજરડામાં મતદાન કર્યું.
મોરારિબાપુએ તલગાજરડામાં મતદાન કર્યું.

રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બબાલ થઈ
રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે. રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજસિંહ મતદાન મથકમાં ઇન્ટરવ્યૂ આપે છે. રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવે છે.

ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ ભાવનગરમાં મતદાન કર્યું હતું.

રીબડામાં અનિરુદ્ધસિંહને પોલીસ સાથે બોલાચાલી થઈ.
રીબડામાં અનિરુદ્ધસિંહને પોલીસ સાથે બોલાચાલી થઈ.

આપના ઉમેદવાર સાઇકલ પર મતદાન કરવા નીકળ્યા હતા
હાઈ પ્રોફાઈલ રાજકોટ પશ્ચિમ બેઠકના આપના ઉમેદવાર દિનેશ જોષી સાઇકલ પર મતદાન કરવા નીકળ્યા અને આગળ તેલનો ડબ્બો અને પાછળ ગેસનો બાટલો રાખ્યો હતો.

દિનેશ જોશી સાઇકલ પર ગેસનો બાટલો અને તેલના ડબ્બા સાથે મત આપવા નીકળ્યા હતા.
દિનેશ જોશી સાઇકલ પર ગેસનો બાટલો અને તેલના ડબ્બા સાથે મત આપવા નીકળ્યા હતા.

માલધારી અગ્રણીએ ગાય-વાછરડા સાથે મતદાન કર્યું
રાજકોટમાં આજે અનોખું મતદાન થયું હતું. માલધારી સમાજના અગ્રણી રણજિત મુંધવાએ માલધારી સમાજનો પહેરવેશ પહેરી ગાય અને વાછરડા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. લમ્પી વાઇરસમાં સરકારની કામગીરી સામે રોષને કારણે તેમણે ગાય સાથે મતદાન કરવા નીકળ્યા હતા.

રણજિત મુંધવા માલધારી સમાજના પહેરવેશમાં ગાય અને વાછરડા સાથે મતદાન કરવા નીકળ્યા હતા.
રણજિત મુંધવા માલધારી સમાજના પહેરવેશમાં ગાય અને વાછરડા સાથે મતદાન કરવા નીકળ્યા હતા.

રાજકોટના રાજવી પરિવારે વિન્ટેજ કારમાં આવી મતદાન કર્યું
રાજકોટનાં ઠાકોર સાહેબ માંધાતસિંહજી જાડેજા પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન મથક પહોંચ્યા હતા. જે કારમાં તેઓ મતદાન કરવા ગયા હતા તે રાજ પરિવારની વિશિષ્ટ ફોર–ડોર સ્ટુડ બેકર કમાંડર કનવરતીબલ સેદાન વર્ષ 1933 સ્ટ્રેટ એઇટ સિલિન્ડર એન્જિન જે 2013 Cartier Concours d'Eleganceમાં જાહેર માન્યતા “RESURRECTION CLASS”માં વિજેતા બની છે. આજ રોજ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેઓ અને રાજ પરિવાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર લઇને પહોંચતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે તેમણે અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.

જયરાજસિંહ રીબડા પહોંચતાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.
જયરાજસિંહ રીબડા પહોંચતાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

ગોંડલના જયરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહના ગઢ રીબડા પહોંચ્યા હતા, આથી રીબડામાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. રીબડા પ્રાથમિક શાળા ખાતે વધારાની એક SRP ટીમ તહેનાત કરવામાં આવી હતી. રીબડામાં કુલ 1251 મતદારનો સમાવેશ થાય છે. અંજાર બેઠકના ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાએ રત્નાલ ગામ ખાતે મતદાન કર્યું, તેમણે ઇવીએમમાં બટન દબાવતો ફોટો પણ પાડ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

અંજારમાં ભાજપના ઉમેદવાર બટ દબાવતો ફોટો પાડી વાઇરલ કર્યો.
અંજારમાં ભાજપના ઉમેદવાર બટ દબાવતો ફોટો પાડી વાઇરલ કર્યો.
પરેશ ધાનાણીએ અનોખી રીતે મતદાન કર્યું.
પરેશ ધાનાણીએ અનોખી રીતે મતદાન કર્યું.

આજે પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારમાં જ મતદારોની લાંબી લાઈન લાગી હતી. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ગેસનો બાટલો સાઇકલ પાછળ બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો. જૂનાગઢમાં મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હતો. મતદારે મત કોને આપ્યો તેવા ફોટા વાઇરલ કર્યા હતા. ભાજપના ઉમેદવારને મત આપ્યો તેવા ફોટો વાઇરલ કર્યા હતા. ખીમજી રામ નામના મતદારે ફોટો વાઇરલ કર્યો હતો. ભાજપના ગ્રુપમાં ફોટો વાઇરલ થયો હતો.

ગોંડલમાં ભગવતપરામાં મતદાન બૂથમાં ઈવીએમમાં ખામી સર્જાતાં તંત્ર ધંધે લાગ્યું.
ગોંડલમાં ભગવતપરામાં મતદાન બૂથમાં ઈવીએમમાં ખામી સર્જાતાં તંત્ર ધંધે લાગ્યું.

ગોંડલ ભગવતપરા શાળા નંબર 5માં ઇવીએમમાં ખામી સર્જાઇ હતી
ગોંડલ ભગવતપરા શાળા નં.5માં ઈવીએમમાં ખામી સર્જાઇ હતી. બૂથ નં. 135 નંબરમાં EVMમાં ખામી સર્જાતાં મતદાતાઓમાં રોષ જોવા મળ્યો હતો. ગોંડલ નગરપાલિકાના સદસ્ય ચંદુભાઈ ડાભીને જાણ થતાં જ તરત બૂથ પર પહોંચીને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી કે.વી. બાટીની ટીમ કામે લાગી હતી..

જૂનાગઢમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
જૂનાગઢમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજકોટ, ધોરાજી, જૂનાગઢમાં મતદારોની લાંબી લાઈન હતી
ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદાન શરૂ થયું હતું. રાજકોટ, જૂનાગઢ અને ધોરાજીમાં સવાર સવારમાં મતદારોની લાંબી લાઇન લાગી ગઈ હતી. ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મતદાન કર્યું હતું. તેમજ ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ પત્ની સાથે અને ઉદય કાનગડે પરિવાર સાથે મતદાન કર્યું હતું. રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુએ પત્ની સાથે મતદાન કર્યું હતું. જ્યારે ગ્રામ્યમાં જેતપુરના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ મતદાન કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો કિંમતી મત આપી લોકશાહીના પર્વને ઊજવ્યું હતું.

રીવાબા અને જયરાજસિંહે મતદાન કર્યું.
રીવાબા અને જયરાજસિંહે મતદાન કર્યું.

રીવાબાએ રાજકોટમાં તો જયરાજસિંહે ગોંડલમાં મતદાન કર્યું
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રીવાબાએ રાજકોટની આઇ.પી. મિશન સ્કૂલમાં મતદાન કર્યું હતું. રીવાબા રાજકોટના હોવાથી તેમનું મતદાન રાજકોટમાં આવે છે, આથી પોતાની બેઠક પર પોતાને જ નહીં, પણ રાજકોટમાં મતદાન કરવું પડ્યું હતું. રીવાબાએ નણંદ નયનાબા વિશે જણાવ્યું હતું કે એક જ પરિવારમાં છીએ પણ તેમની વિચારધારા અલગ હોઈ શકે, મારે માટે કોઈ મુશ્કેલ નથી. જ્યારે ગોંડલ બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણશે મતદાન કર્યું હતું.

વયોવૃદ્ધ મતદારને મતદાન કરવા માટે પોલીસે મદદ કરી.
વયોવૃદ્ધ મતદારને મતદાન કરવા માટે પોલીસે મદદ કરી.

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પૂર્વ CM વિજય રૂપાણીએ મતદાન કર્યું
લોકશાહીના પર્વમાં રાજકોટ શહેર (પશ્ચિમ) વિધાનસભા મતવિસ્તાર, મતદાન મથક નંબર 267 વોર્ડ નંબર 8, હરિહર કોમ્યુનિટી હોલ, હરિહર સોસાયટી ખાતે કર્ણાટક રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મતદાન કર્યું હતું. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમનાં ધર્મપત્ની અંજલિબેને રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં અનિલ જ્ઞાનમંદિર બ્રહ્મ સમાજ સોસાયટી મતદાન મથક નંબર 66 ખાતેથી પવિત્ર મતદાનની ફરજ અદા કરી હતી.

વિજય રૂપાણીએ પત્ની અંજલિબેન સાથે મતદાન કર્યું.
વિજય રૂપાણીએ પત્ની અંજલિબેન સાથે મતદાન કર્યું.

ગોંડલમાં ભાજપનાં ઉમેદવાર ગીતાબા જાડેજાએ મતદાન કર્યું
ગોંડલમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. ત્યારે ગોંડલના ભાજપનાં ઉમેદવાર ગીતાબાએ BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું હતું. ગીતાબાએ પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગીતાબા જાડેજાએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

ગોંડલમાં ગીતાબા જાડેજાએ મતદાન કર્યું.
ગોંડલમાં ગીતાબા જાડેજાએ મતદાન કર્યું.
વજુભાઈ વાળાએ મત આપ્યો.
વજુભાઈ વાળાએ મત આપ્યો.

ભાજપના ઉમેદવારનો આજે જન્મદિવસ અને સૌથી પહેલું મતદાન કર્યું
કચ્છની 6 વિધાનસભા બેઠક પૈકી ગાંધીધામ નંબર 5 ખાતે આજે સવારે ભાજપનાં ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ સૌથી પહેલા પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 8:00 વાગે જ ગાંધીધામના મહેશ્વરી નગર ખાતે મતદારોની લાઈનો લાગવાની શરૂ થઈ હતી. સમયસર પહોંચી આવેલા ભાજપના ઉમેદવારે સૌપ્રથમ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને તમામ નાગરિકોને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. ભાજપનાં આ ઉમેદવાર માલતીબેન મહેશ્વરીનો આજે જન્મદિવસ પણ હોવાથી મતદારોએ તેમને શુભેચ્છા પાઠવી હતી અને મતદાન થકી 200 મીટર દૂર લોકોએ કેક કાપીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.

ગાંધીધામમાં જન્મદિવસે ભાજપના ઉમેદવાર માલતીબેને મતદાન કર્યું.
ગાંધીધામમાં જન્મદિવસે ભાજપના ઉમેદવાર માલતીબેને મતદાન કર્યું.

દેશમાં પ્રથમ મતદાન બૂથની સાથોસાથ એનિમલ હેલ્થ ચેકઅપ બૂથ કાર્યરત
જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના માણાવદર બેઠકના શેરડી, જૂનાગઢ બેઠકના માખિયાળા, વિસાવદર બેઠકના વાંદરવડ, કેશોદ બેઠકમાં પસવાડિયા અને માંગરોળ બેઠકના કુકસવાડા બૂથ પર એનિમલ બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં મતદારોને મતદાન કર્યા બાદ તેમના પશુઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત માણાવદર બેઠકના કણજા, જૂનાગઢ બેઠકના પ્લાસવા, વિસાવદરના મોણિયા, કેશોદના અજાબ અને માંગરોળના ગડુ ખાતે હેલ્થ ચેકઅપ બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં મતદારોને મતદાન કર્યા બાદ તેમનું હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવી રહ્યું છે

કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાએ મતદાન કર્યું
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વતન અમરેલીના અશ્વરિયા ગામમાં મતદાન કર્યું હતું. ઇશ્વચિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું.

કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું.
કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું.

કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું
રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા મતક્ષેત્રમાં કુંવરજીભાઈ બાવળિયાએ વહેલી સવારે મતદાન કર્યું હતું, અહીં મતદાન કરવા માટે નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગોંડલ બેઠક પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો પોલીસ-બંદોબસ્ત
વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ-કચ્છની 53 બેઠકનો સમાવેશ થાય છે. આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ગોંડલ બેઠક પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે, કારણ કે અહીં ક્ષત્રિય સમાજનાં જ બે જૂથ આમનેસામને છે. આથી આજે આ બેઠક પર આખા રાજ્યની નજર મંડરાયેલી છે. કુતિયાણા બેઠક પર પણ મોટા રાજકીય દાવપેચ લડાવવાના હોય અહીં પણ સમગ્ર ગુજરાતની નજર રહેશે. આ ઉપરાંત જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપ તરફથી લડી રહ્યાં છે ત્યારે રસાકસીનો જંગ ખેલાઇ એવાં એંધાણ છે.

રાજકોટમાં મતદારોની લાંબી લાઈન.
રાજકોટમાં મતદારોની લાંબી લાઈન.

ગોંડલમાં ચૂંટણી લોહિયાળ બનવાનાં એંધાણ
ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહે સભા અને પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી એકબીજાને ધમકી આપી હતી. બન્નેએ એકબીજાને ખુલ્લી ચેલેન્જ આપી હતી, આથી ગોંડલ વિધાનસભાની ચૂંટણી લોહિયાળ બને એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. બન્ને બળૂકા એકબીજાને જાહેરમાં તુકારા આપી પડકાર ફેંકી રહ્યા હોય, આજે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ મતદાન થાય એ માટે ચૂંટણીપંચ દ્વારા જિલ્લા પોલીસવડાને વધુમાં વધુ બંદોબસ્ત ફાળવવા આદેશ આપ્યો હતો, આથી ગોંડલ બેઠક પર જિલ્લા પોલીસવડાએ 5 PSI, 1 PI, 1 Dysp, 28 અર્ધલશ્કરી દળ, 1 SRP કંપની અને 3300 પોલીસના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દીધા છે.

રાજકોટની બે બેઠક પર ભાજપ માટે જીતવું કઠિન
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટીલાળાને ટિકિટ આપી છે, પરંતુ એના પર આયાતીનું લેબલ લાગેલું હોવાથી ભાજપ માટે આ બેઠક જીતવી કઠિન રહેશે. રમેશ ટીલાળાની વ્યક્તિગત ઇમેજ સારી છે. તેઓ મોટા ભાગના વર્ગમાં સારીએવી નામના ધરાવે છે, પરંતુ આ વખતે પ્રજાપતિ, બ્રાહ્મણ, લોહાણા સહિતના ઊજળિયાત વર્ગનો ખોફ વહોરવો પડે એવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે.

રાજકોટ પૂર્વ બેઠક પર રસાકસીભર્યો જંગ ખેલાશે
રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપમાંથી ઓબીસીના ઉમેદવાર તરીકે ઉદય કાનગડ મેદાને છે. કાનગડ અત્યારસુધીમાં મેયર, ડેપ્યુટી મેયર, દંડક, શાસક પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દો શોભાવી ચૂક્યા છે. ત્યાર બાદ હવે તેમને વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી છે, ત્યારે ઊજળિયાતોનો એક બહુ મોટો વર્ગ નારાજ છે. આ બેઠક પર કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને ઉતાર્યા છે. તેમણે 2012ની ચૂંટણીમાં આ બેઠક પરથી જીત મેળવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર ચહેરો રાહુલ ભૂવાને ઉતાર્યા છે. તેઓ પણ આ બેઠક પર સારીએવી વગ ધરાવે છે. આ કારણે રાજકોટ પૂર્વ બેઠક પણ ભાજપ માટે જોખમમાં હોવાનું માનવામાં આવે છે.

પ્રદ્યુમ્નસિંહ જાડેજા સામે મામદ જતન મેદાને
કચ્છની અબડાસા બેઠક પર ભાજપના જાણીતા ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા તો સામે કોંગેસના ઉમેદવાર મામદ જતન છે. તેઓ જિલ્લા પંચાયતમાં સભ્યપદે સેવા આપી ચૂક્યા છે અને તાલુકા પંચાયતમાં સભ્ય છે. અહીં આપમાંથી વસંત ખેતાણી મેદાને છે. માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવેને ટિકિટ અપાઈ છે. તેઓ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. કોંગેસના રાજેન્દ્રસિંહ જાડેજા મૂળ ભાજપમાંથી હાલમાં જ કોંગેસમાં જોડાયા છે તેઓને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના કૈલાસદાન ગઢવીને ટિકિટ મળી છે.

દસાડા બેઠક પર કાંટે કી ટક્કર
દસાડા બેઠક પર અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર કોંગ્રેસે ધારાસભ્ય નૌશાદ સોલંકીને રિપીટ કર્યા છે. સામે ભાજપે પહેલી વખત સ્થાનિક ઉમેદવારનો દાવ ખેલીને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય પીકે પરમારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અમદાવાદ ખાતે રહેતા અરવિંદ સોલંકીને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં નૌશાદભાઇ 3788 મતની પાતળી બહુમતીથી જીત્યા હતા. ઉપરાંત ગત ચૂંટણીમાં પાટીદાર ફેક્ટરે મોટું કામ કર્યું હતું, જ્યારે આ ચૂંટણીમાં આપનો ઉમેદવાર સામે આવીને ઊભો છે. જીત થયા બાદ દસાડાના ધારાસભ્ય સતત લોકોના સંપર્કમાં રહ્યા છે. જ્યારે સામે ભાજપના ઉમેદવાર સ્થાનિક હોવાથી, તેઓ પણ લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે. ત્યારે આ સ્થિતિમાં આપના આયાતી ઉમેદવારનું કેટલું ઊપજે છે, એ જોવું રહ્યું

મોરબીમાં કાંતિ અમૃતિયા બાજી મારશે?
મોરબી અને ટંકારા બેઠક પર આપમાંથી પાટીદાર ઉમેદવાર અને વાંકાનેર બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે. ત્યારે આપમાંથી કોળી ઉમેદવાર મેદાને ઉતારતાં રસપ્રદ જંગ જોવા મળી શકે છે. મોરબી બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, જ્યાં 1995થી વર્ષ 2017 સુધી કાન્તિલાલ અમૃતિયાએ રાજ કર્યું હતું, જેઓ 2017ની ચૂંટણી હારી ગયા હતા. જોકે ફરી ભાજપે ટિકિટ આપી છે. ત્યારે સૌની નજર મોરબીની બેઠક પર જોવા મળી રહી છે.

જૂનાગઢ બેઠક પર ભાજપને લોઢાના ચણા
જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં આ ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર સંજય કોરડિયાને ટિકિટ મળતાં ભાજપ પ્રત્યેની નારાજગી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે, કારણ કે, જૂનાગઢની જનતાએ નબળા રોડ ધૂળની ડમરીઓ પાણીના ખાડાઓ સિવાય આટલા વર્ષોમાં મહાનગરપાલિકા પાસેથી કશું મળ્યું ન હોય તો આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાના જ કોર્પોરેટર ધારાસભ્યો બની કયા વિકાસનાં કામો કરશે એવી ધારણા બાંધી છે.

રાજુલા બેઠક પર અંબરીશ ડેરને હીરા સોલંકી આપશે ટક્કર
રાજુલા બેઠક પર સૌથી વધારે ટક્કર જોવા મળશે. રાજુલા બેઠક પર સતત જીતતા આવતા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીને ગત ચૂંટણીમાં કોંગ્રેસના અંબરીશ ડેરે હરાવ્યા હતા. ત્યારે આ વખતે ફરી કોંગ્રેસના અંબરીશ ડેર સામે ભાજપે હીરા સોલંકીને મેદાને ઉતાર્યા છે તેમજ આમ આદમી પાર્ટીમાંથી પાંચાળી આહીર સમાજના ભરત બલદાણિયાને ટિકિટ આપી છે. આ બેઠક પર સૌથી વધારે કોળી સમાજનું વર્ચસ્વ છે. સૌથી વધારે કોળી મતદારો છે. બીજા નંબરે પાંચાળી આહીર સમાજનું વર્ચસ્વ છે.

સોમનાથ બેઠક પર ત્રિપાંખિયા જંગ પર સમગ્ર રાજ્યની નજર
ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને કારમી હાર આપી હતી. ચારેય બેઠક પર કોંગ્રેસના પંજાનો કબજો થયો હતો. આ વખતની ચૂંટણીમાં રાજ્યમાં સૌથી હોટ ગણાતી એવી પ્રથમ જ્યોતિર્લિંગના નામ સાથે જોડાયેલી સોમનાથ બેઠક પરના ત્રિપાંખિયા જંગ પર સમગ્ર રાજ્યની નજર રહેશે. જ્યારે તાલાલા બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાંથી ઉમેદવારી કરનાર ભગવાનભાઈ બારડ સામે કોંગ્રેસે નવોદિત ચહેરો ઉતારતાં ચૂંટણીજંગ જામશે. ઉના બેઠક પર કોંગ્રેસના સિનિયર સામે ભાજપના જુનિયર સમાન નેતાનો જંગ રસપ્રદ રહેશે.

ભાવનગર પશ્ચિમ બેઠક પર જિતુ વાઘાણી માટે કપરાં ચઢાણ
ભાવનગરની પશ્ચિમ બેઠકમાં આ વખતે ખરાખરીનો જંગ જામશે તેવું લાગી રહ્યું છે, કારણ કે ભાવનગર પશ્ચિમમાં જિતુ વાઘાણી, કે.કે.ગોહિલ અને રાજુ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે જ્ઞાતિ પ્રમાણે જોઈએ તો પાટીદાર, ક્ષત્રિય અને કોળી ઉમેદવાર છે ભાવનગર પશ્ચિમ બેઠક પર 137306 પુરુષ મતદારો, 126981 મહિલા મતદાર તેમજ અન્ય 26 મતદારો મળી કુલ 264313 મતદાર જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બેઠકમાં કોળી મતદારોની સંખ્યા 55થી 60 હજાર છે, જ્યારે ક્ષત્રિય સમાજની 30થી 35 હજાર મતદારો છે. જ્યારે પાટીદારના 30થી 35 હજાર મતદારો છે, જો જ્ઞાતિ પ્રમાણે સમીકરણો જોઈએ તો આ બેઠક પર ભારે રસાકસી જોવા મળી શકે તેમ છે.

કુતિયાણા બેઠક પર ચતુષ્કોણીય જંગ
કુતિયાણા વિધાનસભા બેઠક પર 2017મા એનસીપીના કાંધલ જાડેજાએ એકલે હાથે ભાજપના ઉમેદવાર લક્ષ્મણ ઓડેદરા અને કોંગ્રેસના ઉમેદવાર વેજા મોડેદરાને હરાવી વિજય મેળવ્યો હતો. આ વખતે જિલ્લાની બન્ને બેઠક પરના ઉમેદવારના નામ જોઈએ તો પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે બાબુ બોખરિયા, કોંગ્રેસ તરફથી અર્જુન મોઢવાડિયા અને આપ તરફથી જીવન જુંગી ઉમેદવાર છે. કુતિયાણા બેઠક પર ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા, કોંગ્રેસના નાથા ઓડેદરા, આપના ભીમા મકવાણા તેમજ કાંધલ જાડેજાએ અપક્ષમાં ફોર્મ ભર્યું છે.

દ્વારકા બેઠક પર 7 ટર્મથી વિજેતા પબુભા માણેક મેદાન મારશે?
દ્વારકા જિલ્લાની બે બેઠક પૈકી દ્વારકા બેઠકમાં ભાજપ તરફથી ઉમેદવાર સતત સાત ટર્મથી જીતતા પબુભા માણેક છે. કોંગ્રેસનો ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા, જ્યારે આમ આદમી પાર્ટીએ નકુમ લખમણભાઈને મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત ખંભાળિયામાં કોંગ્રેસે સીટિંગ એમએલએ વિક્રમ માડમને ફરી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના દાવેદાર ઈસુદાન ગઢવીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...