સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 11 માસના કરાર આધારિત 56 પ્રોફેસરની ભરતી માટે આજથી ઈન્ટરવ્યૂ શરૂ થયા છે. પહેલા જ દિવસે અનામત નીતિનો ભંગ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નવું ભોપાળું સામે આવ્યું છે. યુનિવર્સિટીમાં રુ.40 હજારના પગાર સાથે 11 માસના કરાર ઉપર અધ્યપકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અનામત નીતિનો છેદ ઉડતો હોવાની ફરિયાદ નીતિ આયોગમાં તથા અનુ. જાતિ આયોગે ઇન્ચાર્જ કુલપતિને નોટિસ ફટકરી હતી. જેથી હવે ઇન્ચાર્જ કુલપતિએ નિર્ણય બદલવો પડ્યો છે. અને આ ભરતી પ્રક્રિયામાં 11 માસને બદલે હવે 45 દિવસ માટે જ અધ્યાપકોની ભરતી થશે અને અધ્યપકોના 45 દિવસના જ ઓર્ડર કાઢવામાં આવશે, ત્યારબાદ ફરીથી ઇન્ટરવ્યુુ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અનામત કોટાની અમલવારી કરવા રજૂઆત કરી
આ અંગે રાજકોટ શહેર એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 11 માસના કરાર ઉપર અધ્યપકોની ભરતી કરવાની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. જેમાં એસસી, એસટી અને ઓબીસી કોટાની અમલવારી નહીં થતી હોવાની સ્પષ્ટ જણાઇ આવતા આજ રોજ સમગ્ર અનુસુચિત જાતીને સાથે રાખીને અનામત કોટાની અમલવારી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
45 દિવસ બાદ ફરીથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા થશે
વધુમાં નરેન્દ્ર સોલંકીના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ સ્વિકાર કર્યો હતો કે યુનિવર્સિટી દ્વારા અધ્યપકોની જાહેરાતમાં અનામત કોટાની અમલવારી થઇ નથી જે ખરેખર થવી જોઇએ. જેથી આજથીને હાથ ધરવામાં આવેલ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં માત્ર 45 દિવસના ઓર્ડર કાઢવામાં આવશે અને 45 દિવસ બાદ ફરીથી કરારી અધ્યપકોની ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવી ખાત્રી કુલપતિએ રજૂઆત કરવા ગયેલા અનુસુચિત જાતિ સમાજના આગેવાનોને આપી હતી.
30 દિવસમાં જવાબ રજૂ કરવા માટે નોટીસ ફટકારી
નરેન્દ્ર સોલંકીના જણાવ્યા અનુસાર કરારી અધ્યપકોની ભરતીમાં 45 દિવસથી વધુમાં નોકરીના ઓર્ડર કાઢવામાં આવે તો તેવી ભરતીમાં અનામત કોટાની અમલવારી કરવી ફરજિયાત છે. પરંતુ યુનિવર્સિટીએ આપેલી જાહેરાતમાં આ અમલવારીનો છેદ ઉડી ગયો હોવાથી રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગમાં રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત આયોગે યુનિવર્સિટીને 30 દિવસમાં જવાબ રજૂ કરવા માટે નોટીસ ફટકારી છે.
પહેલીવાર પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈન્ટરવ્યૂ થયા, ગેટ બંધ કરી દીધા!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી પ્રોફેસરની ભરતી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બુધવારે 16 ભવનમાં ભરતી માટેના ઈન્ટરવ્યૂ લેવાયા હતા. પહેલીવાર યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જ્યાં ઈન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા તે મુખ્ય બિલ્ડિંગના તમામ ગેટ પણ બંધ કરી દેવાયા હતા અને સિક્યુરિટી બેસાડી દેવાયા હતા. ભરતીનો વિરોધ કરવા કોઈ આવી ન શકે અને ઈન્ટરવ્યૂમાં ખલેલ ન પહોંચે તેથી આવું કર્યું હતું.
ઈતિહાસ ભવનના ઈન્ટરવ્યૂ છેલ્લી ઘડીએ રદ કરાતા અચરજ!
યુનિવર્સિટીમાં ઈતિહાસ ભવનમાં કરાર આધારિત 2 જગ્યા માટે 9 ઉમેદવારને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા અને બુધવારે બપોરે 2.30 કલાકે ઈન્ટરવ્યૂ લેવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ ઈન્ટરવ્યૂ મોકૂફ રાખવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ એક્સપર્ટ નહીં આવ્યા હોવાનું બહાનું ધર્યું હતું પરંતુ ઈતિહાસ ભવનમાં કોને લેવા અને કોને ન લેવા તે મુદ્દે પણ વિવાદ હોવાનું કારણ સામે આવ્યું છે.
બહારથી આવેલા અધિકારીઓની હાજરીમાં જ ભરતીનો ફિયાસ્કો!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે કરારી પ્રોફેસરોની ભરતીના ઈન્ટરવ્યૂ લેવા માટે રાજ્યની નરસિંહ મહેતા યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટીના એક્સપર્ટ આવ્યા હતા. આ ઉપરાંત હાયર એજ્યુકેશનના જોઈન્ટ ડાયરેક્ટર સહિત ટોચના અધિકારીઓ પણ યુનિવર્સિટીમાં ઉપસ્થિત હતા ત્યારે જ બપોરે કુલપતિએ માત્ર 45 દિવસ માટે જ ભરતીના ઓર્ડર કરવાનો નિર્ણય કરતા ભરતીનો ફિયાસ્કો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.